ભ્રમ નામનો ધૂમાડો ઉતપન્ન કરનારી દેવી એટલે ધૂમાવતી. નકારાત્મક અને દુષ્ટ શક્તિઓને ભ્રમમાં નાખીને ધૂમાવતી તેમનો સંહાર કરે છે.
તંત્રની સપ્તમ મહાવિદ્યા ધૂમાવતી છે.
શક્તાગમ અનુસાર દક્ષ પ્રજાપતિએ યજ્ઞમાં પોતાની દીકરી સતી અને જમાઈ શિવને આમંત્રણ આપ્યું નહી છતાં સતી શિવના ના પાડવા છતાં યજ્ઞમાં ગયા ત્યારે દક્ષે સતી સમક્ષ શિવની ઘોર નિંદા કરી. પતિની ઘોર નિંદા સાંભળતાં સતીએ યજ્ઞકુંડમાં પોતાનો દેહત્યાગ કર્યો ત્યારે તેમના વદનમાંથી જે ધૂમાડો પ્રસર્યો તેમાંથી એક શક્તિ ઉત્પન્ન થઈ તે “ધૂમાવતી” છે. તે કાલમુખી છે. તે સંહાર કરનારી છે.
નારદ પંચરાત્ર અનુસાર એક વખત પાર્વતીજીને સખત ભૂખ લાગી. તેમણે શિવ પાસે ભોજન માંગ્યું. શિવજીએ તેમને પ્રતીક્ષા કરવા કહ્યું.અત્યંત ક્ષુધા (ભૂખ) ને કારણે સતી શિવને ગળી ગયા તેથી તેમના વદનમાંથી ધૂમાડો ઉત્પન્ન થવા લાગ્યો.
મહામાયાના વદનમાંથી બહાર નીકળીને શિવજીએ ફરીથી રૂપ ધારણ કરીને પાર્વતીને કહ્યું કે “તમે પતિને ગળી ગયા છો. તમે પતિનું ભક્ષણ કર્યું છે તેથી તમે વિધવા થઈ ગયા છો. તમે તમામ સૌભાગ્યના ચિહ્નનો ત્યાગી દો. તમે ધૂમાડાથી છવાયેલા રહેશો તેથી તમે “ધૂમાવતી” કહેવાશો.”
કૌલાન્તક તંત્ર અનુસાર દેવીનું આ સ્વરૂપ મહામાયા અને શિવની ઈચ્છાથી પ્રગટ થયું હતું. શિવે મહામાયાને કહ્યું કે આપ નિરાશ થશો નહી કારણકે સૃષ્ટિ સંચાલન હેતુથી પાપીઓને દંડિત કરવા માટે એક રહસ્યમય સ્વરૂપની આવશ્યકતા હતી જેને એક યુક્તિ પૂર્વક આપે ઉત્પન્ન કર્યું છે. આ કાર્ય આપના સિવાય કોઈ કરી શકે તેમ નહોતું.
કેટલાક ટીકાકારો નું કહેવું છે કે ધૂમાવતી વિધવા નથી કારણકે શિવ અમર છે માટે ધૂમાવતી વિધવા કેવી રીતે હોઈ શકે ? તેઓ ધૂમાવતી ને બ્રહ્મચારીણી કહે છે.હવે આ ટીકાકારોની વાતો માનવી કે ના માનવી એ પણ એક ભ્રમ છે.મેં ઉપર જ લખ્યું છે કે ધૂમાવતી ભ્રમ ઉતપન્ન કરે છે.
દસ મહાવિદ્યાઓમાં “દારૂણ દેવી” તરીકે પ્રખ્યાત ધૂમાવતી છે.મહાભયંકર શ્રાપ આપવાવાળી અને મહાભયંકર શ્રાપને નષ્ટ કરવાવાળી દેવી ધૂમાવતી છે.દુર્વાસા, અંગિરા, ભૃગુ, પરશુરામ આદિ ક્રોધથી ભયંકર લાગતા ઋષિઓની મૂળ શક્તિ ધૂમાવતી છે.સૃષ્ટિ કલહ ધૂમાવતીના કારણે થાય છે તેથી તેને કલહપ્રિય કહેવાય છે.
ધૂમાવતીની પૂજા વર્ષાઋતુમાં થાય છે.
ધૂમાવતી નરક ચતુદર્શીના દિવસે પાપીઓ અને દુષ્ટોને દંડ આપે છે.શ્વેતરૂપ ધુમાડો દેવીને અત્યંત પ્રિય છે. પૃથ્વી પર આકાશમાં જે વાદળો છે તેમાં ધૂમાડા રૂપે વાસ કરે છે.
ધૂમાવતી ક્રોધે ભરાયેલી, ચંચળ, મેલા વસ્ત્રો, વિખરાયેલા કેશ (વાળ), કાગડાના ચિહ્નનવાળી ધજાવાળા રથમાં આરૂઢ થનારી, હાથમાં સૂપડું,વરમુદ્રા ધારણ કરનારી, ભૂખી-તરસી અને કલહપ્રિયા ધૂમાવતી દેવીને અલક્ષ્મી પણ કહે છે.
ધૂમાવતીનું સ્વરૂપ વૃદ્ધ, કંપતુ અને વિધવા સ્ત્રી જેવું છે.
વિધવા સ્ત્રીઓ ધૂમાવતીની આરાધના કરે છે.
ધૂમાવતી દેવીને અલક્ષ્મી પણ કહે છે.
ધૂમાવતી દેવી જયેષ્ઠા નક્ષત્ર સાથે જોડાયેલી છે. આ નક્ષત્રમાં જન્મેલા દરિદ્ર જોવા મળતા હોય છે અથવા જીવનમાં આર્થિક રીતે દુ:ખી જોવા મળતા હોય છે.
ધૂમાવતીના કોઈ ભૈરવ નથી કારણકે તે વિધવા છે.
દેવી ધૂમાવતીનું સામ્રાજય પૂર્વ દિશામાં છે.
ઋગ્વેદમાં રાત્રિસૂક્તમાં ધૂમાવતીને “સૂતરા” કહી છે અર્થાત્ સુખપૂર્વક તારવાવાળી. અભાવ અને સંકટ દૂર કરનારી સૂતરા છે.
તંત્રનો સાધક ધૂમાવતીની દીક્ષા લઈ શકે છે. ગુરુ દીક્ષામાં આપેલ મંત્ર વગર કોઈ પણ તેની આરાધના કરી શકે નહી.
રાહુનું કાર્ય ભ્રમ ઉત્પન્ન કરનારું છે. માઁ ધૂમાવતીના સાધકને રાહુ કયારેય ભ્રમમાં નાંખી શક્તો નથી ઉલ્ટાનું સાધક ધૂમાવતીને સિદ્ધ કરીને શત્રુઓને ભ્રમમાં નાંખે છે.
ધૂમાવતીની ગૃહસ્થીઓએ સાધના કરવી જોઈએ નહી.
ધૂમાવતીનું પીઠ આખા ભારતમાં એક માત્ર મધ્યપ્રદેશમાં છે. મધ્યપ્રદેશના દંતિયા જિલ્લામાં પ્રસિદ્ધ “પીતાંબર પીઠ” તરીકે પ્રખ્યાત છે.
ધૂમાવતીનો સાધક રૂદ્રાક્ષની માળા અથવા મોતીની માળાથી મંત્ર જાપ કરે છે.
ધૂમાવતીની સાધનાથી શત્રુઓ ભ્રમિત થઈ જાય છે અને અંતે તેમનો નાશ થાય છે, કોર્ટ કચેરીમાં વિજય પ્રાપ્ત થાય છે, ધનની કોઈ કમી રહેતી નથી. ધૂમાવતીની સાધનાથી ચાર પુરુષાર્થો ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
જય માઁ ધૂમાવતી.
જય બહુચર માઁ.