શિવાનંદ સ્વામી રચિત જય આદ્યાશક્તિ આરતીમાં ત્રણ નગરીનો ઉલ્લેખ થયો છે. આ ત્રણ નગરી કઈ ? તેવો હમણા જ મને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. ઈન્ટરનેટ પરના ધુરંધર ગુગલ જ્ઞાનીઓએ લખ્યું છે કે ત્રંબાવટી નગરી એટલે સ્તંભાવતીનગરી જે ખંભાત પાસે આવેલી છે જયાં પહેલા સોળ હજાર વસ્તી હતી અને હવે નથી…બોલો હવે આ લોકોનું મારે શું કહેવું ?
કયાંક કોઈએ એ રીતે અર્થઘટન કર્યું છે કે હે માં ! આ ત્રણ નગરીના નામ તો પ્રતિક છે પરંતુ સોળ હજાર ગોપી સ્વરૂપ છે તે આપના સ્વરૂપ છે.પૂજા ભક્તિભાવમાં કંઈ ભૂલચૂક થઈ હોય તો દયા કરીને ક્ષમા કરજો. આમાં સોળ હજાર ગોપીઓવાળી વાત ગળે ઉતરે તેમ નથી.
આદિ પરાશક્તિ જગદંબા તેમના જ્ઞાન અને બુદ્ધિના સમુદ્રમાંથી નાનકડું એક ટીપું મને આપીને કંઈક સત્ય વાત જનકલ્યાણ માટે લખાવવા માંગતા હોય ત્યારે સત્ય વર્ણવું તો જેમ શિવ કૈલાસમાં વસે છે, વિષ્ણુ વૈકુંઠમાં વસે છે તેમ બ્રહ્માંડની ઉપરના ભાગમાં સર્વલોક છે ત્યાં ભગવતી આદિ પરાશક્તિ જગદંબા બિરાજે છે તે સ્થાનને “મણિદ્વીપ”કહે છે.
આ “મણિદ્વીપ”નું વર્ણન દેવી ભાગવત પુરાણના દસમાં, અગિયારમાં અને બારમાં અધ્યાયમાં વિસ્તારપૂર્વક વર્ણવેલ છે. આ મણિદ્વીપ સ્થાનની આજુબાજુ અમૃતના સમુદ્રો છે, મનોહર વૃક્ષો છે, સુખમય સરોવર અને અમૃત વહાવતી નદીઓ છે.
આ અમૃત સાગર પછી લોઢાનો, કાંસાનો, તાંબાનો,સીસાનો, પિત્તળનો,પંચલોહનો, ચાંદીનો, સોનાનો, પોખરાજનો, પદ્યરાગમણિનો, ગોમેદરત્નનો, હીરાનો, વૈદૂર્યમણિનો, ઈન્દ્રમણિનીલમણિનો, મોતીઓનો, મહામરક્તમણિઓનો, પરવાલનો, નવા રત્નોનો એમ કુલ અઢાર કિલ્લાઓ છે જે પછી ચિંતામણિગૃહ આવે છે. આ ચિંતામણિ ગૃહમાં ચાર મડંપો છે જેમાં શૃંગાર મંડપની મધ્યભાગમાં આદિ પરાશક્તિ સોળ હજાર પાંખડીઓવાળા કમળની મધ્યમાં સોળે શગણાર સજીને દિવ્ય સિંહાસન પર બિરાજે છે.
આરતીમાં શિવાનંદ સ્વામીએ દેવી ભાગવત પુરાણને આધાર રાખીને કલ્પયું છે કે “હે માં ! તું તાંબાની નગરીમાં બિરાજે છે ( ત્રંબાવટી નગરી ), રૂપાની નગરીમાં બિરાજે છે ( રૂપાવટી નગરી ) અને ભક્તોના મનની ઈચ્છાની નગરીમાં પણ બિરાજે છે ( મંછાવટી નગરી ). અહીંયા શિવાનંદ સ્વામીએ તેમના મનનો ભાવ લખ્યો છે.
હે માં ! તમે મણિદ્વીપમાં સોળ હજાર પાંખડીઓવાળા કમળની મધ્યમાં સોળે શણગાર સજીને દિવ્ય સિંહાસન પર શોભાયમાન છો. (સોળ સહસ્ત્ર ત્યાં સોહીએ ) હે માં ! અમારાથી કંઈ ક્ષતિ થઈ ગઈ હોય તો અમારી પર દયા કરીને ક્ષમા કરજો.
શિવાનંદ સ્વામી મૂળ વડનગરના નાગર બ્રાહ્મણ હતા. તે પ્રખર દેવી ઉપાસક હતા. શિવાનંદ સ્વામી જેવા પ્રખર જ્ઞાનીઓ હંમેશા દેવી ભાગવત પુરાણ અને માર્કંડેય પુરાણ (જેમાં ઋષિ માર્કંડેય મુનિએ દેવી માહાત્મય વર્ણવ્યું છે તે) જેવા ઉચ્ચ કોટિના ગ્રંથોને આધાર રાખીને જ માં આદિ પરાશક્તિની આરતી રચી શકે છે.
જય આદ્યાશક્તિ આરતીના રચયિતા વિદ્વાન બ્રાહ્મણ શ્રી શિવાનંદ સ્વામીને કોટિ કોટિ વંદન છે.
જય અંબે માં.
જય બહુચર માં.