આશરે ૧૧૦ વર્ષ પહેલાની વાત છે.ગાંધીનગર કોબા સર્કલ પાસે આવેલા નભોઈ ગામમાં સજજન બા ને એક રાત્રે સપનું આવ્યું કે ગામના છેડે વહેતી નદી કિનારે કોતરોમાં જમીનની નીચે હનુમાનજીની મૂર્તિ છે. બા એ ગામજનોને વાત કરતા જમીનને ખોદકામ કરીને આ મૂર્તિને ત્યાંથી બહાર કાઢવામાં આવી તે માગશર સુદ બીજ હતી. ગામજનોએ મૂર્તિનૂ પરીક્ષણ કરતા માલૂમ પડયું કે મૂર્તિ આશરે ૪૫૦ થી ૫૦૦ વર્ષ જૂની છે.
થોડાક સમય બાદ આ સિદ્ધ સ્થળે એક અઘોરી આવ્યા જે બ્રહ્મચારી હતા.તેમણે હનુમાનજીની ઘણા સમય સુધી આરાધના કરી.દર માગશર સુદ બીજે તેઓ દાદાનો થાળ કરતા હતા.આજે પણ દર વર્ષે માગશર સુદ બીજે દાદાને થાળ ધરાવવામાં આવે છે અને સર્વ ભક્તોને પ્રસાદ રૂપે વહેંચવામાં આવે છે. સજજન બા ની યાદમાં આ દિવસે ધી, ભાત અને ગોળ નો નૈવૈધ કરવામાં આવે છે.
આ મંદિરની સ્થાપના માગશર સુદ બીજે આશરે ૧૧૦ વર્ષ પહેલા કરવામાં આવી હતી અને હમણા જ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. મંદિરમાં શ્રી બહુચર માં,શ્રી નારસંગવીર દાદા અને પાર્વતીજીની નવી મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી છે.શિવાલયમાં શિવજીનું પ્રતિષ્ઠિત કરેલું નવું શિવલીંગ અતિસૌમ્ય લાગે છે.મંદિરની પાછળના ભાગે ગણપતિજીની મૂર્તિ અને પીપળાનું વૃક્ષ છે.અધોરીજીની સમાધિ નદીના પટ તરફ જતા પંથમાં બનાવવામાં આવી છે અને મંદિરમાં સજજન બા ની યાદમાં આજે પણ દીવો થાય છે.
નભોઈ હનુમાનદાદાના મંદિરનો મહિમા અને કીર્તિ લોકો સુધી પહોંચે તે માટે શ્રી મનુભાઈ દુધિયા, શ્રી નયનાબેન બકરીવાલા, શ્રી શૈલેષભાઈ સાહિબા, શ્રી પ્રદિપભાઈ પટેલ, શ્રી મયૂરભાઈ દાંડવાળા,શ્રી જનકભાઈ મોદી તથા અન્ય ટ્રસ્ટી મંડળ અથાગ પ્રયત્ન કરી રહ્યા છે.
એક શનિવારે આ મંદિરે શ્રી મનુદાદા તથા તેમના પુત્ર કેયુરભાઈ સાથે મારે મુલાકાત થઈ હતી. મને મનુદાદાએ કહ્યું તું કે વિશાલ, હું આજથી આશરે ૬૦ વર્ષ પહેલા સાઈકલ લઈને આવતો હતો. આજે મારી પાસે દાદાની દયાથી બધુ જ છે.આ મનુદાદાની શ્રદ્ધાની વાત છે અને ઈશ્વર પ્રત્યેની અતૂટ શ્રદ્ધા જ આપણને જીવનમાં પ્રગતિના પંથ પર લાવીને સફળ કરે છે.
આજથી વર્ષો પહેલાં સાબરમતી નદીમાં પૂર આવ્યું હતું પરંતુ નભોઈમાં બિરાજેલા હનુમાનજીનું મુખ નદી બાજુ હોવાથી નભોઈ ગામને ઉની આંચ પણ નહોતી આવી.આ વાત મને ગઈકાલે મિત્ર મીનેષભાઈ દુધિયાએ જણાવી હતી.
ઉપર તમે જે નયનાબેન બકરીવાલાનું નામ વાંચો છો તેમની ભક્તિની એક નાનકડી વાત લખું છું.નયનાબેને આજથી વર્ષો પહેલાં આનંદના ગરબા ૧૦૧ વખત લખીને ચુંવાળ પંથકમાં શ્રી બહુચર માતાના ચરણોમાં પધરામણી કરી હતી અને પછી તેમના મનમાં એવો ભાવ થતો જ ગયો અને જ્યારે જ્યારે તેમને સમય મળતો ત્યારે તેઓ આનંદના ગરબા ૧૦૧ વખત લખીને માતાજીના ચરણોમાં પધરામણી કરતા હતા.આ વાત તેમણે મને જણાવી હતી.આ વાત લોકોને જણાવીને તેઓ તેમની ભક્તિનો ક્યારેય પણ પ્રચાર નથી કરવા માંગતા.મને પણ લખવાની ના પાડી હતી પણ મારે મન એમ થયું કે માં તારી ભક્તિ કરનારા ભકતોની ભક્તિનો પણ મહિમા વધવો જોઈએ.
જય શ્રી રામ.જય હનુમાન દાદા.
જય બહુચર માઁ.