દક્ષ રાજાની પુત્રી સતી બીજા જન્મમાં હિમાલયની પુત્રી તરીકે જન્મ લે છે ત્યારે તે શિવને પામવા માટે ઘર છોડીને જંગલમાં તપ કરવા માટે ચાલી જાય છે ત્યારે પાર્વતીજીની માતા મેના વિલાપ કરવા માંડે છે કે ઉમા ઉમા (અર્થાત્ ના જા ના જા). એમ દેવી પાર્વતીનું નામ ઉમા પડયું હતું.
જયાં શિવજીએ કામદેવને ભસ્મ કર્યો હતો તે શિખર ગંગાવતરણ નામથી પ્રસિદ્ધ છે ત્યાં પાર્વતીજીએ પરમ ઉત્તર શૃંગિતીર્થમાં તપસ્યા કરી.આ સ્થળે ગૌરીએ તપ કર્યુ તેથી “ગૌરી શિખર” નામ થયું. પાર્વતીજીએ અહીં ફળ આપનાર વૃક્ષો વાવ્યા હતા.
પાર્વતીએ ભૂમિ શુદ્ધ કરીને વેદી બનાવી ત્યાં તપ કરવાનો આરંભ કર્યો જે મુનિઓ માટે પણ દુષ્કર હતું. પાર્વતીજી મનસહિત સમગ્ર ઈન્દ્રિયોને કાબૂમાં રાખીને ઉચ્ચકોટિની તપસ્યા કરવા લાગ્યા હતા.
પાર્વતીજી ગ્રીષ્મ ઋતુમાં પોતાની ચારે બાજુ અગ્નિ પ્રગટાવીને દિવસ રાત પ્રણવ મંત્ર “ૐ” ની સાથે પંચાક્ષર મંત્ર “નમ:શિવાય” નો જાપ કરતા હતા. વર્ષાઋતુમાં જલધારાથી ભીના થઈને વેદી પર સુસ્થિર આસને બેસીને તપસ્યા કરતા હતા.શિયાળામાં નિરાહાર રહીને બરફની શિલા પર બિરાજમાન થઈને તપસ્યા કરતા હતા.
પ્રતિદિન પાર્વતીજી સખીઓ સાથે પોતે ઉછરેલા વૃક્ષોને પાણી પાતા.ત્યાં પધારેલા અતિથિઓનો સત્કાર કરતા. પાર્વતીજીએ પ્રચંડ વાવાઝોડું, ગાત્ર ગાળી દે તેવી ઠંડી, અત્યંત ભારે વરસાદ અને દુસહ્ય તડકામાં શિવની તપસ્યા કરી. વિવિધ પ્રકારના દુ:ખો આવ્યા પણ તેઓ શિવ ધ્યાનમાં જ રહ્યા
પાર્વતીજીએ પ્રથમ વર્ષ ફળાહાર કર્યો.બીજે વર્ષે પાંદડા આરોગ્યા. આમ અસંખ્ય વર્ષો તપસ્યા કર્યા બાદ પાર્વતીએ પાંદડા ખાવાના છોડી દીધા અને નિરાહાર રહીને તપસ્યા કરવા લાગ્યા. પાંદડા આરોગવાનો ત્યાગ કરવાથી તેઓ “અપર્ણા” કહેવાયા. તે પછી પાર્વતીજી એક પગ પર ઉભા રહીને પંચાક્ષર મંત્રનો જાપ કરતા કરતા ભારે તપસ્યા કરવા લાગ્યા.
પાર્વતીજીના મસ્તક પર જટાઓનો સમૂહ થઈ ગયો હતો. પાર્વતીજીની તપસ્યાએ સમગ્ર લોકના તપસ્વીઓ અને મુનિવરોના મન જીતી લીધા હતા.
જગદંબા પાર્વતીજીનું તપ આશ્ચર્યકારક હતું. જે પ્રાણીઓ સ્વભાવથી એક બીજાના વિરોધી હોય એવા પ્રાણીઓ પાર્વતીજીના આશ્રમ પાસે જઈને વિરોધરહિત થઈ જતા હતા. પાર્વતીજી તપસ્યાથી પાર્વતીજીનો આ આશ્રમ કૈલાસ જેવો થઈ ગયો હતો.
પાર્વતીજી શિવની સાધનાના માધ્યમથી શિવના હ્દયમાં કરૂણા અને પ્રેમ પ્રગટાવા માંગે છે. પાર્વતીજીની સાધના અન્ય તપસ્વીઓની સાધનાથી અલગ છે.
દેવો-દાનવો, ઋષિમુનિઓ પોતાની ઈચ્છાપૂર્તિ માટે અથવા શિવની પ્રાપ્તિ માટે તપસ્યા કરે છે જયારે પાર્વતીજી વ્યક્તિગત સુખ માટે નહી પણ સંસારના લાભ માટે તપસ્યા કરે છે. આમ પાર્વતીજીનો શિવ સાધનાનો મૂળભૂત હેતુ સંસારના કલ્યાણ માટેનો છે.
શિવપુરાણ અનુસાર જયારે પાર્વતીજી શિવને પામવા માટે શિવ સાધના કરે છે ત્યારે શિવજી પાર્વતીજીને ધ્યાનથી સમજવા ધ્યાન લગાવે છે ત્યારે શિવને અનુભૂતિ થાય છે કે “સતી જ પાર્વતી છે”.
શિવ આંખો બંધ કરે છે ત્યારે તેમને “કાલી” દેખાય છે જે અતિભયંકર છે જયારે આંખો ખોલે છે ત્યારે તેમને “ગૌરી” ના દર્શન થાય છે જે અતિસૌમ્ય છે.
આ અનુભૂતિથી શિવ સંસારને એમ શીખવવા માંગે છે કે જો પ્રકૃતિને જ્ઞાનની દષ્ટિથી નહી જોઈએ તો પ્રકૃતિ ડરામણી થઈ જશે પણ જો પ્રકૃતિને જ્ઞાન સાથે જોવામાં આવે તો તે સૌમ્ય થઈ જશે.
આ પછી પાર્વતી પણ શિવને પોતાના દર્પણમાં શિવને શંકર (શિવનું સૌમ્ય સ્વરૂપ) ના દર્શન કરાવે છે.
તો વાંચકો, પાર્વતીજીની સાધના આપણને અહીં એમ શીખવવા માંગે છે કે
“મનના વિકારો દૂર કરીને મનની શુદ્ધિ માટે અને સંસારના કલ્યાણ માટે શિવ સાધના કરવી જોઈએ”.
હર હર મહાદેવ.
જય બહુચર માં.