28 C
Ahmedabad
Friday, September 20, 2024

માઁ અંબા અખિલ વિશ્વની જનેતા રે.

આખું વિશ્વ વિશ્વાસ પર ચાલે છે. વિશ્વાસ એટલે શ્રદ્ધા પર.શ્રદ્ધા પૂછો કોની પર ? તો જેણે આ વિશ્વ બનાવ્યું તે વિશ્વેશ્વરી પર.આ વિશ્વેશ્વરી કોણ છે ? તો વિશ્વેશ્વરી અખિલ બ્રહ્માંડની જનેતા જગદંબા છે જેણે ચૌદભુવનો રચ્યા છે તે ભુવનેશ્વરી છે. તેને અઢાર ભુજાઓ છે. તે શૂન્યાનાં શૂન્યસાક્ષિણી છે અર્થાત્ પૃથ્વી નહોતી,ચૌદ બ્રહ્માંડો નહોતા.તમે સમજો ને કશું જ નહોતું માત્ર એક શૂન્ય હતું તે શૂન્યની સાક્ષી છે.

તમને લાગે છે કે માઁ અંબા અંબાજીમાં ગબ્બર પર બિરાજે છે. તમે તેમ જાણો છો કે તે ચાચરમાં નિવાસ કરે છે પણ તમારા શ્વાસોને કદી તમે પૂછજો તો ખરી તું કોના આધાર પર ચાલે છે ?

તમારા હ્દયમાં ચાલતા શ્વાસો અમ બા અમ બા બોલીને ચાલે છે. તમને વિશ્વાસ ના આવતો હોય તો શ્વાસ અંદર ખેંચજો તો “અમ” અવાજ આવશે. શ્વાસ બહાર કાઢશો તો “બા” અવાજ આવશે.

તમને ભાવ થવો જોઈએ અભાવ દૂર કરવા. તમને લાગણી થવી જોઈએ સ્વાર્થ દૂર કરવા.તમને થતો અણગમતો ઘોંધાટ દૂર કરવા તમને અંતરના આતમથી “અંબા” નો અવાજ આવવો જોઈએ.

તમને ઘંટનાદમાં, ઢોલકના તાલે, મંજીરાના ખનકારમાં,તાળીઓના તાલમાં જે દિવસે “અંબા અંબા” નો નાદ સંભળાય તે દિવસ તમે “અંબામય” થયા છો તેવી અનુભૂતિ થશે.

માઁ અંબાએ અખિલ વિશ્વનું ભરણ પોષણ કર્યું છે. પૃથ્વી પર કેટલાય સમય સુધી દુકાળ હતો ત્યારે તેણે શાકભાજી અને ફળફળાદિ ઉત્પન્ન કર્યા તેથી તે શાકંભરી કહેવાયા.

કોઈને પીવા જળ નહોતું તો ગંગા, યમુના, સરસ્વતી નદીઓના જળ વહાવીને તેણે તો સૌની તરસ છીપાવી છે. જયારે કોઈને જમવા ધાન્ય નહોતું તો તેણે અન્ન જમાડયું અને અન્નપૂર્ણા કહેવાઈ.

કયારેય અવિશ્વાસ આવી જાય તો વિચારજો કે મહામાયા રૂપે તે આવીને સુરક્ષિત નિંદ્રા આપે છે અને ઘોર નિંદ્રામાંથી સવારે આંખો ખુલે ને ત્યારે માનજો કે આપણને જગાડનારી પણ માઁ અંબા છે.

માઁ અંબાએ અભય વચન આપ્યું છે કે તે અભયપદ દેનારી છે તો પછી ઘોર જંગલમાં, મધ દરિયે, સૂના વેરાન પહાડોમાં તમને એકલા હોવાનો ડર શેનો ?

માઁ અંબા કહે છે કે હું તેની છું જે મારો છે. હું તેની પણ છું જેનું કોઈ છે અને કોઈ છે પણ નથી.હું સમગ્ર સજીવ અને નિર્જીવ પદાર્થોની માઁ છું. મારા સાંનિધ્યમાં રહેનારો નિશ્ચિત રહે છે.તેને ચિંતા નથી થતી.તે મારો આધાર રાખીને નિશદિન પોતાના કર્મમાં કાર્યરત રહે છે.

મને પૂજનારો અને મને માનનારો કયારેય હતાશ થતો નથી. તેને કંઈ મળ્યાનો આનંદ થાય છે તેટલો કંઈ ગુમાવ્યાનો ખેદ થતો નથી. તે સર્વના આનંદથી પોતે આનંદમય રહે છે.તેને અન્યની ઈર્ષ્યા કે દ્વેષ થતો નથી.

માઁ અંબા આગળ બોલ્યા કે મેં મહિષાસુર, ચંડ-મુંડ, શુંભ-નિશુંભ, રકતબીજ, મધુ-કૈટભ જેવા મહાપરાક્રમી રાક્ષસોને એકલા હાથે માર્યા તો આ પૃથ્વી પર ફરતા રાક્ષસી તત્વો, રાક્ષસી જીવો કે રાક્ષસી વાઈરસોની મારી આગળ શું વિસાત ?

માઁ અંબા પ્રત્યેનો વિશ્વાસ ઓછો ના થવો જોઈએ પરંતુ માઁ અંબા પ્રત્યેનો વિશ્વાસ અખંડ અને અમર રહેવો જોઈએ તેથી જ મેં ઉપર ટાઈટલ લખ્યું કે માઁ અંબા અખિલ વિશ્વની જનેતા રે…..

જય અંબા માઁ.
જય બહુચર માઁ.

Related Articles

Stay Connected

1,566FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page