શ્રી બિંદુ ભગતજીએ માતાજીની એક સ્તુતિ લખી છે કે
કરું કોટી કોટી પ્રણામ માઁડી તારા ચરણોમાં,
મારે અડસઠ તીર્થ ધામ માઁડી તારા ચરણોમાં.
મને મારા મિત્ર શ્રી વિરલભાઈ મોદીએ આ અંગે પ્રશ્ન પૂછયો હતો કે આ અડસઠ તીર્થ કયા ?
તો આ અડસઠ તીર્થોનો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં મળી આવે છે.
સ્કંદ પુરાણ અનુસાર અડસઠ તીર્થ નીચે પ્રમાણે છે.
૧ ) અટ્ટહાસ , ૨ ) અમરકંટક , ૩ ) અયોધ્યા , ૪ ) અર્કેશ્વર, ૫ ) ઉજ્જૈન , ૬ ) કનલ્હલ , ૭ ) કરવીર , ૮ ) કર્ણભાર ૯ ) કાયાવરોહણ, ૧૦ ) કર્તિકેશ્વર, ૧૧ ) કાલિંજર, ૧૨ ) કાશી , ૧૩ ) કાશ્મીર , ૧૪ ) કુક્કુટેશ્વર , ૧૫) કુરુક્ષેત્ર, ૧૬ ) કૃમિજાંગલ, ૧૭ ) કેદારનાથ, ૧૮ ) કૈલાસ , ૧૯ ) ગયા, ૨૦ ) ગંધમાદન, ૨૧ ) ગીરનાર , ૨૨ ) ગોકર્ણ, ૨૩ ) છગલેય, ૨૪ ) જલલિંગ, ૨૫ )જલેશ્વર, ૨૬ ) જમગ્ન્યતીર્થ , ૨૭ ) જાલંધર, ૨૮) ત્રિદંડ, ૨૯ ) ત્રિસંધ્યા, ૩૦ ) દંડકારણ્ય, ૩૧ ) દુષ્કર્ણ , ૩૨ ) દેવિકા, ૩૩ ) નિર્મલેશ્વર, ૩૪ ) નૈમિષારણ્ય , ૩૫ ) પશુપતિનાથ , ૩૬ ) પુરશ્ચંદ્ર, ૩૭ ) પુષ્કર, ૩૮) પ્રભાસ, ૩૯ ) પ્રયાગ , ૪૦ ) બડવાડિન, ૪૧ ) બદરિકાશ્રમ, ૪૨ ) ભદ્રકર્ણ, ૪૩ ) ભસ્મગાત્ર, ૪૪ ) ભૂવનેશ્વર , ૪૫ ) ભૈરવ , ૪૬ ) મધ્યમેશ્વર , ૪૭ ) મરૂકોટ, ૪૮ ) મલકેશ્વર, ૪૯ ) મહેન્દ્ર , ૫૦) મંડલેશ્વર , ૫૧ ) લંકા , ૫૨ ) લિંગેશ્વર, ૫૩ ) વામેશ્વર, ૫૪ ) વિંધ્યાચળ, ૫૫ ) વિરજા, ૫૬ ) વિશ્વેશ્વર, ૫૭ ) વૃષભપર્વત , ૫૮ ) વેંકટ , ૫૯ ) શતદ્રુ કે શતલજ, ૬૦ ) શંકુકર્ણ, ૬૧ ) શ્રીશૈલ-વેંકટાચલ , ૬૨ ) સપ્તગોદાવરી, ૬૩ ) હરદ્વાર, ૬૪ ) હર્ષિત , ૬૫ ) શ્રેષ્ઠસ્થાન, ૬૬ ) હાટકેશ્વર, ૬૭ ) હેમકૂટ, ૬૮ ) હૃષિકેશ.
શૈવ અને શાકત સંપ્રદાયના મત અનુસાર અડસઠ તીર્થ નીચે મુજબ છે.
૧૨ જયોર્તિલીંગ
૪ ધામ
૫૧ શક્તિપીઠ
૧ કૈલાસ.
____________
૬૮ તીર્થ
ગુરુ પરંપરા અથવા સંત પરંપરા અનુસાર અડસઠ તીર્થ “સંતોના ચરણોને “કહ્યા છે.
તીર્થ કોને કહેવાય ? તો જયાં આપણને પાપોથી મુક્તિ મળે છે તે તીર્થ છે.
સ્કંદ પુરાણ અનુસાર પૌરાણિક આધ્યાત્મિક વિચારધારા ધરાવનાર પુરુષો દ્વારા પુણ્યોના સંગ્રહ માટે પૃથ્વી પર જે સ્થળને માધ્યમ બનાવાય છે તે તીર્થ છે.
મત્સ્યપુરાણ અનુસાર આકાશ અને પૃથ્વીની વચ્ચે કુલ ૩૫ લાખ તીર્થ છે.
સંસ્કૃતમાં તીર્થ શબ્દનો અર્થ ” નદીનો કિનારો” થાય છે.
આદિગુરુ શંકરાચાર્યે ભારતને “જાગૃત તીર્થ” કહ્યું છે.
આપણા વડવાઓ કહેતા કે તીર્થોની યાત્રા કરવાથી પાપો બળી જાય છે અને મનની શુદ્ધિ થાય છે.
બિંદુ ભગતજી જેવા માતાજીના પરમ ભક્તે માઁડીના ચરણોમાં જ અડસઠ તીર્થો એટલા માટે કહ્યા છે કે માઁડીના પાવન ચરણોની રજ પણ જો આપણા મસ્તકે ચડી જાય તો આપણને અડસઠ તીર્થોની યાત્રા કર્યાનું પુણ્ય મળે છે તેનું એક માત્ર કારણ છે કે માઁ થી મોટું કોઈ નથી.
જય બહુચર માઁ.