મોક્ષ એટલે “આત્માને પરમાત્માના વિલીન કરવો”. આત્મા ચોર્યાસી લાખ યોનિ ભટકીને મનુષ્યના પંચમહાભૂતોથી બનેલા શરીરમાં વિલીન થાય છે. મનુષ્યનો અવતાર જ આત્માને “મોક્ષ”ની ગતિ માટે મળ્યો હોય છે. જે ભવભવના બંધનમાંથી મુકત કરે છે. શ્રી બહુચર માતાના પરમ ભક્ત શ્રી વલ્લભ ભટ્ટજી આનંદના ગરબામાં વર્ણવે છે કે
ધર્મ,અર્થ ને કામ મોક્ષ તું મંમાયા માં,
વિશ્વ તણો વિશ્રામ ઉર અંતર છાયા માં.
અર્થાત્
હે માં ! આપ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ રૂપે, સર્વ જગતમાં વિશ્રામ રૂપે, સર્વના હ્દયમાં છાયા રૂપે પ્રવર્તમાન થઈને વ્યાપી રહેલા છો.
ભગવદ ગીતામાં શ્રી કૃષ્ણ ચાર પુરુષાર્થને વર્ણવે છે જેમાં ધર્મ,અર્થ, કામ અને મોક્ષને વર્ણવ્યા છે. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જયારે જીવ એક દેહ ( શરીર ) માં જન્મ લે છે ત્યારે તે માયાથી દુન્યવી સુખો માણવા પ્રેરાય છે. આ સુખોની સાથે દુ:ખો પણ ભોગવે છે. મનુષ્ય પોતાની સાંસારિક ફરજોને વશ થઈને અર્થ ( નાણુ ) ઉપાજન કરે છે. પોતાની તથા પરિવારની ઈચ્છાઓ અને જરૂરિયાતો પૂરી કરે છે પણ મુકિત ( મોક્ષ ) મેળવવા માટે તે પોતાના દેહના માધ્યમથી યોગ દ્વારા ઈશ્વર પ્રત્યે જોડાય છે, ભકિતમાં વિલીન થાય છે, ધર્મ પ્રત્યેની આસ્થાથી બંધાય છે અને અંતે ઈશ્વરના ચરણોમાં તેના આત્માને મુકિત કે મોક્ષ મળે છે.
ધર્મથી મોક્ષ સુધી પહોંચવા માટે સત્ય અને વિવેક જરૂરી છે. ધર્મમાં સત્યતા અને માનવતા હોવી જરુરી છે. દુનિયાનો સૌથી મોટો ધર્મ જ માનવતા છે. જયાં આડંબર ભરેલું આચરણ છે ત્યાં ધર્મ ટકતો નથી.અર્થ ( નાણું ) સત્યના માર્ગે કમાવવું જોઈએ અને કામ સંયમપૂર્વક ભોગવવો જોઈએ તો જ “મોક્ષ” મળે.
સનાતન ધર્મમાં ચાર અવસ્થા વર્ણવી છે જેમ કે બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ. ટૂંકમાં વર્ણવું તો બ્રહ્મચર્ય અવસ્થા એટલે શિક્ષણ મેળવવાની ઉંમર, ગૃહસ્થ એટલે લગ્ન કરીને સંસારસુખ ભોગવવાની ઉંમર, વાનપ્રસ્થ એટલે સંસારની જવાબદારી પોતાના પુત્રને સોંપીને વન તરફ પ્રસ્થાન કરવાની ઉંમર, સંન્યાસ એટલે દરેક મોહમાયામાંથી મનને દૂર કરીને પોતાની સમગ્ર ઈન્દ્રિયો ઉપર નિયંત્રણ રાખીને દુન્યવી સુખનો ત્યાગ કરીને પોતાના આત્માને પરમાત્મામાં વિલીન કરવાની ઉંમર. આ ચાર અવસ્થા પછી જીવને મુકિત મળે જેને મોક્ષ કહેવાય. આ ચારે અવસ્થા ભોગવવા માટે સત્ય, પવિત્રતા, સંયમ, કરૂણા, ધર્મનીતિ તથા પ્રામાણિકતા હોવી જરૂરી છે.
આ બધી શાસ્ત્રોકત અને વેદોકત વાતો વર્ણવી હવે હું તમને કળિયુગની હકીકતોથી વાકેફ કરીને સત્ય જણાવું કે અત્યારના Latest ધર્મો કે સંપ્રદાયો નાની ઉંમરમાં રહેલા બાળકો અને યુવાનોને ગેરમાર્ગે દોરીને મોક્ષની લાલચમાં “સંન્યાસ” તરફ વાળી દે છે જયાં તે યુવક સૌથી પહેલા તો પોતાના માતા-પિતાથી અલગ થઈ જાય છે જયાં માતા પિતાને પોતાના પુત્રથી કંઈક અભિલાષા કે અપેક્ષા હોય છે. હું એ યુવાનોને સીધો પ્રશ્ન પૂછવા માંગીશ કે “શું માતા-પિતા સૌથી મોટા ભગવાન નથી ? શું તમે સનાતન ધર્મશાસ્ત્ર તથા પ્રાચીન વેદોમાં વર્ણવ્યા અનુસાર માતા પિતાની સેવા કરીને પુત્રધર્મની ફરજો પૂરી નહી કરો ?
ચલો તમે “સંન્યાસી” બન્યા એનો મને કંઇ જ વાંધો નથી પણ શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર સંન્યાસી ધર્મનું પાલન તો કરો.આખો દિવસ ફેસબુક અને વોટસએપ પર ઓનલાઈન રહીને તમે આ કેવા પ્રકારનો ધર્મ કરો છો ? મોટી મોટી લકઝુરિયસ ગાડીઓ તથા એસીવાળા રૂમોની માયા તમારા જેવા “સંન્યાસી” ને વળી કયાંથી હોય ? બે ચાર માળાઓ ગળામાં ધારણ કરીને કે સંન્યાસી જેવો વેશ ધારણ કરીને દુનિયાના સુખોને ભોગવી રહ્યા છો તેવો સંન્યાસ શું તમને મોક્ષની ગતિ આપશે ?
કામદેવ પર માત્ર ને માત્ર મહાદેવજી વિજય પ્રાપ્ત કરી શકયા હતા તો જે “કામ” અગ્નિરૂપી જવાળાથી તમારી અંદર ભભૂકી રહ્યો છે તેને મુકત કેવી રીતે કરશો ? ભરયુવાનીમાં જે કામાવેગ ઉત્પન્ન થાય છે એને કેવી રીતે શાંત કરશો ? સમાજની દીકરીઓના બળાત્કાર અને નાના નાના બાળકોની સાથે દુષ્કર્મ કરીને ? શું તમને લાગે છે કે તમારો ધર્મ કે સંપ્રદાય આ બધુ કરવાથી “મોક્ષ” પ્રદાન કરતો હશે ?
મને ખરેખર આ બધો આડંબર ભર્યો ધર્મ જોઈને એટલો ગુસ્સો આવે છે કે જેટલા પણ ધર્મના નામે આડંબર કરતા સંન્યાસીઓ ફેસબુક પર દેખાય એ બધાને આ માયા છોડાવવાની ઝુંબેશ ચલાવવી છે, પ્રતિજ્ઞા લેવડાવી છે અથવા હિંદુ ધર્મશાસ્ત્ર અને ચાર વેદો જણાવીને સનાતન હિંદુ ધર્મ તરફ વાળવા છે.
આજની જનરેશનને મારે કંઈક મેસેજ આપવો હોય તો કોઈની વાતોમાં આવશો નહી. સાચું જ્ઞાન ચાર વેદો, અઢાર પુરાણો તથા ભગવદ ગીતામાં આલેખાયેલું છે. સનાતન ધર્મમાં માનનારો દરેક વ્યકિત “મોક્ષ” સુધી ત્યારે જ પહોંચશે જયારે તે સત્ય અને કર્તવ્ય નિષ્ઠાથી પોતાના જીવનની ચાર અવસ્થાની ફરજોને પૂર્ણ કરીને સારું કર્મ કરીને, સારું જીવન જીવીને ,માતા-પિતાની સેવા કરીને, અન્ય જીવને મદદરૂપ થઈને પોતાના આત્માને પરમાત્માની અંદર વિલીન કરશે.
અસ્તું.
બોલો જય બહુચર માં.