28 C
Ahmedabad
Friday, September 20, 2024

યોગમાયા – દેવીનું એક અદશ્ય સ્વરૂપ…

યોગમાયા કોણ છે ? આ યોગમાયા શું ક્રિયા કરે છે ? શું યોગમાયાની માયાને સમજી શકાય છે ? યોગમાયા અદશ્ય છે કે દશ્યમાન ? આ તમામ પ્રશ્નોના જવાબ સમજવા આ લેખને તમારે એક ચિત્ત રાખીને ધ્યાનથી વાંચવો પડે અને સમજવો પડે તેમ છે.

યોગમાયા એટલે જે તમામ માયાઓની અધિષ્ઠાત્રી છે તે અર્થાત્ તમામ માયાઓને ઉત્પન્ન કરનારી દેવી.જે સ્વયં તમામ માયાઓથી પર છે.યોગમાયા સ્વતંત્ર છે.તે કોઈને આધીન નથી પરંતુ બ્રહ્મા,વિષ્ણુ અને મહેશ તથા તમામ દેવી-દેવતાઓ યોગમાયાને આધીન છે.

એક વખત દેવતાઓને પોતાની શક્તિઓ પર ગર્વ થવા લાગ્યો ત્યારે યોગમાયા અદશ્ય સ્વરૂપે રહીને ઘાસનું એક તણખલું મૂક્યું.યોગમાયા બોલ્યા કે ” આ તણખલું જરાક પણ હલાવી બતાવો” પવનદેવે જોરથી પવન ફૂંકયો પણ તણખલું જરાય હલાવી શકયા નહીં.અગ્નિ દેવે પ્રચંડ અગ્નિ ઉત્પન્ન કર્યો પણ તણખલું બાળી શકયા નહી.અંતે ઈન્દ્રાધિ દેવો અહંકારનો ત્યાગ કરીને યોગમાયાના શરણે થઈ ગયા.

ઈશ્વર ( શિવ ) મનમાં કોઈ ઈચ્છા કરે છે ત્યારે શિવની તે ઈચ્છાને પૂરી કરવાનું કાર્ય યોગમાયા કરે છે.

તમે ટીવી સિરિયલમાં જોયું હશે અથવા શિવપુરાણ કે વિષ્ણુ પુરાણમાં વાંચ્યું હશે કે ભગવાન શિવ અથવા ભગવાન વિષ્ણુ ક્રોધ કરે છે અથવા આપણા ઋષિમુનિઓ જેવા કે દુર્વાસા મુનિ,ગર્ગમુનિ ક્રોધ કરે છે તો શું ખરેખર તેઓ ક્રોધ કરે છે ?

આપણા જેવા મૂર્ખ જીવોને એમ લાગે છે કે બ્રહ્મા,વિષ્ણુ,શિવ અને મહાન ઋષિઓને માયા લાગી ગઈ છે પરંતુ તેમની અંદર આ ક્રોધ યોગમાયાના કારણે ઉત્પન્ન થાય છે.તેમનો ક્રોધ બાહ્ય હોય છે પણ ભીતર હોતો નથી અર્થાત્ માયાનું કાર્ય કરતા પણ તે માયામાં આસક્તિ બ્રહ્મા,વિષ્ણુ,શિવ અને ઋષિમુનિઓને લાગતી નથી.

આ યોગમાયા વિષ્ણુ ભગવાનના શ્રી રામાવતારમાં અને શ્રી કૃષ્ણાવતારમાં સહાય કરે છે.શ્રી કૃષ્ણે જેટલા પણ ચમત્કારો કર્યા તે તમામ ચમત્કારો યોગમાયા દ્વારા કર્યા હતા.આપણા ભારતમાં મહાન ઋષિમુનિઓ કે મહાપુરુષો જે પણ ચમત્કારો કરતા હતા તે તમામ ચમત્કારો યોગમાયાના કારણે થતા હતા.

આપણે આ યોગમાયાને મૂર્તિમાં દુર્ગા,અંબા,કાલી,બહુચર, ચામુંડા એમ અલગ અલગ સ્વરુપે પૂજીએ છે પરંતુ આ એક દેવીનું અદશ્ય સ્વરૂપ છે જે કોઈએ ભાળ્યું નથી.તે કોઈ પણ તત્વમાં, જીવમાં કે શરીરમાં ( પુરુષનું હોય કે સ્ત્રીનું ) અદશ્ય રુપે વાસ કરે છે.

જયારે પણ કોઈ અસંભવ ઘટના સંભવ થાય તો સમજો આ “યોગમાયા” ના કારણે થઈ રહ્યું છે.દાનવો અને મનુષ્યોના માનસપટલ પર માયાનું એક આવરણ લાગેલું હોય છે.દાનવો તેમની પ્રકૃતિના કારણે માયાથી મુક્ત થઈ શકતા નથી.અંતે તેઓ ઈશ્વરના હસ્તે નાશ પામે છે.

આપણને મનુષ્યોને પણ માયાનું આવરણ લાગેલું હોય છે જે આવરણ યોગમાયાના શરણે થવાથી આપણા માનસપટલ પરથી હટતું જાય છે.જે લોકો માયાના કૂંડાળાંમાં ફસાતા જાય છે તેમનો યેન કેન પ્રકારે નાશ જ થાય છે.

તમે જો માં જગદંબાના શરણે છો તો તમારા જીવનમાં તમામ ચમત્કાર “યોગમાયા” કરે છે.તે કોઈની અથવા કોઈ વસ્તુની તમને માયા લગાડે છે.સમય આવ્યે તે માયામાંથી મુક્ત કરે છે.

તમે તે આદિ પરાશક્તિના બાળક છો.તમારા માટે સારું શું ખોટું શું,સારું કોણ-ખોટું કોણ એમ બધુ તે જુએ છે.અંતે તે જે કરે છે તે તમારા હિતમાં કરે છે.આ યોગમાયાની માયા હું જેમ જાણું છું તેમ તમે જાણી જશો તો જીવનમાં દુ:ખી ઓછા થશો.

આ યોગમાયા વિશે હું ગમે તેટલો સમજદાર કે હોંશિયાર થઈને લખું પણ હું સ્વયં આ લેખ લખતા લખતા ભ્રમ પામું છું.હું આ યોગમાયાને સમજી શકતો નથી અને હું તો શું પૃથ્વી પરનો કોઈ પણ જીવ યોગમાયાની માયાને સમજી શકવા અસમર્થ છે.

તમને કે મને કંઈ પણ ખોટું કાર્ય કરતા ડર લાગે તો સમજો તમારે મન યોગમાયા દશ્યમાન છે.તમે તમારા અંતરમનના ચક્ષુથી યોગમાયાને નિહાળી શકો છો.

ખરેખર તો આ યોગમાયા અદશ્યમાન છે પરંતુ આપણે જે દેવીની મૂર્તિના દર્શન કરીએ છે તેમાં આપણને દેવીના અલગ અલગ સ્વરુપ દશ્યમાન થાય છે તે યોગમાયાની લીલા કે માયા છે.તમે જોજો તમને ઘણી વાર દેવીની મૂર્તિમાં દેવી હાસ્ય કરતી હોય તેમ દેખાશે,ઘણી વાર ધીર ગંભીર દેખાશે,ક્યારેક કોપાયમાન દેખાશે…….

વાંચકો, હું ખરેખર યોગમાયાની જ વાત કરું છું……

લેખ ના સમજાય તો બે વાર વાંચજો.

જય બહુચર માં.

Related Articles

Stay Connected

1,566FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page