પૂર્વે આ પૃથ્વી પર ભયંકર દુષ્કાળ પડયો હતો. મનુષ્યો, પશુ-પક્ષીઓ, પ્રાણીઓ તેમ દરેક જીવોનું જીવન અન્નના અભાવે વ્યથિત થઈ ગયું હતું. સર્વ જીવોએ હ્દયપૂર્વક માં અંબાને વિનંતી કરી હતી. દેવીની કૃપાથી પૃથ્વી પર શાકભાજી અને ફળફળાદિ ઉત્પન્ન થયા હતા તેથી દેવી શાકંભરી કહેવાયા. દેવીનું આ પ્રાગટય પોષી પૂનમના દિવસે થયું હતું તેથી આ પૂર્ણિમાને શાકંભરી પૂર્ણિમા કહેવાય છે.
તંત્ર ચૂડામણિ ગ્રંથ અનુસાર દેવીના ૫૧ શક્તિપીઠોનું પ્રાગટય પોષી પૂનમના દિવસે થયું હતું જેમાં દાતા પાસે આવેલા અંબાજી શક્તિપીઠમાં સતીના ઉરનો (હ્દય) ભાગ પડયો હોવાનું પ્રમાણ મળે છે. આ પરમ પાવન ભૂમિ પર શ્રી રામ રાવણનો વધ કરવા માટે માં જગદંબાના આશીર્વાદ લેવા આવ્યા હતા. શ્રી કૃષ્ણની ચૌલક્રિયા (બાબરી) પણ અહીં જ થઈ હતી. પાંડવોએ પણ વનવાસ દરમ્યાન અહીં આવીને તપ કર્યું હતું.
શક્તિપીઠ અંબાજીમાં વીસાયંત્રની પૂજા થાય છે. હકીકતમાં આ વીસાયંત્ર એ શ્રી યંત્ર જ છે. આ યંત્રની ઉપર શણગાર એ રીતે કરવામાં આવે છે કે જાણે માતાજીની મૂર્તિ પ્રસ્થાપિત હોય તેમ લાગે છે. બાકી અહીં મંદિરમાં માતાજીની મૂર્તિ જ નથી.આ યંત્ર ઉપર એકાવન અક્ષરો અંકિત છે જે એકાવન શક્તિપીઠો સાથે જોડાયેલા છે. આ યંત્ર મૂળ નેપાળ અને ઉજ્જૈનની શક્તિપીઠો સાથે સંકળાયેલું છે.
આ યંત્રની પૂજા તાંત્રોકત (તંત્રશાસ્ત્ર મુજબ), શાસ્ત્રોકત (શાસ્ત્ર મુજબ) અને પૂર્ણોક્ત (પુરાણ મુજબ) પૂજા કરવામાં આવે છે. આ યંત્રમાં માતાજી ત્રણ અવસ્થામાં દર્શન આપે છે. પ્રાત:કાળે બાલા સ્વરૂપે, મધ્યાહને યુવતી સ્વરૂપે, સાયંકાલે પ્રૌઢા સ્વરૂપે દર્શન આપે છે પરંતુ આ યંત્ર નિરંજન નિરાકાર સ્વરૂપે છે તેથી જેનો જેવો ભાવ હોય તેવા સ્વરૂપમાં દેવીના દર્શન થાય છે. આ યંત્રની પૂજા પૂજારી શ્રી આંખે પાટા બાંધીને કરે છે.
અહીં માતાજી સાત વાર પ્રમાણે સાત અલગ અલગ સવારી પર બિરાજમાન થાય છે.
સોમવારે નંદી ઉપર (પાર્વતી સ્વરૂપે)
મંગળવારે વાઘ ઉપર, (અંબિકા સ્વરૂપે)
બુધવારે હાથી પર (મહાલક્ષ્મી સ્વરૂપે)
ગુરુવારે ગરૂડ ઉપર (વૈષ્ણવી સ્વરૂપે)
શુક્રવારે હંસ ઉપર (ગાયત્રી સ્વરૂપે)
શનિવારે ઐરાવત ઉપર (ઐન્દ્રી સ્વરૂપે)
રવિવારે સિંહ (દુર્ગા સ્વરૂપે) ઉપર બિરાજમાન થાય છે.
શૈવ અને શાક્ત સંપ્રદાયમાં ઈશ્વરના પ્રતિક સ્વરૂપની પૂજા થાય છે અર્થાત્ શિવજીનું શિવલિંગ સ્વરૂપે અને શક્તિનું યંત્ર સ્વરૂપે પૂજન થાય છે. મંદિરમાં જય આદ્યાશક્તિની આરતી થયા પછી હરિહરાની આરતી થાય છે.
મુખ્ય મંદિર અંબાજીની બરોબર સામે ગબ્બર પર અખંડ જયોત પ્રગટે છે. ગબ્બર એ અંબાજીનું મૂળ સ્થાનક છે. ગબ્બર ઉપર સતીનું હ્દય પડયું હતું ત્યાં માતાજીની જયોત સ્વરૂપે પૂજા થાય છે. અહીં સર્વપ્રથમ ગોવાળિયાને આ સ્થાનક પર માતાજીએ દર્શન આપ્યા હતા.ગબ્બર ઉપર માતાજી હિંડોળા પર ઝૂલે છે. અહીં ગબ્બર પર ઘણાને માતાજીનો હિંચકો ઝૂલવાનો રણકાર સંભળાય છે.
અહીં પારસ પીપળી નામનું વૃક્ષ છે જયાં સૌભાગ્યવતી સ્ત્રીઓ અખંડ સૌભાગ્ય રહે તે માટે સૌભાગ્યની વસ્તુઓ અર્પણ કરે છે. અહીં માતાજીના પગલાની છાપ છે.અહીં સિંહના રથવાળી પ્રતિમા છે. ભૈરવની નાનકડી ડેરી છે.
અંબાજી ગબ્બરના પર્વત પર બિરાજતા હોવાથી ગબ્બરના ગોખવાળી અને નીચે મુખ્ય મંદિરમાં ચાચરના ચોકમાં બિરાજતા હોવાથી ચાચરના ચોકવાળી કહેવામાં આવે છે. દર પૂનમે અહીં ભાવિક-ભક્તો લાખોની સંખ્યામાં દર્શનાર્થે આવે છે જાણે કુંભ (મેળો) ભરાય છે.જયારે ભાદરવી પૂનમે અહીં મહાકુંભ (મેળો) ભરાય છે. ભાદરવી પૂનમે માંઈભક્તો અંબાજી પગપાળા જાય છે. માતાજીના શિખર પર ધજા ચડાવે છે.
શ્રી અંબાજી મંદિરમાં આસો અને ચૈત્ર નવરાત્રીએ માતાજીની વિશેષ પૂજા થાય છે. માતાજીના ગરબા થાય છે, વિવિધ પ્રકારના અનુષ્ઠાન થાય છે, ધામધૂમપૂર્વક ઉત્સવ થાય છે.દાતાના રાજવી પરિવાર દ્વારા બંને નવરાત્રીની અષ્ટમીએ શક્તિ યજ્ઞ કરવામાં આવે છે. આ અંબાજી મંદિરમાં સિદ્ધપુરના મૌનસ ગોત્રના ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણો દ્વારા પૂજા થાય છે.
અહીં એક એવી વિશેષતા છે જે આખા ભારતમાં કયાંય નથી કે અંબાજી મંદિરમાં જય આદ્યાશક્તિ આરતી થાય છે ત્યારે આરતી તેરસ પછી થોડી વાર માટે વિરામ લે છે ત્યારબાદ ચૌદસ પછી આરતી શરૂ થાય છે કારણકે અહીં તેરસની પંક્તિ સુધી માતાજી સગુણ સ્વરૂપે પ્રત્યક્ષ થતા હોવાથી પૂજારી વિવિધ મુદ્રાઓ દ્વારા આવાહન કરીને માતાજીની ક્ષમાયાચના માંગે છે ત્યારબાદ ચૌદસથી આરતી શરૂ થાય છે.
શક્તિનું હ્દય અંબાજીમાં છે પરંતુ આપણું હ્દય અંબાજીમાં લીન હોવું જોઈએ. જેના હ્દયમાં બાળક ભાવ હોય છે, જેનું હ્દય અન્ય જીવનું ઉત્કર્ષ ઈચ્છતું હોય છે, જે હ્દય કપટ રહિત હોય છે, જેના હ્દયમાં ઈર્ષ્યાનો અભાવ હોય છે તેને અંબાજી તેના હ્દયમાં રાખે છે. અંબા એની સર્વ આશ પૂરી કરે છે.
પોષી પૂનમની શુભકામનાઓ..
સર્વને જય જય અંબે
બોલો અંબે માત કી જય.
જય બહુચર માઁ.