શાશ્વત એટલે જે ગઈકાલે હતું, આજે છે અને હવે પછી આવતીકાલે પણ રહેવાનું છે. નવમી એટલે કે નવમું કે નવ કે અંક ૯.નવ અંકને શાસ્ત્રમાં “સત્ય” કહ્યો છે જે હંમેશા શાશ્વત ( સત્ય ) છે. જેમ આદિપરાશકિતની નવરાત્રિની નવ શકિતઓ “સત્ય” છે તેમ ચૈત્ર સુદ નવમીએ જન્મ લેનાર શ્રી રામ ભગવાન “સત્ય” છે
દુર્લભ અંક ૯ ની વિશેષતા સમજીએ તો નવરાત્રિની નવ રાત્રિઓ, નવધા ભકિત, નવ રસ, નવ ગુણ, સગર્ભા મહિલાના નવ મહિના, નવચંડી યજ્ઞ, નવ ગ્રહો, કુબેરના નવ ભંડારો, રામાયણમાં રામ રાવણ વચ્ચે ચાલેલું નવ દિવસનું યુદ્ધ, જૈન ધર્મમાં નવકાર મંત્ર,પૃથ્વીના નવ ખંડ,નવ કાશી,વિક્રમાદિત્ય રાજાના નવ રત્નો,શરીરના નવ દ્વાર,નવ પંચક,નવ મનુઓ, નવ નાગો, નવ નિધિઓ, નવ નાડી, નવ દીપ વગેરે “શાશ્વત” છે.
અંકશાસ્ત્ર મુજબ નવ અંકનો અધિપતિ મંગળ છે જે સદા કલ્યાણકારી છે. જયોતિષશાસ્ત્રમાં કુંડળીનું નવમું સ્થાન ભાગ્ય સ્થાન છે અને ભાગ્યની વૃદ્ધિ માટે શાસ્ત્રમાં એક સરળ શ્લોક છે કે “ભાગ્યં ભગવતી દેહિ મે” અર્થાત્ હે ભગવતી ! અમને સારું ભાગ્ય પ્રદાન કરો.
નવરાત્રિની નવ કુમારિકા દેવીઓ છે જેમાં પ્રથમ નોરતાની કુમારી, દ્વિતીયની ત્રિમૂર્તિ, તૃતીય કલ્યાણી, ચતુર્થ રોહિણી, પંચમ કાલી,ષષ્ઠમ ચંડિકા, સપ્તમ સાંભવી, અષ્ટમી દુર્ગા, નવમ સુભદ્રા વર્ણવી છે. નવરાત્રીના નવમા નોરતે નવ કન્યા (કુમારિકા) નું પૂજન કરીને ભોજન જમાડીને ભેટ સોગાદો આપીને રાજી કરવાથી કુમારિકા દેવી અત્યંત પ્રસન્ન થાય છે. દુર્ગા સપ્તશતી ચંડીપાઠના અગિયારમાં અધ્યાયમાં નારાયણી સૂકતમાં કુમારિકા વિશે આ પ્રમાણે વર્ણન છે કે
મયૂરકુક્કુટવૃતે મહાશકિતધરાનધે ।
કૌમારીરૂપસંસ્થાને નારાયણિ નમોસ્તુતે ।।
મયૂર ( મોર ) અને કૂકડાથી ઘેરાયેલા, મહાશકિત ધારણ કરનાર, કુમારિકા સ્વરુપ નારાયણી આપને નમસ્કાર છે.
ચૈત્રી નવરાત્રીને વસંત નવરાત્રિ કહી છે અને આસો નવરાત્રીને શરદ નવરાત્રિ કહી છે.આપણા પ્રાચીન ધર્મગ્રંથોમાં આ બંને ઋતુને યમ થી દષ્ટ કહી છે તેથી આ બંને ઋતુમાં “રોગચાળો” ફાટી નીકળે છે તેથી જગદંબાએ એના ઉત્પન્ન કરેલા સર્વ જીવ-પદાર્થોનું રક્ષણ થાય એ માટે ઋતુની શરૂઆતના નવ દિવસો અને નવ રાત્રિઓ એમના ગણ્યા. જે વ્યકિત આ નવ દિવસો અને નવ રાત્રિઓ શકિતની ઉપાસના કરે છે તેનું દેવી કોરોના વાઈરસ જેવા મહાભયંકર રોગચાળાની સામે રક્ષણ કરે છે.
ચૈત્ર સુદ નવમીએ વિષ્ણુ ભગવાનના સૌમ્ય અવતાર પ્રગટ થયા તે શ્રી રામ મર્યાદા પુરૂષોત્તમ છે એ વાત સર્વ જગત જાણે છે પરંતુ રામ એ સર્વ જગતનો વિશ્રામ છે. મનુષ્ય સમગ્ર જીવન દરમ્યાન એક “શાંતિ”ની ખોજમાં હોય છે તે સાચી શાંતિ “શ્રી રામ ભગવાનના પાવન ચરણોમાં ” છે તે વાત શાશ્વત, સત્ય, અતૂટ અને અજોડ છે. રામાયણના બાલકાંડમાં ઋષિ વાલ્મિકી વર્ણવે છે કે “જેનું મન બાળક જેવું છે એ શ્રી રામને અતિપ્રિય છે”.
આપ સૌને ચૈત્રી નવમીની શુભકામનાઓ અને શ્રી રામ નવમીની શુભેચ્છાઓ સાથે સૌનું સારું થાઓ એવી નવદુર્ગા અને શ્રી રામને શાશ્વત પ્રાર્થના…….
જય શ્રી રામ.
જય બહુચર માં.