28 C
Ahmedabad
Friday, September 20, 2024

શું ચમત્કારમાં વિશ્વાસ કરવો જોઇએ ?

અંગ્રેજીમાં એક કહેવત છે કે miracle happens everday ( ચમત્કાર રોજ થાય છે ) અને એ વાત સાચી પણ છે પણ આ ચમત્કાર મારા તમારા જેવું કોઈ સામાન્ય માનવી કરી શકતું નથી. ચમત્કાર “પરમાત્મા” કરી શકે છે.

વડોદરાના અધ્યાત્મ ગુરુ શ્રી મોટાને એક વખત પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે શું ચમત્કારમાં વિશ્વાસ કરવો જોઈએ ? ત્યારે તેમણે કહ્યું હતું કે ચમત્કાર કરનાર પરમાત્મા અને પરમાત્માની શક્તિનું મૂલ્યાંકન આપણે ના પણ કરીએ તો શું એક બાળક જન્મે છે તે કંઈ ચમત્કારથી ઓછું છે ? આપણે સૌ ન દેખાતી હવાથી જીવીએ છે તે શું કંઈ ચમત્કારથી ઓછું છે ? જીવનમાં ગુણ અને ભાવ પ્રગટે તો તે પરત્વેનું મહત્વ પ્રગટવા દો. ચમત્કારને જ નમસ્કાર કરવાથી ઈશ્વર પ્રત્યેની ભક્તિ બહુ પાંગરે નહી.

એકવાર દાદા ભગવાનને ચમત્કાર વિશે પૂછવામાં આવેલું કે ચમત્કાર જેવી વાસ્તવિક વસ્તુ છે કે નહી ? ત્યારે શ્રી દાદા ભગવાને કહ્યું હતું કે ચમત્કાર એક મૂર્ખ બનાવવાનો ધંધો છે.જે વિજ્ઞાન આપણે ના જાણતા હોય તેને ચમત્કાર રૂપે દેખાડે,આપણી નજરને ચૂક થાય તેવી નજરબંધી કરે.એટલે ચમત્કાર જેવું કંઈ હોતું નથી. એકને જે વિદ્યા આવડતી હોય તે બીજો કોઈ પણ કરી શકે તેને ચમત્કાર કહી શકાય નહી. જો કોઈ સૂર્યને હાથમાં પકડી શકતું હોય તો એ ચમત્કાર કર્યો કહેવાય હકીકતમાં તે કોઈનાથી શક્ય નથી.

ઘણીવાર આપણી સાથે કંઈ સારું બને ત્યારે આપણે રાજી થઈ જતા હોઈએ છે અને મનોમન બોલી નાખતા હોઈએ છે કે “ચમત્કાર થઈ ગયો” પણ હકીકતમાં તે આપણે કરેલા કે આપણા માતા-પિતાએ કરેલા કોઈ સારા કર્મનું ફળ આપણને મળ્યું હોય છે.

ઘણીવાર આપણને કોઈ સારું વ્યકિત મળી જાય અને તેના કહેવાથી આપણું કંઈક સારું થઈ જાય તો આપણને તેમ લાગે છે કે જે તે મળનાર વ્યકિતએ કંઈક ચમત્કાર કર્યો પણ આપણને તેમ નથી સમજતા કે ઈશ્વરે તે વ્યકિતને નિમિત્ત માત્ર બનાવીને આપણી સાથે ચમત્કાર કર્યો છે. તે વ્યકિતને તમારા સંપર્કમાં મોકલવું તે પણ ઈશ્વર નિમિત્ત હોય છે.

એક છેલ્લી વાત કહું આપણે જે તે ક્ષેત્રમાં આપણું જીવન ઘડતર કરતા હોઈએ ત્યાં એવું સરસ,સુંદર,ગુણવત્તાભર્યું કાર્ય કરવું અને એટલી ઉંચાઈએ પહોંચવું કે લોકો કહે કે અરે ! આ તો ચમત્કાર થઈ ગયો. જે કોઈ નથી કરી શકતું તે તમે કરી બતાવો છો તો તે અન્ય વ્યકિત માટે તે ક્ષણે તે ઘડીએ ચમત્કારથી વિશેષ કંઇ જ નહી હોય.

છતાં અહીંયા મૂળ વાત પર ફરીથી આવીએ તો ઈશ્વર જ ચમત્કાર કરે છે અને જે તે સામાન્ય મનુષ્યની પાસે જો કોઈ ઈશ્વરીય સિદ્ધિ હોય તો તે ઈશ્વરની કૃપાથી જ ચમ્તકાર કરી શકે છે પરંતુ આ ચમત્કારથી કોઈને અંધશ્રદ્ધા કે વહેમમાં પાડીને છેતરવાની વૃત્તિ ના હોવી જોઈએ નહીતર તે વ્યકિતનું પતન નિશ્ચિત હોય છે.

હે પરમાત્મા ! આપ એવો કોઈ ચમત્કાર કરો કે સર્વનું કલ્યાણ થાય.

જય બહુચર માં.

Related Articles

Stay Connected

1,566FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page