હમણાં જ મારા એક ચાહકે મને પ્રશ્ન પૂછયો હતો કે શું બજરંગ બાણ દરરોજ વાંચી શકાય ? તેણે મને કહ્યું કે સોશીયલ મીડીયા માં આ મુદો અત્યારે કોન્ટ્રોવર્સીયલ ચાલે છે.
બધાના અલગ અલગ મંતવ્યો છે.કોઈ કહે છે કે બજરંગ બાણમાં ભગવાન રામની શપથ ( સોગન ) આપેલી છે એટલે ના કરાય તો કોઈ કહે છે કે એવું કંઈ ના હોય,રોજ કરાય.તો હવે સાહેબ કરવું શું ?
હવે હું તમને આખી વાત શરુઆતથી જણાવું.એક વખત ગૌસ્વામી તુલસીદાસજી કાશીમાં તીર્થયાત્રા કરી રહ્યા હતા.તે વખતે તેમના શરીર પર અસંખ્ય ગૂમડાં ( ફોલ્લા) નીકળ્યા હતા.આ ગૂમડાં ની પીડા અસહ્ય હતી જે તેમનાથી સહન થતી નહોતી.તેવા સમયે તેમણે બજરંગબલીને યાદ કરતાં બજરંગ બાણની રચના કરી હતી અને તેમને શરીર પરના તમામ ગુમડાં મટી ગયા હતા.
કેટલાક જૂના સાહિત્યો ફેંદતા એવું મળી આવે છે કે તુલસીદાસજી પર કોઈએ તંત્ર ક્રિયાનો ઉપયોગ કર્યો હતો એટલે તેમને ગૂમડાં નીકળ્યા હતા પરંતુ આ વાત કેટલી હદે સત્ય છે તેના ઠોસ પુરાવા મળતા નથી.
શ્રી તુલસીદાસજીના જીવનની આ ઘટનાનો સાર લઈને મારે મારો તર્ક રજૂ કરવો હોય તો એટલું કહી શકું કે તમે કોઈ મહાભયંકર રોગથી પીડાતા હોય અથવા તમે કોઈ અસહ્ય પીડામાં હોવ અથવા તમને એવું લાગતું હોય કે તમારી પર કોઈએ જાદુ ટોના ટૂચકા કર્યા હોય તો તમે અવશ્ય બજરંગ બાણનો પાઠ કરી શકો છો.
જેને રોજ બજરંગ બાણનો પાઠ કરવો હોય તેણે “શપથ રામ કી” એ પંક્તિ નહીં ઉચ્ચારવાની અને ઉચ્ચારો તોય કંઈ વાંધો નહીં.તમારો ભાવ સારો હશે તો હનુમાનજી એવું નહીં કહે કે તમે શ્રી રામની મને કેમ શપથ આપી ?
શ્રી હનુમાનજી ને તમારા બધા જ સારા ખરાબ કર્મો વિશે ખબર છે.તમારા અંગત સ્વાર્થ માટે કે કોઈનું ખરાબ કરવા માટે આ પાઠ કરશો તો હનુમાનજી પહેલા તમને ગદા મારશે.
શ્રી તુલસીદાસે આ પાઠની રચના કરી હશે ત્યારે એવું ચોક્કસથી વિચાર્યું હશે કે ભલી ભોળી પ્રજા આ પાઠ કરશે અને શ્રી હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરશે તેથી જ તેમણે રચના કરી હશે ને ! એટલે મારા પ્રિય વાંચકો,કોઈ પણ કોન્ટ્રોવર્સીમાં પડ્યા વગર તમને જેમ આવડે તેમ ભગવાનની ભક્તિ કરો.જે પાઠ આવડે તે કરો.
કોઈપણ પાઠ કરો ને ત્યારપછી છેલ્લે ભગવાનની ક્ષમાયાચના માંગી લેવાની જેમ કે
આવાહનં ન જાનામિ ન જાનામિ વિસર્જનમ્ ।
પૂજાં શ્ચૈ ન જાનામિ ક્ષમ્યાંત પરમેશ્વર ।।
મંત્રહીનં ક્રિયાહિનં ભક્તિહિનં સૂરેશ્વર ।
યત્પૂજિતં મયા દેવ પરિપૂર્ણ તદસ્મતુ ।।
હે ઈશ્વર ! હું તમને વિધિવત કેવી રીતે આમંત્રણ આપવાનું તે જાણતો નથી.હું તમારી વિદાય કેમ કરવી તે પણ જાણતો નથી.મને તમારી પૂજા કરતા પણ નથી આવડતું.તમે મને માફ કરજો.મને મંત્ર પણ નથી આવડતા કે ક્રિયા પણ નથી આવડતી.ભકિત કેવી રીતે કરવી તે પણ નથી જાણતો.મારી ભૂલોને માફ કરી મારી પૂજા સ્વીકાર કરજો.
( જેને સંસ્કૃત બોલતા ના ફાવતું હોય તે આ અનુવાદ રોજ ગુજરાતીમાં વાંચી શકે છે )
બજરંગ બાણ પુરુષ – સ્ત્રી બધા જ વાંચી શકે છે.
બોલો જય શ્રી રામ.જય હનુમાન.
જય બહુચર માં.