પશુપાલક નંદબાબા અને યશોદાના ઘરે ઉછરતો કાન્હો પિતાના માર્ગે ચાલીને પિતાની જેમ ગોકુળમાં ગાયો ચરાવવા જતો હતો.કાન્હો ગાયો ચરાવવા જાય ત્યારે પગમાં પગરખા પહેરતો નહોતો.
એકવાર માતા યશોદાએ કાન્હાને કહ્યું કે કાન્હા, તું ગાયો ચરાવવા જાય છે ત્યારે પગરખા કેમ નથી પહેરતો ? તું ખુલ્લે પગે ના જા,પગરખા પહેરીને જા. કાન્હાએ હાજર જવાબ આપતા કહ્યું કે “જો મારી ગાયો ખુલ્લા પગે ચરતી હોય તો હું કેમ પગરખા પહેરું ? તું મારી ગાયો માટે પગરખા બનાવડાવ તો હું પણ પગરખા પહેરીને ગાયો ચરાવવા જઈશ.
કાન્હાની ચતુરાઈ ભરેલી બુદ્ધિ અહીં જોવા જેવી છે. તમે એની સામે વાદ વિવાદમાં જીતી ના શકો.કાન્હાની આ વાત સાંભળીને માતા યશોદા વિચારવા લાગી કે નવ લાખ ગાયો માટે પગરખા કેમ બનાવું ? એ તો શક્ય જ નથી.
માતા યશોદા અને કાન્હા વચ્ચે થયેલા આ સંવાદને ગાયો સાંભળી ગઈ.બધી જ ગાયોએ ભેગી મળીને વૃંદાવનની ધરતીને પોતાના પગથી ખૂંદી કાઢી જેથી વૃંદાવનની ધરતીની માટી મુલાયમ થઈ જાય અને કાન્હાને પગમાં વાગે નહી.
કાન્હાની આ તમામ ગાયો તેની ભક્ત હતી.આ વાત પરથી કહેવાનું તાત્પર્ય એમ થાય છે કે અહીં કાન્હાને પોતાની ગાય ભક્તોની ચિંતા થઈ તો આ બાજુ ગાયોને પોતાના ભગવાનની ચિંતા થઈ તેથી ભક્ત અને ભગવાન એકબીજાને નિ:સ્વાર્થ પ્રેમ કરે છે.આ પ્રેમમાં શંકા, વહેમ, અવિશ્વાસ અને સ્વાર્થ કયાંય નથી માત્ર શ્રદ્ધાનું જ સરવૈયું છે.
ભક્તિભાવ હંમેશા વાંસળી જેવો હોવો જોઈએ.તમને ખબર છે શ્રી કૃષ્ણને વાંસળી કેમ પ્રિય છે ? કારણકે તે શ્રીકૃષ્ણ વગાડે તેમ વાગે છે.તેના શરીરમાં અહંકાર, સ્વાર્થ, મોહ,લોભના કાણા પડેલા છે.
વ્રજની ગોપીઓ વાંસળીને પોતાની “શોતન” માનતી કારણકે કાન્હો વાંસળીને પોતાના હાથમાં રાખીને સૂઈ જતો.આ વાતનો અર્થ અહીં એમ થાય છે કે જે સર્વત્ર ત્યાગીને ઈશ્વરની ઈચ્છાને આધીન થઈ જાય છે ત્યારે ઈશ્વર પણ એનો થઈ જાય છે.
એકવાર શ્રી કૃષ્ણ જમવા બેઠા હતા.પત્ની રુકમણીજી તેમની પાસે બેઠા હતા.ભગવાન અન્નનો પહેલો કોળિયો મુખમાં મૂકતા અટકી ગયા,દોડયા અને છેક દ્વાર સુધી જઈને પાછા આવ્યા.
રુકમણીજીએ પૂછયું કે “હે પ્રભુ ! આપે આમ કેમ કર્યુ ? શ્રી કૃષ્ણે કહ્યું કે મારો એક પ્રિય ભક્ત મારા નામનું રટણ કરતો કરતો એક ગામમાંથી જતો હતો.ગામના કેટલાક દુષ્ટ લોકો તેને પાગલ કહીને પથ્થર મારવા લાગ્યા. મારાથી આ બિલકુલ સહેવાયું નહી તેથી હું એને દોડીને બચાવવા જતો હતો પરંતુ તે ભક્તે મારા પરનો ભરોસો છોડીને પોતાના સ્વબચાવમાં હાથમાં પથ્થર લઈને સામે તે લોકોને મારવાનું શરૂ કરી દીધું તેથી હું નિરાશ થઈને દ્વારથી પાછો આવતો રહ્યો.
આ વાતનો ભાવાર્થ એમ છે કે તમારા વિરોધીઓ, ટીકાકારો અને દુશ્મનો સતત તમારી ઈર્ષ્યા, ટીકા, આલોચના અથવા તમારું ખરાબ કરવાની નીતિઓ ઘડતા રહેશે પરંતુ જો તમે પણ સામે એમના જેવા થશો તો ઈશ્વર તમારી મદદ કરવા માટે કયારેય પણ નહી આવે.
કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન શ્રી કૃષ્ણને પૂછે છે કે હે કેશવ ! હું યુદ્ધભૂમિમાં માર્યો જાઉં તો તમે શું કરો ? કૃષ્ણ કહે છે કે એવું હું થવા ના દઉં ને ! અર્જુન ફરીથી પૂછે છે કે “હું જાણું છું કે તમે તેવું થવા ના દો છતાં પણ તમે મને કહો તો ખરી હું યુદ્ધભૂમિમાં માર્યો જાઉં તો તમે શું કરો ? શ્રી કૃષ્ણ કહે છે કે ” તો હું એક બાણ મારીને આખું બ્રહ્માંડ નષ્ટ કરી દઉં”.
આ બધુ વાંચીને છાતી ગજગજ ફૂલે તો માનજો કે ભગવાનનો ભક્ત પ્રત્યેનો બિનશરતી પ્રેમ એટલે શ્રી કૃષ્ણ સિવાય બીજુ કોઈ નહી.
મારા મતે શ્રી કૃષ્ણ અદ્વેત છે અર્થાત્ એટલે જે એક છે તે,તેના જેવું બીજું કંઈ નથી એટલે કહેવાનું મન થાય કે શ્રી કૃષ્ણ અદ્વેત છે.
Always Faith in God.
ભગવાનમાં હંમેશા શ્રદ્ધા રાખો.
જય શ્રી કૃષ્ણ.
જય બહુચર માં.