15 C
Ahmedabad
Saturday, December 21, 2024

શ્રી કૃષ્ણનું માતૃ વાત્સલ્ય.

મને શ્રી કૃષ્ણનું માતૃ વાત્સલ્ય ( પ્રેમ) ખૂબ ગમે છે અને હું ખાતરીપૂર્વક કહું છું કે આ આર્ટિકલ વાંચતા વાંચતા તમારી આંખો ચોક્કસ ભીની થઈ જશે.

હું અહીં શ્રી કૃષ્ણ ના જીવનના બે અંગત પ્રસંગો લખવા માંગું છું જે તેમના માતૃ વાત્સલ્ય ને દર્શાવે છે.

વાત કરીએ શ્રી કૃષ્ણના બાળપણના એક પ્રસંગની તો શ્રી કૃષ્ણ અને તેમના ભાઈ બલરામ સાંદીપનિ ઋષિના આશ્રમમાં ભણવા જતા હતા.સાંદીપનિ ઋષિ જાણતા હતા કે શ્રી કૃષ્ણ બીજું કોઈ નહીં પણ ભગવાન શ્રી વિષ્ણુ નો આઠમો અવતાર છે પણ પોતાના કર્મ અનુસાર તેઓએ તમામ પ્રકારની વિદ્યા બંને ભાઈઓને શીખવી હતી.

હવે ગુરુ દીક્ષાનો વારો હતો તેથી શ્રી કૃષ્ણ એ સાંદીપનિ ઋષિને પૂછ્યું કે અમે તમને ગુરુ દીક્ષા શું આપીએ ? ગુરુ એ શ્રી કૃષ્ણ ને કહ્યું કે આ દરિયો મારા એકના એક પુત્ર ને ભરખી ગયો છે.આ દરિયાની અંદર શેષનાગ છે તેથી કોઈનું સાહસ નથી થતું કે મારા દીકરા ને કોઈ પાછો લાવી શકે તેથી હે કાન્હા ! જો શક્ય હોય તો મને મારો દીકરો પાછો લાવી આપ.‌ કાન્હો દરિયાની અંદર જઈને શેષનાગને પરાજીત કરીને ગુરુ નો પુત્ર જીવતો પાછો લઈ આવે છે.

પોતાના સજીવન પુત્રને જોઇને ગુરુ સાંદીપનિ ઋષિ હરખ ઘેલા થઈને કાન્હાને કહે છે કે હે કાન્હા ! આજે જે જોઈતું હોય તે માંગ.હું બધું આપવા તૈયાર છું.

કાન્હો આવેલી તકને ઝડપી લે છે અને સાંદીપનિ ઋષિ પાસે વરદાન માંગે છે કે “માતૃ હસ્તેન ભોજનમ” એટલે કે હું જીવું ને ત્યાં સુધી મારી માતાના હાથનું ભોજન મળે.આમ કહીને કાન્હાએ પોતાની માતાનું લાંબું આયુષ્ય માંગી લીધું.શ્રી મદ ભાગવત અનુસાર શ્રી કૃષ્ણ ભગવાન ૧૨૫ વર્ષ જીવ્યા ત્યારબાદ તેઓ સદેહે વૈકુંઠ પધાર્યા બાદમાં વસુદેવ અને દેવકી પણ મનુષ્ય અવતાર ત્યાગ કરીને વૈકુંઠ પધાર્યા.

——— બીજો‌ પ્રસંગ ——–

દ્વારિકામાં એક વાર શ્રી કૃષ્ણ જમવા બેઠા હતા.આજે ભોજન માતા દેવકીજીએ બનાવ્યું છે.દેવકીને ખૂબ જ આનંદ હોય છે કે આજે મારો કાન્હો મારા હાથનું ભોજન જમશે તેથી દેવકી પોતે બનાવેલા ભોજનની થાળી શ્રી કૃષ્ણ ને પીરસે છે અને હવે તે ખૂબ જ હરખમાં હોય છે કે આજે તો મારો કાન્હો ખૂબ ખુશ થઈ જશે કારણકે આજે મેં તેની થાળીમાં બધી જ ભાવતી વાનગીઓ મૂકી છે.

પણ આ શું ? શ્રી કૃષ્ણ ભોજનની થાળી જોઈને ડૂસકાં ભરી ભરીને રડવા લાગે છે.દેવકી શ્રી કૃષ્ણ ને રડતાં જોઈને પોતે રડવા લાગે છે અને દેવકી રડતાં રડતાં શ્રી કૃષ્ણ ને‌ પૂછે છે કે હે કાન્હા ! તું કેમ રડે છે ? શું તને આ બધી મારી બનાવેલી વાનગીઓ ના ગમી ? પણ શ્રી કૃષ્ણની આંખમાંથી દડ દડ આંસુ વહે જાય છે.

હવે દેવકી થી રહેવાતું નથી તેથી તેઓ દોડીને રોહિણી ને બોલાવવા જાય છે.આ બાજુ શ્રી કૃષ્ણ કશુંય જમ્યા વગર થાળીને વંદન કરીને રડતાં રડતાં પોતાના કક્ષમાં ચાલ્યા જાય છે.

દેવકીજી રોહિણીને બોલાવી લાવ્યા.રોહિણીને પૂછવા લાગ્યા કે રોહિણી તું જો.મેં મારા હાથે આટલી સરસ વાનગીઓ બનાવી છતાં કાન્હાને શું થયું કે તે રડવા લાગ્યો ? કશુંય જમ્યા વગર જતો‌ રહ્યો.

હવે રોહિણી શ્રી કૃષ્ણની થાળી પર નજર કરે છે તો રોહિણીની આંખો પણ ભરાઈ જાય છે અને રોહિણી પણ રડવા લાગે છે.દેવકી હવે વધારે ચિંતાઓ માં ઘેરાય છે‌ ને હૈયા ફાટ રુદન કરતાં કહે છે કે હે રોહિણી ! તું બોલ કે મેં એવી તો શું ભૂલ કરી ? તું કહે જ.

રોહિણી ડૂસકાં ભરેલા સ્વરમાં કહે છે કે હે દેવકી ! તે કાન્હાની થાળીમાં ભૂલથી માખણ પીરસી દીધું છે.દેવકી આશ્ર્ચર્યજનક થઈને કહે છે કે પણ કાન્હા ને માખણ તો બહુ ભાવે છે ને ? ત્યારે રોહિણી દેવકી ને કહે છે કે હે દેવકી ! કાન્હાએ ગોકુળ છોડ્યું ત્યારપછી તેણે માખણ ક્યારેય પણ ખાધું નથી કારણકે તેને એની માખણ ખવડાવનારી માં યશોદા ના યાદ આવી જાય.તે જેના માટે માખણ ચોરતો હતો તે ગોવાળ મિત્રો યાદ ના આવી જાય.તે જે માખણ માટે ગોપીઓની માટલીઓ તોડતો હતો તે ગોપીઓ યાદ ના આવી જાય.તેનું માખણ વાળું એંઠું મુખ જોઈને રાધા એની પર હસતી હતી તેની તે રાધા યાદ ના આવી જાય માટે કાન્હાએ ગોકુળ છોડ્યું પછી માખણ ક્યારેય નથી ખાધું.આજે ચોક્કસ એની થાળીમાં મૂકેલા માખણથી તેને તેની પાલન પોષણ કરનારી માં યશોદા યાદ આવી હશે અને ગોકુળ યાદ આવ્યું હશે.

આ બધુંય લખતા મારી આંખો ભીની થાય છે.તમારી વાંચતા વાંચતા ચોક્કસ ભીની થતી હશે.તમને એમ‌ થતું હશે કે હું રોજ મહાદેવનું અને માતાજીનું માહાત્મ્ય લખું છું તો શ્રી કૃષ્ણ વિશે કેમ નથી લખતો ? તો એનો જવાબ આટલી વાતથી આપવા માંગીશ કે

એકવાર મને કોઈએ કાગળ અને કલમ આપીને કહ્યું કે પ્રેમ વિશે લખ પછી મારાથી માત્ર “કૃષ્ણ’ લખાઈ ગયું.

શ્રી કૃષ્ણ એક અદ્ભુત પ્રેમ છે.તેમને લખતા લખતા emotional ( લાગણીશીલ ) થઈ જવાય છે કારણકે હું પણ મારી માતાના કૂખે જન્માષ્ટમીએ જન્મયો‌ છું.હું મારી મમ્મીના ગર્ભમાં હતો ત્યારે મમ્મી શ્રી કૃષ્ણ શરણં મમ ના જાપ કરતી અને દેવી કવચ ચંડીપાઠ રોજ વાંચતી તેથી શ્રી કૃષ્ણ કૃપાથી મારો જન્મ જન્માષ્ટમીએ થયો અને મારા લોહીમાં માતાજી અને મહાદેવની ભક્તિ આવી.

આપ સૌ પણ આ આર્ટિકલ વાંચીને રડ્યા હોય,આંખો‌ ભીની થઈ હોય તો એકવાર તમારી માતાને દિલથી ગળે લગાવજો અને તમે જે કંઈ પણ છો તે‌ માટે તમારી મમ્મીનો આભાર વ્યક્ત કરજો.

જય શ્રી કૃષ્ણ.
જય બહુચર માં.

Related Articles

Stay Connected

1,578FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page