મુગલોએ ષડયંત્ર રચ્યું અને સમાધાનના ભાગ સ્વરૂપે એવો સંદેશો મોકલાવ્યો કે મોઢ બ્રાહ્મણો પાંચ હજાર સોનામહોરો ખર્ચ પેટે આપે તો મુગલો ઘેરો હટાવે. આખરે દગો કરવામાં માહેર મુગલોએ દગો કર્યો.બ્રાહ્મણોએ જેવા દ્વાર ખોલ્યા ત્યાં દગાખોર મુગલોએ આખું મોઢેરા લૂંટયું,સૂર્યમંદિર તોડયું,માતંગી દેવીની મૂર્તિને ખંડિત ના કરે તે ભયથી બ્રાહ્મણોએ તે મૂર્તિ વાવમાં પધરાવી જે આજે ધર્મવાવ તરીકે ઓળખાય છે. ત્યારબાદ સંવત ૧૮૨૦માં શ્રી દામાજીરાવ ગાયકવાડે યુદ્ધ કરીને મુગલોને ત્યાંથી ભગાડી મોઢેરા સ્વહસ્તક કર્યું.
દેવીપુરાણ અનુસાર શ્રી માતંગી દેવી દસ મહાવિદ્યાઓની એક શક્તિ છે.તે મોહરકપુરની મુખ્ય અધિષ્ઠાત્રી દેવી છે જેને અઢાર ભુજાઓ છે જે ભુજાઓમાં રક્તપાદ, રકતમાળા, ધનુષ્યબાણ, ખેટક, ખડગ, કુહાડી, ગદર, પરિઘ, શંખ, ઘટ, પાશ, કટાર, છરી, ત્રિશુલ, મદ્યપાત્ર, અક્ષમાળા, શકિતતોમર, મહાકુંભ એમ વિવિધ આયુધો શોભે છે. સિંહ પર સવારી કરનારી દેવી, શ્વેત વર્ણોમાં અત્યંત સુંદર સ્વરૂપિણી તરીકે મોઢેરામાં બિરાજે છે.
શ્રી માતંગીદેવીની ઉત્પત્તિ સ્થળ મોહરકપુર વિશે પુરાણોમાં ઉલ્લેખ મળે છે કે ત્રેતાયુગમાં સત્યમંદિર, દ્વાપર યુગમાં બેદભુવન, કલિયુગની શરૂઆતમાં મોહરકપુર, મધ્યમાં મોઢેરા અને કલિયુગના અંતમાં મોહસપુર તરીકે કહેવાશે.
શ્રી વલ્લભ ભટ્ટજી આનંદના ગરબામાં શ્રી માતંગી માતાનો મહિમા વર્ણવે છે કે
“માતંગી મન મુકત રમવા મન કીધું માં,
જોવા જુકત અજુકત રચિયા ચૌદ ભુવન માં.”
હે માં માતંગી ! આપે મુકત મને સૃષ્ટિનું સર્જન કર્યું અને ધર્મ-અધર્મ, આચરણ-ત્યાગ, વિધિ-નિષેધ જોવા માટે ચૌદ લોકનું સર્જન કર્યું.
ભૂ, ભવ, સ્વર્ગ, મહ, જન, તપ, સત્ય, અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ, પાતાળ જેવા ચૌદ લોકોની માં માતંગીએ રચના કરી. શિવનું એક નામ માતંગ છે તેથી શિવની શકિત પણ માતંગી કહેવાય છે. માતંગીની ઉપાસનાથી વાક્ ( વાણી ) સિદ્ધિ પ્રાપ્ત થાય છે.જીવનને સમૃદ્ધ બનાવવા, વાણી વિલાસમાં પારંગત થવા અને પુરુષાર્થ સિદ્ધિ મેળવવા માતંગીની ઉપાસના કરવી જોઈએ.
શ્રી વલ્લભ ભટ્ટજી માં બહુચરને “માતંગી” તરીકે સંબોધે છે જેનો અર્થ એમ સમજી શકાય કે માં બહુચરની ઉપાસનાથી પણ માતંગી પ્રસન્ન થાય છે. આમ પણ તમે બહુચરાજી જાઓ છો તો મોઢેરા થઈ જ ને જ જાઓ છો ને !!
દર વર્ષે મહા સુદ તેરસના દિવસે એટલે કે આજે મોઢેરા ખાતે મોઢેશ્વરી માતાનો પાટોત્સવ થાય છે.
બોલો શ્રી મોઢેશ્વરી માતંગી માતની જય.
અક્ષ વક્ષે મહાદેવી માતંગી સર્વ સિદ્ધિદાયકમ્ ।
અસ્યા સેવન માત્રેણ વાક્ સિદ્ધિ લભતે ધૃવમ્ ॥
જય માતંગી માં.
જય બહુચર માં.