“બ્રહ્માંડ પુરાણ” અનુસાર શ્રી હનુમાનજીના પૂજનીય પિતા વાનરરાજ કપિ કેસરી છે અને માતા અંજની છે. આ પુરાણમાં સ્પષ્ટ શબ્દોમાં ઉલ્લેખ છે કે એકવાર કપિવાનરરાજ કેસરીની પત્ની અંજની શૃંગાર સુશોભિત થઈને વનમાં વિહાર કરી રહ્યા હતા. તે સમયે પવનદેવે તેમને સ્પર્શ કર્યો હતો.પવનદેવના સ્પર્શથી ક્રોધે ભરાઈને માતા અંજનીએ તેમને શ્રાપ આપવા જતા પવનદેવ ત્યાં સ્વયં પ્રગટ થઈને કહ્યું કે હે દેવી ! જગતપિતા શિવની આજ્ઞાથી મેં આ દુ:સાહસ કર્યું છે પરંતુ મારા આપના સ્પર્શથી આપને મારા સમાન મહાપરાક્રમી પુત્ર થશે જેની ગતિ પવન સમાન હશે. આમ હનુમાનજીના પિતા પવનદેવ પણ કહી શકાય છે.
“બ્રહ્માંડ પુરાણ” અનુસાર શ્રી હનુમાનજી અંજનીમાતા અને કેસરીનંદનના સર્વપ્રથમ પુત્ર હતા. ત્યારબાદ તેમના બીજા પાંચ ભાઈઓનો જન્મ થયો હતો તેમનું નામ મતિમાન, શ્રુતિમાન, કેતુમાન, ગતિમાન, ધૃતિમાન છે. આ પાંચે ભાઈઓ વિવાહિત હતા અને તેમને શ્રેષ્ઠ સંતાનો પણ હતા.
પારાશર સંહિતા અનુસાર શ્રી હનુમાનજી બ્રહ્મચારી છે પણ જયારે તેઓ તેમના ગુરુ સૂર્યદેવ પાસે નવ વિદ્યાઓ શીખતા હતા ત્યારે ચાર વિદ્યા શીખ્યા બાદ બાકીની પાંચ વિદ્યાઓ તેવી હતી કે જે વિવાહિતને જ શીખવી શકાય.
શ્રી હનુમાનજી તો મનથી મક્કમ જ હતા કે તેઓ નવ વિદ્યાઓ શીખશે પણ લગ્ન કરે તો કેમ ? તેથી ગુરુદેવ સૂર્યદેવે સરસ રસ્તો કાઢી આપ્યો કે તેમની પુત્રી સુવર્ચલા જે તપસ્વીની હતી જે ચુસ્ત બ્રહ્મચર્યનું પાલન કરતી હતી.તેમના વિવાહ શ્રી હનુમાનજી સાથે કરાવ્યા હતા. ત્યારબાદ જયારે હનુમાનજીએ બાકીની પાંચ વિદ્યા શીખી લીધી તે બાદ સુવર્ચલા ફરીથી તપમાં લીન થઈ ગઈ. આમ શ્રી હનુમાનજી અને સુવર્ચલા બંને ભલે લગ્નગ્રંથિથી જોડાયા પણ શારીરિક રૂપથી કયારેય એક નહોતા થયા તેથી શ્રી હનુમાનજી અને શ્રી સુવર્ચલા હંમેશા માટે બ્રહ્મચારી કહેવાય છે. તેલગાંના ના ખમ્મમ જિલ્લામાં શ્રી હનુમાનજીનું સુવર્ચલા સહિતનું મંદિર છે જે આ વાતની સાક્ષી પૂરે છે.
વાલ્મિકી રામાયણ અનુસાર જયારે શ્રી હનુમાનજી સીતા માતાની શોધ કરવા માટે લંકા જાય છે તે સમયે રાવણપુત્ર મેધનાથ સાથેના યુદ્ધમાં મેધનાદ બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરીને હનુમાનજીને બંદી બનાવે છે. રાવણ તેના દૈત્યોને હનુમાનજીની પૂંછ સળગાવીને તેમને અપમાનિત કરવાનું કહે છે. શ્રી હનુમાનજી સળગતી પૂંછને મોટી કરીને આખી લંકા બાળી દે છે ત્યારબાદ તે સળગતી પૂંછને બૂઝાવા માટે સમુદ્રમાં ડૂબકી મારે છે તે સમયે તેમના શરીરના પરસેવામાંથી સમુદ્રમાં એક ટીપું પડે છે તે પરસેવાનું ટીપું એક માછલી ગ્રહણ કરે છે. ત્યારબાદ તે માછલી ગર્ભવતી થાય છે.
એકવાર પાતાળલોકના રાજા અહિરાવણના દૂતો સમુદ્રમાંથી આ માછલીને આહાર માટે પકડી લાવે છે ત્યારે માછલીને ચીરતા તેમાંથી વાનર આકૃતિનું નવજાત શિશું (બાળક) નીકળે છે. અહિરાવણ તે વાનર બાળકને ઉછેરીને મોટો કરે છે અને તેની પાતાલપુરી ના રક્ષણ માટે નિયુકત કરે છે જેનું નામ “મકરધ્વજ” છે.
જયારે અહિરાવણ શ્રી રામ ભગવાન સહિત માતા સીતા અને ભાઈ લક્ષ્મણને માયાથી બલિ ચઢાવવા માટે પાતાલ લોક લઈ આવે છે તે સમયે શ્રી હનુમાનજી પાતાલ લોક પહોંચે છે. તેમની પુત્ર મકરધ્વજ સાથે મુલાકાત થાય છે.
પાતાલ લોક જઈને અહિરાવણનો વધ કરીને તેઓ ભગવાન શ્રી રામ, માતા સીતા અને લક્ષ્મણજીને મુક્ત કરાવે છે અને મકરધ્વજને પાતાલલોકના રાજા તરીકે નિયુકત કરીને ધર્મના માર્ગને અનુસરવાની પ્રેરણા કરે છે.
મહાભારત અનુસાર ભીમના પિતા પાંડુ હતા અને માતા કુંતી પરંતુ કુંતીને એવું વરદાન પ્રાપ્ત થયેલ કે તેઓ જયારે પણ કોઈ પણ દેવતાનું આહવાન કરીને મંત્ર ઉચ્ચારણ કરશે તો તે દેવતાના આશીર્વાદથી તેમને તેવા પુત્રની પ્રાપ્તિ થશે.એકવાર કુંતી માતા પવનદેવનું મંત્રોઉચ્ચારણ દ્વારા આહવાન કરે છે તેથી પવનદેવના આશીર્વાદથી કુંતીને ભીમ જેવો મહાપરાક્રમી પુત્ર પ્રાપ્ત થાય છે.તેથી ભીમના પિતા આમ પાંડુ કહેવાય પણ ધર્મપિતા પવનદેવ કહેવાય.પવનદેવના આશીર્વાદથી જન્મેલ પુત્ર આમ જોવા જઈએ તો પવનપુત્ર શ્રી હનુમાનજીના ભાઈ કહેવાય કારણકે હનુમાનજી પણ પવનદેવના આશીર્વાદથી જન્મ્યા હતા.
શ્રી હનુમાનજીનો આખા આ પરિવારમાં શ્રી રામ ભગવાન અને સીતા માતાનો ઉલ્લેખ ના કરું તો આખો આ પરિવાર અધૂરો કહેવાય.આપ સૌ જાણો છો તેમ શ્રી હનુમાનજી શ્રી રામ ભગવાનના સેવક છે અને સીતા તેમની પૂજનીય માતા છે. અયોધ્યામાં વસતો શ્રી રામ ભગવાનનો આખો પરિવાર શ્રી હનુમાનજીના પરિવાર સમાન છે.
શ્રી હનુમાનજીના પરિવાર વિશે વિસ્તૃત વર્ણન વાંચીને આપ સૌને આનંદ થયો હશે.
અંતે છેલ્લી આપ સૌએ ન જાણી હોય તેવી વાત વર્ણવું તો વાલ્મીકિ રામાયણ અનુસાર સીતા માતાએ શ્રી હનુમાનજીને યુગોયુગો સુધી સદેહે જીવીત રહેવાનું (ચિરંજીવી ભવ) એમ વરદાન આપ્યું હતું. કળિયુગમાં શ્રી હનુમાનજી કૈલાસ પાસે આવેલા ગંધમાર્દન પર્વતની ગુફાઓમાં શ્રી રામ ભગવાનનું ધ્યાન ધરી રહ્યા છે.
આપણે ભલે ત્યાં જઈને હનુમાનજીના દર્શન ના કરી શકીએ પણ જો નિત્ય શ્રી રામ ભગવાનનું નામ સ્મરણ કરતા રહીએ તો એક દિવસ શ્રી હનુમાનજી ચોક્કસ આપણને દર્શન આપશે કારણકે જયાં શ્રી રામનું નામ હોય છે ત્યાં શ્રી હનુમાનજીનો નિત્ય નિવાસ હોય છે.
જય સીયા રામ.
જય હનુમાન દાદા.
જય બહુચર માં.