અહીં પહેલા કશું જ નહોતું. માત્ર એક બિંદુ હતું. તે કાળા રંગનું હતું. આ બિંદુને તમે શૂન્ય કહી શકો છો. આ શૂન્ય જેવું જે બિંદુ હતું તે બિંદુને ઉત્પન્ન કરનારી આદિ પરાશક્તિ છે. આ બિંદુમાંથી જ તેણે હજારો બ્રહ્માંડો ઉત્પન્ન કર્યા છે. આ પૃથ્વીની જન્મદાત્રી પણ તે જ છે.
પૂર્વે આદિ પરાશકિતએ તેમના શરીરમાંથી ત્રણ શક્તિઓ ઉત્પન્ન કરી હતી જે ત્રણ શક્તિઓ સરસ્વતી, લક્ષ્મી અને કાલી હતી.
આદિ પરાશક્તિએ ત્રણ દેવોને ઉત્પન્ન કર્યા જેઓ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કહેવાયા.
સર્વપ્રથમ આદિ પરાશક્તિએ બ્રહ્મા અને વિષ્ણુને અર્ધાંગિની તરીકે સ્વીકારવાનું કહ્યું ત્યારે બ્રહ્મા અને વિષ્ણુએ કહ્યું કે “આપે અમને જન્મ આપ્યો છે. આપ અમારી માતા છો. અમે આપને અર્ધાંગિની તરીકે સ્વીકારી ના શકીએ”
આદિ શક્તિએ ક્રોધે ભરાઈને બ્રહ્મા અને વિષ્ણુને પથ્થરના પિંડ બનાવી દીધા.
આદિ પરાશક્તિએ મહાદેવને અર્ધાંગિની તરીકે સ્વીકારવાનું કહ્યું ત્યારે મહાદેવે કહ્યું કે “આપ પ્રકૃતિ થઈને પુરૂષ તત્વને પામવા આવશો ત્યારે હું તમારો પતિ થઈશ” દેવીએ ક્રોધે ભરાઈને મહેશને પણ પથ્થરના પિંડ કરી દીધા.
આદિ પરાશક્તિએ આ બધુ જ માયાથી કર્યું હતું ત્યારબાદ તેઓએ જાગૃત થઈને ત્રણેય દેવને પોતાનામાંથી ઉત્પન્ન કરેલી ત્રણ શક્તિઓ આપી. બ્રહ્માને સરસ્વતી, વિષ્ણુને લક્ષ્મી અને મહેશને કાલી.
આ ત્રણેય શક્તિઓ ત્રણેય પિંડમાં સમાઈ ગઈ તે ત્રણે પિંડ વર્તમાનમાં વૈષ્ણોદેવી તરીકે પૂજાય છે. આ બધુ જ પૃથ્વીની ઉત્પત્તિ સમયે થયું હતું.
સમયાંતરે આદિ પરાશક્તિ બ્રહ્માના પુત્ર દક્ષ રાજાના ત્યાં સતી રૂપે પ્રગટ થયા. શિવે કહેલા વચન પ્રમાણે પ્રકૃતિએ પુરુષને પામવા તપ કર્યું અને ત્યારબાદ સતી મહાદેવ સાથે વિવાહ કરીને “મહાદેવી” કહેવાયા.
સતીએ દક્ષ રાજાના યજ્ઞમાં દેહત્યાગ કર્યા બાદ હિમાલયના ત્યાં પુત્રી “પાર્વતી” તરીકે જન્મયા. તેમણે મહાદેવને પતિ તરીકે પામવા એકવાર ફરીથી તપ કર્યુ અને મહાદેવની સાથે વિવાહ કરીને તેઓ ફરીથી “મહાદેવી” કહેવાયા.
શિવપુરાણ અનુસાર આદિ પરાશક્તિએ બ્રહ્માંડની શરૂઆત દરમિયાન ભગવાન શિવના ડાબા ભાગમાં એટલે કે પરબ્રહ્મમાંથી પરમ પ્રકૃતિ તરીકે ભૌતિક સ્વરૂપમાં અવતાર લીધો હતો.
લિંગ પુરાણ અનુસાર આદિ પરાશક્તિ દરેક બ્રહ્માંડમાં મહાદેવી અને મહાદેવના જોડાણ દ્વારા જીવનની ઉત્ક્રાંતિને આગળ લાવે છે
દેવી ભાગવત પુરાણ અનુસાર આદિ પરાશક્તિએ પાર્વતી તરીકે જન્મ લેતા હિમાલયને દર્શન આપીને શાશ્વત જ્ઞાન પ્રગટ કર્યું હતું. દેવીએ હિમાલયને કહ્યું કે “તેઓ ના તો શરૂઆત છે ના તો અંત છે, તેઓ શાશ્વત સત્ય છે. સમગ્ર બ્રહ્માંડ તેમની રચના છે. તેઓ એકમાત્ર વિજેતા છે અને વિજયની અભિવ્યક્તિ છે. તેઓ પ્રગટ, અપ્રગટ અને ગુણાતીત દેવત્વ છે.
આદિ પરાશક્તિએ હિમાલયને ભાગ્યે જ દેખાતું પોતાનું સ્વરૂપ બતાવ્યું. આ સ્વરૂપમાં દેવીના લલાટમાં “સત્યલોક” હતું. અનેકો બ્રહ્માંડ તેમના કેશ (વાળ) માં હતા. સૂર્ય અને ચંદ્ર બંને તેમના ચક્ષુ હતા. તેમના બંને કાનોમાં ચારેય દિશાઓ હતી. વેદ તેમના શબ્દો હતા. મૃત્યુ, સ્નેહ અને લાગણી તેમના દાંત હતા. માયા તેમના સ્મિત દ્વારા પ્રગટ થતી હતી.
ક્રુષ્માંડા તરીકે આદિ પરાશક્તિ બ્રહ્માંડને અંડ (ઈંડા) આકારમાં જન્મ આપે છે જે બ્રહ્માંડ કહેવાય છે. આખરે આ આદિ પરાશક્તિ બ્રહ્માંડના વિનાશ પછી અને બ્રહ્માંડના અસ્તિત્વ પહેલા પણ શાશ્વત રહે છે.
સમીક્ષા – આ આર્ટિકલ ખૂબ જ ગૂઢ છે. જે સમજી શકયા છે તેમના માટે સમજવો સહેલો છે અને જે નથી સમજી શક્યા તે માટે એક જ વાક્યમાં સમજાવું તો
“મહાદેવ એ સર્વોચ્ચ પિતા છે અને મહાદેવી એ સર્વોચ્ચ માતા છે”
અર્થાત્ પરમેશ્વર એ પુરુષ (શિવ) અને પ્રકૃતિ (શિવા) છે, બીજુ કોઈ નહી.
જય બહુચર માઁ.