એક માતા બાળકની તમામ ઈચ્છાઓ જાણનારી છે પછી માં ને લોભ-લલાચ આપીને કે બાધાના બંધનોમાં બાંધીને કરવાનું શું ? માં મારું આ કામ થઈ જશે ને તો હું સાડી ચડાવીશ. માં હું બાધા રાખું છું કે મારું આ કામ થઈ જશે ને તો હું ચાલતો આવીશ….મને એ નથી સમજાતું કે કેમ કરતા હોય છે લોકો માતા જોડે આવી શરતો ? શું એને આ બધું સાંભળીને દુ:ખ નહી થતું હોય ? માં ને તમારા જેવા ઘણા છે એને તમારી પાસેથી કોઈ જ વસ્તુની આશ નથી. માં ને તો તમે કારણ વગર કે કામ વગર મળવા જાઓ એની આશ છે.
તમે કોઈ કામ વગર માં ને મળવા જાઓ તેના દર્શન કરો તેમાં તેનો રાજીપો છે.તેણે મહામાયા થઈને તમામ માયાની વસ્તુઓ ઉત્પન્ન કરી છે તેને વળી તમે શું માયા લગાડવાના ? કોઈ દિવસ આનંદ મંગલ કરતા માં ને મળવા જજો. તમારી સ્વેચ્છાથી પ્રસાદ, સાડી, સોનું, ચાંદી, હીરા, માણેક વગેરે એમ જે વધાવો ચડાવવાનું મન થાય તે બદલાની ભાવના વગર ત્યાં ચડાવતા આવજો.તમારી પાસે કંઈ પણ ના હોય તો એમનેમ જતા આવજો.તમારા ના ધારેલા કામ પણ એમનેમ થઈ જશે.
કોઈ પણ મંદિરની દાનપેટીમાં ચોકકસ હાથમાં ગુપ્તધન રાખીને માં નું આપેલું ધન મૂકજો. તેનાથી મંદિરનો જીર્ણોદ્વાર થતો હશે. તે મંદિરના કર્મચારીઓ અથવા પૂજારીઓનો પગાર થતો હશે પણ મંદિરના પૂજારીઓ જે બ્રાહ્મણો છે તેમનો પણ ઉત્કર્ષ થાય તે માટે તેમને દાન-દક્ષિણા અલગથી આપજો.જયારે પણ કોઈ મંદિરે જઈએ ત્યાં મંદિરની બહાર શ્રીફળ ચુંદડી વેચવાવાળાનું ઘર આપણા જેવા તીર્થયાત્રી પર ચાલતું હોય છે તેથી તેનું ઘર ચાલે તે બે સમયનું સરખું ભોજન જમી શકે તે માટે તેના ત્યાંથી માં નો ચડાવો લેજો. ભલે મંદિરમાં સાઈડમાં મૂકાઈ દેતા હોય એનો કંઈ વાંધો નહી પણ પેલા પૂજાપાવાળાનું તો સારું થશે એમ વિચારીને લેજો.
આપણે આબુ કે ગોવા ગયા હોય ત્યાં ધૂમ પૈસા વાપરતા હોઇએ છે ત્યાં કોઈજ પ્રકારનો પૈ પૈ નો હિસાબ રાખતા નથી તો માં માટે કેમ હિસાબ રાખવો પડે ? એણે આપેલું એને જ આપવાનું છે. આપણું તો કાંઈ છે જ નહી.
કોઈ વૃદ્ધ હોય,અપંગ હોય અથવા કુદરતી ખોડખાંપણ હોય તેને પહેલા દર્શનનો લ્હાવો લેવા દેજો. તેણે દર્શન કર્યા એટલે આપણે દર્શન થઈ ગયા તેમ સમજી લેવાનું પણ કયારેય એવા નિરાધાર વ્યક્તિને હડધૂત કરશો નહી.તમે મંદિરમાં જઈને માતાજીની ચાલીસા, બાવની, આનંદનો ગરબો, સ્તુતિ કે ભજન કીર્તન કરજો. એમાં માતાને આનંદ થશે પછી મંદિરની બહાર આવીને બાંકડા પર પારકી પંચાત કરો તો મંદિરે માતાજીનું દર્શન કર્યાનું પુણ્ય અને માં ના આશીર્વાદ બધુ જ બળી જશે.
કોઇપણ મંદિરમાં જઈને કોઇનું કપાતું બોલવું, કોઇના દુર્ગુણો શોધવા,કોઈના પ્રત્યે ઈર્ષ્યાનો ભાવ રાખવો, કોઈનું અપમાન કરવું કે કોઈની ટીકા કરવી શું આ બધુ માતાને ગમતું હશે ? નહી જ ગમતું હોય..તો પછી શેના માટે બીજાની ખામીઓ શોધવી…તે માતાના ચરણે પગે લાગવા આવ્યો છે તેની એ ખૂબી કેમ ભૂલી જાઓ છો ?
દેવી ભાગવત પુરાણમાં ઋષિ મારંકડેય મુનિ સનાતન સત્ય કહે છે કે જયારે એક મનુષ્ય એમ સમજશે કે આ સર્વ જગત જગદંબામય છે એટલે કે આ પૃથ્વી પરના તમામ બાળકો જગદંબાના છે તેમ સમજશે ત્યારે તે મનુષ્ય દરેકને સમાન દ્રષ્ટિએ જોશે અને દરેક પ્રત્યે એનો ભાવ શુદ્ધ રહેશે.
દુર્ગા સપ્તશતી ચંડીપાઠમાં વર્ણવ્યું છે કે દુર્ગા દેવીના શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રધંટા, કૂષ્માંડા, સ્કંદમાતા જેવા પાંચ શીતળ અને સૌમ્ય સ્વરુપો,છઠુ તેજોમય સ્વરૂપ કાત્યાયિની, સાતમું રૌદ્ર સ્વરૂપ કાલરાત્રિ અને આઠમું અતિસૌમ્યરુપ મહાગૌરી સ્વરુપ બાદ દેવીનું નવમું “સિદ્ધિદાત્રી” સ્વરૂપ આ તમામ સ્વરૂપોનું પૂજન અર્ચન કરવાથી શક્તિનો સાધક જગદંબામય થાય છે.
માં અંબા, બહુચર, મહાકાલી, ચામુંડા, નારાયણી, વારાહી, ભુવનેશ્વરી, માતંગી મોઢેશ્વરી, હરસિદ્ધિ, ઉમિયા, મહાસરસ્વતી, મહાલક્ષ્મી, ગાયત્રી, અન્નપૂર્ણા, વૈષ્ણવી વગેરે જેવા દેવીના વિવિધ સ્વરૂપોના દર્શન માત્રથી દેવીનો બાળક જગદંબામય થાય છે.
જગદંબા એટલે આ જગતની અંબા.જગદંબાનો બાળક જયારે શુદ્ધ ભાવે માં જગદંબાના ચરણકમળનો બાળ થાય છે ત્યારે માં તે બાળકના મનની તમામ ઈચ્છાઓ- કામનાઓ અર્થાત્ મનોકામનાઓ પૂરી કરે છે.
આમ આ જગત જગદંબામય થાય છે.
તમે કોઈ પણ ધર્મ,સંપ્રદાયને અનુસરો પણ મારી એક વાત ચોકકસ યાદ રાખજો કે માં વગર કોઈનો ઉદ્ધાર થયો નથી કે થવાનો નથી.
જય અંબે માં.
જય બહુચર માં.