નવદુર્ગાએ શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રધંટા, કૂષ્માંડા, સ્કંદમાતા જેવા પાંચ શીતળ અને સૌમ્ય સ્વરુપો બાદ ષ્ષ્ઠમ તેજોમય કાત્યાયની સ્વરુપ અને સાતમું કાલરાત્રિ જેવા ઉગ્ર સ્વરુપ ધરીને સમગ્ર લોકને પાવન અને કલ્યાણકારી કરી દીધું. કાલિરાત્રિના સ્વરુપમાં દેવીનો વર્ણ શ્યામ થઈ ગયો તેથી એકવાર મહાદેવજીએ દેવીને મશ્કરીમાં “કાળા” કહ્યા તેથી દેવીએ ઘણા વર્ષો સુધી તપ કરીને ગૌર વર્ણ ધારણ કર્યું તેથી દેવી “મહાગૌરી” કહેવાયા. મહાગૌરીનું આ ગૌર સ્વરુપ આઠ વર્ષની કોમળ બાળા અને સોળ વર્ષની સુંદર કુમારિકા જેવું હતું.
નવરાત્રીની અષ્ટમીએ દેવીના અષ્ટમ સ્વરુપ “મહાગૌરી”ની આરાધના થાય છે.દેવીને ચાર ભુજાઓ છે.એક હાથમાં ત્રિશૂળ,બીજા હાથમાં ડમરૂ, ત્રીજો હાથ અભયમુદ્રામાં અને ચોથો હાથ વરમુદ્રામાં છે. દેવી વૃષભ ઉપર સવારી કરે છે તેથી “વૃષારૂઢા” પણ કહેવાય છે. દેવીનો વર્ણ ગૌર છે અને શ્વેત વસ્ત્રો ધારણ કરતી હોવાથી “શ્વેતાંબરધરા” પણ કહેવાય છે. યોગી અષ્ટમીએ પોતાના મનને માતાના ચરણોમાં સ્થિત કરીને અકલ્પય સુખો પામે છે. મહાગૌરી સર્વ પ્રકારના દુ:ખો દૂર કરીને એના બાળકનું જીવન આનંદમય કરી દે છે જેને “આનંદદાયીની” પણ કહી શકાય.
આજે અષ્ટમીના દિવસે દેવો, ગંધર્વો, યક્ષો, મનુષ્યો દેવીની ગૌરવગાથા ગાય છે.દેવીને આજે આઠમના નૈવૈધ અને યજ્ઞોની આહૂતિ દ્વારા સંતુષ્ટ કરાય છે. બ્રાહ્મણોને આજે વસ્ત્ર આભૂષણો,અન્નદાન તથા વિવિધ પ્રકારના દાન આપવાથી દેવી અતિપ્રસન્ન થાય છે કારણકે દેવીને બ્રાહ્મણો અતિપ્રિય છે.
એક સ્ત્રી જયારે દૈત્યોનો નાશ કરવા કે નકારાત્મક શકિતઓના વિનાશ માટે ક્રોધિત થાય છે ત્યારબાદ તે તનથી કયારેય “શ્યામ” નથી થતી કે મનથી કયારેય “નકારાત્મક” નથી થતી પણ એ હકીકતમાં જેવી હોય છે તેવી જ પાછી થઈ જાય છે જેમ કે હકારાત્મક, શાંત,સૌમ્ય, શીતળ,સુંદર, કોમળ કારણકે સ્ત્રીની સુંદરતા તેના વર્ણ કે રંગથી નથી મપાતી પરંતુ સ્ત્રીની સુંદરતા તેના કોમળ મનથી નકકી થાય છે.
શ્વેતે વૃષ સમારૂઢાં શ્વેતાંબરધરા વૃષ્ટિ ।
મહાગૌરી શુભં દદ્યાન્મહાદેવ પ્રમોદદા ॥
જે સફેદ વૃષભ પર આરૂઢ છે, સફેદ વસ્ત્ર ધારણ કરે છે, સદા પવિત્ર છે તથા મહાદેવજીને આનંદ આપનાર મહાગૌરી દુર્ગાદેવી અમને મંગલ પ્રદાન કરો.
જય બહુચર માં.