દુર્ગા શૈલપુત્રી તરીકે જન્મ લઈને બ્રહ્મચારિણી સ્વરુપે તપ કરીને શિવના અર્ધાગિંની થયા.જેમ પતિ રહે એમ જ પત્નીએ રહેવું એવું દુર્ગા અહીં શીખવે છે તેથી જેમ શિવ પોતાના મસ્તક પર અંર્ધચંદ્ર ધારણ કરે છે તેમ દેવીએ પોતાના મસ્તક પર ઘંટ આકારનો અર્ધગોળ ચંદ્ર ધારણ કર્યો અને પોતાના પતિ શિવની જેમ એકદમ સૌમ્ય અને સુંદર લાગવા માંડયા માટે “ચંદ્રઘંટા” કહેવાયા.
શિવને મસ્તકે જેમ ત્રીજું નેત્ર છે તેમ ચંદ્રઘંટાના મસ્તકે પણ ત્રીજું નેત્ર છે પણ તફાવત એટલો છે કે શિવ અત્યંત ક્રોધે ભરાય ત્યારે તે ખૂલે છે જયારે ચંદ્રઘંટા દેવીનું ત્રીજું નેત્ર પોતાના બાળકોને સુખ- શાંતિ આપવા કાયમ ખુલ્લું હોય છે.
દેવી ભાગવતમાં ચંદ્રધંટાને ગરુડ તથા વાઘ પર આરુઢ થનારી કહ્યા છે. દેવીપુરાણમાં ચંદ્રઘંટાને સિંહ પર સવારી કરનાર કહ્યા છે. દેવીને દસ ભુજાઓ છે. આ દસે ભુજામાં વિવિધ અસ્ત્ર શસ્ત્ર છે. ચંદ્રઘંટાનું સ્વરુપ શીતળ અને સૌમ્ય છે છતાં તેઓ યુદ્ધ માટે તૈયાર હોય એવી મુદ્રામાં છે.ત્રીજા નોરતે યોગી ચંદ્રઘંટાનું ધ્યાન ધરીને પોતાનું મન “મણિપુર” ચક્રમાં સ્થિર કરે છે.
ભારતવર્ષમાં દેવી ચંદ્રઘંટાનું મંદિર કાલીઘાટ, કલકત્તા પાસે આવેલું છે. દેવી ચંદ્રધંટા પોતાના બાળકોને મનની શાંતિ અર્પે છે.
નિત્ય જીવનમાં મન શાંત રાખવું.મગજને શીતળ રાખવું અને સંકટ સમયે અસત્ય સામે લડવા સત્યની યુદ્ધભૂમિ પર તૈયાર રહેવું આ બધું જ આપણને દુર્ગાદેવીનું ચંદ્રઘંટા સ્વરુપ શીખવે છે.
પિડંજપ્રવારુઢાં ચણ્ડકોપાસ્ત્રકેયુર્તા ।
પ્રસાદં તનુતે મહ્યં ચંદ્રઘંટેતિ વિશ્રુતા ॥
જે પક્ષીશ્રેષ્ઠ ગરુડ પર આરૂઢ છે. ઉગ્ર, કોપ અને રૌદ્રતાથી યુકત છે તેવા ચંદ્રઘંટા નામથી વિખ્યાત દુર્ગાદેવી અમારા માટે કૃપાનો વિસ્તાર કરો.
જય બહુચર માઁ.