દેવી દુર્ગા પર્વતરાજ હિમાલયની પુત્રી (શૈલપુત્રી) તરીકે અવતર્યા બાદ વિવાહ યોગ્ય થતા પોતાના પતિ તરીકે શિવને પામવા એક નિર્જન જંગલમાં જઈ ઘોર તપ કર્યું. દેવીનું આ સ્વરુપ “બ્રહ્મચારિણી” કહેવાય છે.
બ્રહ્મ એટલે તપ અને ચારિણી એટલે આચરણ કરનારી. આમ તપનું આચરણ કરનારી બ્રહ્મચારિણી કહેવાય. દુર્ગા આપણને આ સ્વરુપ દ્વારા એવી શીખ આપે છે કે પરમેશ્વરને પામવા તપની જરુર પડે. કળિયુગમાં થોડી પણ ઈશ્વરની ભકિત કરો તો એ “તપ” સમાન છે. તમે જેને મેડિટેશન અને યોગા કહો છો એને ૠષિમુનિઓ “તપ” કહેતા જેનાથી ધ્યાન દ્વારા આત્મા પરમાત્માની અંદર વિલીન થતો.
“ૐ નમઃ શિવાય” ષડાક્ષર મંત્રના જાપથી બ્રહ્મચારિણીએ એક હજાર વર્ષ ફળો અને ફૂલો આરોગ્યા. સો વર્ષ સુધી શાકભાજી આરોગ્યા. અગણિત દિવસો સુધી કઠણ ઉપવાસ રાખીને ઠંડી, તડકો અને વરસાદનું સેવન કર્યુ
ત્યારબાદ ત્રણ હજાર વર્ષો સુધી જમીન પર પડેલા તૂટેલા બિલિપત્ર આરોગ્યા એ પછી બિલિપત્ર આરોગવાનો ત્યાગ કર્યો તેથી તેઓ “અપર્ણા” કહેવાયા. આવી કઠોર તપસ્યા કરીને દેવીએ “શિવ” ની આરાધના કરી.
દેવીની આવી કઠણ તપસ્યાથી તેઓ દુબળા થવા લાગ્યા. દેવીને આટલું ભયંકર કષ્ટ સહન કરતા જોતા તેમની માતા મેનાથી રહેવાયું નહી અને તેમણે બૂમ પાડી ઉ………મા ….. અરે નહી ! ત્યારબાદ દેવીનું “ઉમા” નામ પડયું.
બ્રહ્મચારિણીની કઠિન તપસ્યાથી ત્રણે લોક બળવા લાગ્યા. દેવતાઓ તથા ઋષિમુનિઓ દેવીની આ તપસ્યા જોઈને પોતાનું મસ્તક દેવીના ચરણોમાં નમાવવા લાગ્યા.અંતે દેવીની કઠોર તપસ્યાથી “શિવ” પ્રસન્ન થયા અને શિવા ( પાર્વતી ) શિવમય થયા.
દુર્ગાનું દ્વિતીય “બ્રહ્મચારિણી” સ્વરુપનું સાધકે બીજા નોરતે ધ્યાન ધરવું જોઈએ. આજે સાધકનું મન “સ્વાધિષ્ઠાન” ચક્રમાં સ્થિત હોય છે.ત્યાગ, સમર્પણ, વૈરાગ્ય, સંયમ તથા મનની સ્થિરતા “તપ” દ્વારા સંભવ છે. જીવનમાં આવતા સંઘર્ષૉ પણ “તપ” જેવા છે. આપણે આજના દિવસે “બ્રહ્મચારિણી” ને નતમસ્તક થઈને એટલું કહેવાનું છે કે
“અમારા જીવનમાં આવતા આકરા તપ કે સંઘર્ષો સામે તારી જ જેમ તટસ્થ રહેતા શીખવજે તો જેમ તારો જય થયો એમ અમારો પણ વિજય થાય”.
દધાના કરપદ્યાભ્યામક્ષમાલા કમણ્ડલ્ ।
દેવી પ્રસીદતુ મયિ બ્રહ્મચારિણ્યનુત્તમા ॥
અર્થાત્ જેણે બંને કરકમળોમાં અક્ષમાળા અને કમંડલ ધારણ કરેલ છે તેવા સર્વશ્રેષ્ઠા બ્રહ્મચારિણી દુર્ગાદેવી મારા ઉપર અતિ પ્રસન્ન હો.
જય બહુચર માઁ.