દુર્ગાદેવીના શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રધંટા, કૂષ્માંડા, સ્કંદમાતા જેવા પાંચ શીતળ અને સૌમ્ય સ્વરુપો,છઠુ તેજોમય સ્વરૂપ કાત્યાયિની,સાતમું રૌદ્ર સ્વરૂપ કાલરાત્રિ અને આઠમું અતિસૌમ્યરુપ મહાગૌરી સ્વરુપ બાદ દેવીનું નવમું “સિદ્ધિદાત્રી” સ્વરૂપ સર્વ પ્રકારની સિદ્ધિ આપે છે.
સિદ્ધિઓ આઠ પ્રકારની હોય છે.માર્કંડેયપુરાણમાં આ આઠ સિદ્નિઓ આ પ્રમાણે છે ૧ ) અણિમા ૨ ) ગરિમા ૩) મહિમા ૪ ) લધિમા ૫ ) પ્રાપ્તિ ૬ ) પ્રાકામ્ય ૭) ઈશિત્વ ૮ ) વશિત્વ. માંનો બાળક સંપૂર્ણ રીતે દેવીના ચરણોમાં સમર્પિત થઈને આ આઠ પ્રકારની સિદ્ધિઓ મેળવે છે.યોગી નવમા નોરતે પોતાનું મન કપાળની મધ્યે આવેલા નિર્વાણ ચક્રમાં સ્થિર કરે છે.
સિદ્ધિદાત્રી નવદુર્ગાનું નવમું સ્વરૂપ છે.દેવીને ચાર ભુજાઓ છે.એક હાથમાં ગદા,બીજા હાથમાં ચક્ર,ત્રીજા હાથમાં શંખ,ચોથા હાથમાં કમળ છે.દેવી સિંહે ઉપર સવાર થાય છે. નવમા નોરતે દેવીના “સિદ્ધિદાત્રી” સ્વરૂપની આરાધના થાય છે.દેવીપુરાણ અનુસાર આદિ પરાશકિત કોઈ દેહ સ્વરૂપ ધરાવતા નહોતા ત્યારે શિવજીએ દેવીની ઉપાસના કરતા શિવના અર્ધાંગિની સ્વરૂપે દેવી પ્રગટ થયા તે “સિદ્ધિદાત્રી” છે. દેવો, ગંધર્વો, યક્ષો, ઋષિમુનિઓ, અસુરો દેવીના “સિદ્ધિદાત્રી” સ્વરૂપનું પૂજન કરીને અવિરત સિદ્ધિઓ પામે છે.
એક સ્ત્રીના આશીર્વાદ એ “સિદ્ધિ” બરોબર છે.જો આપણી માતા,આપણી બહેન,આપણી પત્ની,આપણી દીકરીને આપણે યેનકેન પ્રકારે ખુશ રાખીએ તો આપણને એવા આશીર્વાદ મળે છે છે દેવીએ આપેલી “સિદ્ધિ” સમાન હોય છે.
સિદ્ધ ગંધર્વ યક્ષાધૈ: અસુરૈરમરૈરપિ ।
સેવ્યમાના સદાભૂયાત્ સિદ્ધિદા સિદ્ધિદાયિની ॥
સિદ્ધો, ગંધર્વો, અસુરો, યક્ષો અને દેવતાઓ દ્વારા સદા ભજવાયોગ્ય એવી સિદ્ધિદાયિની દુર્ગાદેવી અમને સિદ્ધિ પ્રદાન કરવાવાળી હો.
જય બહુચર માં.