સ્કંદમાતા એટલે કાર્તિકેયની માતા. દુર્ગા “શૈલપુત્રી” થઈને શિવના અર્ધાંગિની થવા માટે “બ્રહ્મચારિણી” સ્વરુપે ઘોર તપ કરીને શિવના “ચંદ્રધંટા” થઈને પોતાના મંદ હાસ્યથી “કૂષ્માંડા” સ્વરુપે સમગ્ર બ્રહ્માંડની ઉત્પતિ કર્યા બાદ એક બાળકની માતા બને છે તે “સ્કંદમાતા”. આ સ્કંદમાતા પોતાના બાળક “સ્કંદ” ને ખોળામાં બેસાડે છે.
દેવીને ચાર ભુજાઓ છે. બે હાથમાં કમળ, એક હાથથી બાળક સ્કંદ ( કાર્તિકેય ) ને ખોળામાં પકડેલા અને ચોથો હાથ વરદાન આપતી મુદ્રામાં છે.સિંહે સવાર દેવીના આ સ્વરુપનું પૂજન નવરાત્રીના પાંચમાં નોરતે થાય છે. દેવીને કયાંક કમળ પર બિરાજમાન કરાતા હોવાથી તેઓને “પદ્યાસના” પણ કહેવાય છે. યોગીનું મન પાંચમાં નોરતે “વિશુદ્ધ” ચક્રમાં સ્થિર થાય છે. સ્કંદમાતા સુખ-સંપત્તિ, ઐશ્વર્ય, સારું આરોગ્ય, જ્ઞાન, બુદ્ધિ તથા સંતાનસુખ અપનારી છે.
સ્કંદમાતા સર્વપ્રથમ કાર્તિકેયની માતા તો છે જ પણ સાથે સાથે આ જગતના તમામ બાળકોની માતા છે જે હંમેશા પોતાના સર્વ બાળકોને ખોળામાં રાખે છે. આ જગતના સર્વ બાળકોને ઉત્પન્ન માતાએ કર્યા પછી એ બાળકોએ પોતાની બુદ્ધિ પ્રમાણે ધર્મ અને સંપ્રદાયો બનાયા. કોઈ પણ ઘર્મ કે સંપ્રદાય કયારે પણ આ જગતની માતા “સ્કંદમાતા” એટલે કે જગદંબાને નકારી શકે નહી.
અહીંયા સ્કંદમાતા “સંતાન”ની કિંમત સમજાવે છે.એક માતાને પોતાનું સંતાન કેટલું વ્હાલું હોય એ વાત સમજાવે છે. એક પરણેલી સ્ત્રી માટે “સંતાનસુખ” એ ઉત્તમસુખ છે. કોઈ પણ દીકરીના વિવાહ થાય ત્યારબાદ એ “માતા” બને છે, કોઈની “મમ્મી” તો કોઇની “માં” તો કોઈની “બા” બને છે. જયારે એક બાળક જન્મે ત્યારે એ સૌથી પહેલા “માં” બોલતા શીખે છે. બાળકને સૌથી વધારે પ્રિય એની માં નો ખોળો હોય છે. બાળક માટે એની માં વાત્સલ્યની મૂર્તિ હોય છે.
દેવી ભાગવતમાં ઋષિ મારંકડેય મુનિ કહે છે કે જયારે એક મનુષ્ય એમ સમજશે કે આ સર્વ જગત જગદંબામય છે એટલે કે આ પૃથ્વી પરના તમામ બાળકો જગદંબાના છે ત્યારે એ દરેકને સમાન દ્રષ્ટિએ જોશે અને દરેક પ્રત્યે એનો ભાવ શુદ્ધ રહેશે.
સિંહાસનગતા નિત્યં પદ્યાશ્રિતકરદ્વયા ।
શુભદાસ્તુ સદા દેવી સ્કંદમાતા યશસ્વિની ॥
જે નિત્ય સિંહાસન બિરાજમાન છે, જેમના બંને હસ્તોમાં કમળ શોભી રહ્યા છે,તે યશસ્વિની સ્કંદમાતા દુર્ગાદેવી સદા કલ્યાણદાયિની હો.
જય બહુચર માં.