આજથી પવિત્ર આસો સુદ નવરાત્રીનો પ્રારંભ થયો.આસોની નવરાત્રીમાં નવદુર્ગાના નવ સ્વરુપોની આરાધના કરવાનું વિશેષ મહત્વ છે.
તો સૌથી પહેલા દુર્ગા કોણ છે ? દુર્ગાનો અર્થ શું થાય ? એ સમજીએ.
દુર્ગા એ સમસ્ત વિશ્વની માતા છે અને દુર્ગાનો અર્થ દુ:ખોને દૂર કરનારી થાય છે. માં દુર્ગાના નવ સ્વરુપો આ પૃથ્વી પરના દરેક જીવનું કલ્યાણ કરે છે. એમાં આજે માતાના પ્રથમ નોરતે માં નું પહેલું સ્વરુપ “શૈલપુત્રી” સ્વરુપનું પૂજન થાય છે.
વંદે વાગ્છિતલાભાય ચંદ્રાર્ધ કૃત શેખરામ ।
વૃષરુઢાં શૂલધરાં શૈલપુત્રી યશસ્વિનીમ્ ॥
શૈલ એટલે પર્વત. પર્વતરાજ હિમાલયના પુત્રી પાર્વતી વૃષભ (નંદી) પર બિરાજમાન છે જેમના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળ છે. તેમનો વર્ણ શ્વેત છે તથા મસ્તક પર અંર્ધચંદ્ર ધારણ કરે છે. શૈલપુત્રીને ઉપનિષદમાં હેમવતી કહ્યા છે. માર્કંડેયપુરાણમાં શૈલપુત્રીને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. મનોવાંછિત લાભ માટે શૈલપુત્રીની આરાધના કરવામાં આવે છે.
હિમાલયની ઉંચાઈ જેમ આંબી શકાતી નથી તેમ આપણા મનની જયોતિ પામી શકાતી નથી. આ મનની જયોતિમાં જે સાત્વિક વિચાર ઉદભવે છે અને તે વિચારને અનુલક્ષીને આપણે જે સાત્વિક કાર્ય કરીએ છે તેનું કારણ માત્ર શૈલપુત્રી છે. આમ કહું તો શૈલપુત્રીને સત્વની જનેતા કહી શકાય. યોગી હોય તે આજના પ્રથમ નોરતે પોતાના મનને મૂલાધારચક્રમાં સ્થિત કરીને યોગસાધનાનો પ્રારંભ કરે છે. શૈલપુત્રી એટલે પાર્વતી જે શિવના અર્ધાંગિની છે તેઓ પૂર્વજન્મમાં સતી સ્વરુપે જ શિવના પત્ની હતા.
ભારતમાં શૈલપુત્રીનું મંદિર કાશી ક્ષેત્રના અલઈપુરમાં આવેલ છે જયાં માતાના મંદિરમાં નિત્ય ત્રણ વાર આરતી કરવામાં આવે છે. શૈલપુત્રીને નૈવેધમાં ગાયના શુદ્ધ ઘીનો ભોગ ધરાવાય છે.
હે માં શૈલપુત્રી ! આપ યશસ્વિની છો. સંપૂર્ણ જગતના આપના બાળકોને યશ અને સુખ આપનારા છો.
બોલો જય અંબે માં.
બોલો જય બહુચર માં.