દુર્ગાદેવી શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કૂષ્માંડા, સ્કંદમાતા જેવા સૌમ્ય અને શીતળ સ્વરુપોથી નારીશકિતનું સૌમ્ય સ્વરુપ દર્શાવે છે પણ જયારે નારીશકિત પર કોઈ આપત્તિ આવી પડે અથવા શકિતના ઉત્પન્ન કરેલા બાળકો પર કોઈ મુશ્કેલી આવી પડે ત્યારે તે દૈત્યોનો નાશ કરવા વિકરાળ બને છે. પૃથ્વી પર જયારે દૈત્ય “મહિષાસુર” નો ત્રાસ વધી ગયો, તે દેવોને હેરાન કરવા માંડયો, યજ્ઞોનો નાશ કરવા માંડયો, ઋષિમુનિઓને પજવવા લાગ્યો ત્યારે દેવીએ પોતાના બાળકોના રક્ષણ માટે મહિષાસુરનો વધ કરવા જે તેજોમય સ્વરુપ ધારણ કર્યું તે “કાત્યાયની” કહેવાયા.
દેવતાઓની પ્રાર્થનાથી દુર્ગાએ “કાત્યાયિની” બનીને મહિષાસુર સામે યુદ્ન કર્યુ.મહિષાસુર સાથે યુદ્ધ કરતા જયારે દેવી થાકયા ત્યારે દેવતાઓએ દેવીને મધનું પાન ખવડાવ્યું. દેવીનો થાક ઉતરતા તરત જ તેમણે “મહિષાસુર” નો વધ કર્યો તેથી “જય આદ્યશકિત” આરતીમાં શિવાનંદ સ્વામી લખે છે કે
“ષષ્ઠી તું નારાયણી મહિષાસુર માર્યો”
કાત્યાયિનીને ચાર ભુજાઓ છે. દેવીના એક હાથમાં કમળ. બીજા હાથમાં ચંદ્રહાસ નામક તલવાર, ત્રીજો હાથ અભયમુદ્રામાં અને ચોથો હાથ વરમુદ્રામાં છે. દેવી સિંહે સવાર થાય છે. યોગી ષષ્ઠી નોરતે પોતાનું મન “આજ્ઞાચક્ર’માં સ્થિર કરે છે. પૌરાણિક માન્યતા અનુસાર ઋષિ કાત્યાયનીના તપથી પ્રસન્ન થઈ દેવી તેમના ઘરે દીકરી રુપે અવતર્યા તેમનું નામ ઋષિએ દેવીના નામ પરથી “કાત્યાયની” રાખ્યું.
શ્રી કૃષ્ણને પતિ તરીકે પામવા વ્રજની ગોપીઓએ કાલિન્દી યમુનાના કિનારે માં “કાત્યાયની” ની આરાધના કરી હતી. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપનારી “કાત્યાયની” દેવીની પૂજા છઠ્ઠા નોરતે કરવામાં આવે છે. “કાત્યાયની” ના ચરણોમાં સર્વ સમર્પિત કરનારને દેવી સર્વસ્વ આપી દે છે.
એક સ્ત્રીની પ્રકૃતિ કોમળ હોય છે પણ સ્ત્રી પર જયારે સંકટ આવી પડે,સ્ત્રીને પોતાના બાળકોનું, પતિનું કે પરિવારનું રક્ષણ કરવું હોય ત્યારે પોતાની અંદર રહેલી શકિત તેમજ તેજ પ્રગટ કરી નકારાત્મક શકિતઓ કે કળિયુગના રાક્ષસો સામે લડવું જોઈએ અને દરેક સ્ત્રીએ “કાત્યાયની” થવું જોઈએ.
ચંદ્રહાસોજ્જવલકરા શાર્દૂલ વરવાહના ।
કાત્યાયની શુભં દદ્યાદેવી દાનવઘાતિની ॥
જેમના હસ્ત ઉજ્જવળ તલવાર ( ચંદ્રહાસા નામની તલવાર ) થી શોભે છે તથા શ્રેષ્ઠ સિંહ જેમનું વાહન છે તે અસુરસંહારિણી દુર્ગાદેવી કાત્યાયની અમને મંગળ પ્રદાન કરો.
જય બહુચર માં.