દુર્ગાના શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રધંટા, કૂષ્માંડા, સ્કંદમાતા પાંચ સૌમ્ય અને શીતળ સ્વરુપો બાદ “મહિષાસુર” નો વધ કરવા માટે દેવી તેજોમય અને વિકરાળ બનીને “કાત્યાયની” સ્વરુપ ધારણ કરે છે. મહિષાસુરનો વધ કર્યા બાદ “શુંભ-નિશુંભ” નામના રાક્ષસો દેવીને પામવા માટે પોતાના મંત્રી દ્વારા સંદેશો મોકલે છે ત્યારે દેવી કહે છે કે “મને પામવા માટે મારી સાથે યુદ્ધ કરો અને મને જીતીને લઈ જાઓ”
શુંભ-નિશુંભ પોતાના સેનાપતિઓ ચંડ-મુંડને દેવી સાથે યુદ્ધ કરવા મોકલે છે ત્યારે દેવી ક્રોધે ભરાઈને અતિભયંકર સ્વરુપ ધારણ કરે છે તે “કાલરાત્રિ”. દેવી કાલિકા બનીને અતિભયંકર ગર્જના કરે છે જેનાથી સમગ્ર રાક્ષસો ભયભીત થઈ જાય છે. કાલિકા ચંડ-મુંડનો વધ કરે છે તેથી તે “ચામુંડા” નામે વિખ્યાત થાય છે.શુંભ-નિશુંભ ચંડ-મુંડના વધથી ડઘાઈને રકતબીજ નામના મહાભયંકર રાક્ષસને દેવી સાથે યુદ્ધ કરવા રણસંગ્રામમાં મોકલે છે ત્યારે દેવી રકતબીજનો અંગોનું છેદન કરીને અટ્ટહાસ્ય કરીને તેનું “રકતપાન” કરે છે તથા તેનો વધ કરે છે.
કાલરાત્રિના એક હાથમાં ખડગ અને બીજા હાથમાં તિક્ષ્ણ લોહ અસ્ત્ર છે. ત્રીજો હાથ અભયમુદ્રામાં અને ચોથો વરમુદ્રામાં છે. દેવી ગર્દભ પર સવારી કરે છે. “અભયપદ” આપનારી કાલરાત્રિનું પૂજન નવરાત્રીના સાતમા નોરતે થાય છે. યોગી આ દિવસે પોતાનું મન “સહાર” ચક્રમાં સ્થિર કરે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર શનિ ગ્રહનું સંચાલન કાલરાત્રિ કરે છે. ભૂત-પ્રેત,મેલી વસ્તુઓ,નકારાત્મક શકિતઓનું ભક્ષણ “કાલરાત્રિ” કરે છે અને પોતાના બાળકને તમામ ભયોમાંથી મુકત કરીને “અભય” બનાવે છે.
સંસારની તમામ સ્ત્રીઓનું અહીંયા કંઈક આવું જ છે. મહિષાસુર નામની મહામુશ્કેલી હજી ટળી નથી ત્યાં અન્ય મુશ્કેલીઓ આવીને ઉભી રહે છે.આ અન્ય મુશ્કેલીઓથી ગભરાવવાનું નથી પણ “કાલરાત્રિ” ની જેમ અતિભયંકર બનીને તે મુશ્કેલીઓનું ભક્ષણ કરવાનું છે અને અભય તથા નિડર બનવાનું છે કારણકે એક સ્ત્રી જયારે ક્રોધ ભરાય છે ત્યારે બધું જ ખેદાનમેદાન કરી નાંખે છે.
“હે કાલિકા ! માં તારા તમામ બાળકો સાતમના નોરતે તારા ચરણોનુ ધ્યાન ધરીને “અભય” થાય એવી મારી પ્રાર્થના.
કરાલરૂપા કાલાબ્જસમાનકૃતિ વિગ્રહા ।
કાલરાત્રિ: શુભં દધાદ્ દેવી ચંડહાટ્ટહાસિની ॥
જેમનું રૂપ વિકરાળ છે,જેમનો આકાર અને દેહ શ્યામ કમળ સમાન છે તથા ભયાનક અટ્ટહાસ્ય કાલરાત્રિ દુર્ગાદેવી અમને મંગલ પ્રદાન કરો.
જય બહુચર માં.