28 C
Ahmedabad
Friday, September 20, 2024

જાણો રથયાત્રા કેમ નીકળે છે ? શું છે રથયાત્રાનું મહત્વ ?

આપણે ઈશ્વરને મળવા જઈએ ત્યારે યાત્રા કરવા જઈએ છે એમ કહીએ છે પરંતુ ઈશ્વર જાતે રથમાં બેસીને એમના ભકતોને મળવા આવે એને રથયાત્રા કહેવાય.

ઈ.સ ૧૮૭૬ માં મહંત શ્રી નૃસિંહદાસજીએ અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત કરી જેને આ વર્ષે ૧૪7 વર્ષ થશે.એ સમયે ભરૂચના ખલાસ જાતિના શ્રદ્ધાળુઓએ નારિયેળના ઝાડમાંથી રથ બનાવ્યા અને ભગવાનનો રથ ખેંચવાની સંપૂર્ણ જવાબદારી તેમણે સ્વીકારી હતી.

સૌ પ્રથમ ભગવાનની રથયાત્રા બળદગાડામાં નીકળતી હતી પણ સમયાનુસાર રથને મજબૂત પૈડા અને સ્ટેરીંગ વગેરેથી ટકાઉ બનાવવામાં આવ્યા.અત્યારે જે ભગવાનના રથ છે તે ૭૦ વર્ષ જૂના છે.

ખલાસ જાતિના શ્રદ્ધાળુઓ ભગવાનના રથને ખેંચવા માટે અમદાવાદના અનેક વિસ્તારમાંથી તથા વડોદરા, સુરત, ભરૂચ એમ ગુજરાતના અનેક નાના મોટા શહેરો તથા ગામડાઓમાંથી આવી પહોંચે છે.

ભારતમાં જગન્નાથ પુરીમાં ભવ્ય રથયાત્રા નીકળે છે જે ૧૫ દિવસ સુધી ચાલે છે. આ ઉપરાંત અનેક શહેરોમાં આ જ દિવસે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે.

ગુજરાતમાં અમદાવાદનાં જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે. એ સિવાય વડોદરામાં તથા સુરતમાં ઇસ્કોન દ્વારા આયોજીત થતી રથયાત્રા, પાટણમાં તથા નાના મોટા અનેક શહેરોમાં રથયાત્રા નીકળે છે.

રથયાત્રાની વિવિધ લોકકથાઓ તથા વાર્તાઓ પૌરાણિક ઈતિહાસમાં મળે છે. પરંતુ મને હ્રદયસ્પર્શી કોઈ વાર્તા ગમતી હોય તો ભકત અને ભગવાનની છે.

ભારતના ઓરિસ્સામાં આવેલ જગન્નાથપુરીમાં શ્રી માધવદાસજી નામે ભગવાન જગન્નાથના પરમ ભકત હતા. તેઓ નાનપણથી જગન્નાથજીના મંદિરે જતા અને ભગવાન જગન્નાથને પોતાના મિત્ર માનતા.

ભગવાન સાથે એમને એવો લગાવ થઈ ગયો હતો કે તેઓ બાળક ભાવે જગન્નાથ સાથે રમતા,વાતો કરતા અને જગન્નાથ પણ માધવજી સાથે લીલા કરીને અનેક ચમત્કારો બતાવતા.માધવજીએ એમનું જીવન જગન્નાથને જ સમર્પિત કરી દીધું હતું તેથી તેમણે સંસાર પણ માંડયો નહોતો.

એકવાર માધવદાસજીને તાવ આવ્યો અને ખૂબ જ ઝાડા-ઉલટી થઈ ગયા તોય તેઓ તેમનું કાર્ય જાતે કરતા.રોગ એટલો વધી ગયો કે તેઓ હવે પથારીમાંથી ઉભા પણ નહોતા થઈ શકતા.આજુબાજુમાં રહેતા કેટલાક લોકોએ એમને વૈધ પાસે લઈ જવાનુ તથા તેમની સેવા કરવા માટે તેમને કહ્યું પણ માધવદાસજી પથારીમાં સૂતા સૂતા જાણે સિંહ ગર્જના કરે એમ બોલ્યા કે “ના હોં, મારા માટે તો મારો જગન્નાથ આવશે. તમે લોકો જાઓ અને આખા જગતનો નાથ જગન્નાથ આયો હોં.

ભગવાન પોતાના ભકત માધવદાસજીની સેવા કરવા એક સેવક બનીને આવ્યા.માધવદાસજીનો રોગ એટલો વધી ગયો હતો કે તેઓ હવે પથારીમાં જ મળ-મૂત્ર ત્યાગી દેતા અને સેવક બનીને આવેલા જગન્નાથજી એમના મળ-મૂત્રને સાફ કરતા.તેમના ગંદા કપડા ધોતા અને તેમના આખા ગંદા શરીરને પાણીથી સ્વચ્છ કરીને નવડાવતા.

માધવદાસજી થોડા સ્વસ્થ થયા અને સેવકના રૂપમાં આવેલા જગન્નાથજીને ઓળખી ગયા.માધવજીએ કહ્યું હે જગન્નાથ ! તમે મારી જેટલી સેવા કરી છે એટલી તો કોઈ સગો પણ ના કરે પણ તમે તો ભગવાન છો તમે ઈચ્છતા તો મારો રોગ ચપટીમાં મટાડી શકો એટલા સમર્થ છો તોય તમે કેમ મારી સેવા કરી ?

ત્યારે ભગવાન જગન્નાથજીએ કહ્યું કે હે માધવદાસ ! મનુષ્યએ પોતાના પ્રારબ્ધમાં લખેલું કર્મ અહીંયા જ ભોગવવાનું હોય છે અને તારા પ્રારબ્ધમાં આ રોગ લખ્યો હતો અને જો હું તારો રોગ દૂર કરી દેતો તો તારે આ રોગ ભોગવવા માટે બીજી વાર કોઈ યોનિમાં જન્મ લેવો પડતો અને હું નહોતો ઈચ્છતો કે તું ફરીથી જન્મ મરણના બંધનમાં બંધાય.તું મને એટલો પ્રિય છે કે મારે તને મોક્ષ આપી કાયમ મારી સાથે રાખવો છે.

જગન્નાથજી હાસ્ય રેલાવતા આગળ કહે છે કે તે ૧૫ દિવસનો રોગ ભોગવ્યો છે અને હજી તારો ૧૫ દિવસનો રોગ ભોગવવાનો બાકી છે જે તારા બદલે હું ભોગવીશ.સમજયા એટલે આપણો જગન્નાથ પંદર દિવસ બીમાર રહે છે અને એ સાજો થઈ જાય એટલે એના ભકતોને દર્શન આપવા રથમાં બેસીને યાત્રા કરે છે જેને આપણે રથયાત્રા કહીએ છે.

હું નાનો હતો ત્યારે મારી મમ્મી મને કંઈક આવી વાર્તા કહેતી કે કૃષ્ણ, બલરામ અને બહેન સુભદ્રા મામાના ધરે વેકેશન કરવા ગયા હતા. ત્યાં આ ત્રણે જણા બહુ જ જાંબુ ખાઈ ગયા તેથી ત્રણેને આંખો આવી ગઈ અને તાવ પણ આવ્યો.

મામાના ધરેથી પાછા આવ્યા ત્યારબાદ તેઓએ સાજા થવા માટે ફળો આરોગ્યા અને ઉકાળો પીધો પણ જયારે મગ આરોગ્યા ત્યારે આ ત્રણે સાજા થઈ ગયા અને ભકતોને ચિંતામુકત કરવા રથમાં બેસીને દર્શન આપવા નીકળ્યા જેને રથયાત્રા કહેવાય.

બોલો જય રણછોડ માખણચોર

જય બહુચર માં.

Related Articles

Stay Connected

1,566FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page