સંવત ૧૩૬૬ ની સાલમાં ( ઈ.સ ૧૩૦૯ ) માં મારવાડના મારુચારણની દેથા શાખામાં એક ઉજળું ગામ હતું. તે ગામમાં શ્રી બાપલ દેથા નામે એક ચારણ કવિ રહેતા હતા. તેઓ હિંગળાજ માતાના અને બાલા ત્રિપુરા સુંદરી બહુચર માતાના અનન્ય ભક્ત હતા.
આદિ પરાશક્તિ જગદંબાનું બાળ સ્વરૂપ બહુચર માતા યુગોયુગો પહેલા પ્રગટ થયા હતા.ચુંવાળમાં બાળા સ્વરૂપે માં બહુચરને પ્રગટ થયાને એક અબજ એસી કરોડ બાર લાખ બોતેર હજાર સાતસો ચાર વર્ષ થયા તેમ સ્કંદપુરાણમાં ધર્મારણ્યની કથામાં ઉલ્લેખ છે.
શ્રી બાપલદેથા હિંગળાજ માતા અને બહુચર માતાના છંદો-પદો-કવિતા-ભજનો વગેરે ગાતા હતા.ગામે ગામે ફરીને લોકડાયરા કરતા હતા. શ્રી બહુચર માતાની ચુંવાળમાં ઉત્પત્તિ થયાની વાત સર્વજનોને રૂડા પદોના આધારે ડાયરો કરીને જણાવતા હતા.
એકવાર તેઓ ફરતા ફરતા કાઠિયાવાડમાં વલ્લભીપુર શિહોર થઈને તળાજા ગામે ઘોડાના વેપાર અર્થે આવ્યા હતા. તળાજાના ગોહિલ રાજા મોખડાજી ગોહિલે બાપલ દેથાના કંઠેથી હિંગળાજ માતા અને બહુચર માતાના પદો છંદો સાંભળ્યા. ગોહિલ રાજા બાપલ દેથાની ઉત્તમ કળાથી પ્રસન્ન થયા હતા અને તેમને ભેટ રુપે એક ગામ આપ્યું જેનું નામ “બાપલકા” થયું હતું.
શ્રી બાપલ દેથા ચારણના ધર્મપત્નીનું નામ શ્રી દેવલબાઈ હતું. તેમની કૂખે ત્રણ દીકરીઓનો જન્મ થયો હતો.જેમનું નામ બુટ,બલાડ અને ત્રીજી દીકરીનું નામ બહુચર માતાના નામ પરથી બહુચર જ રાખ્યું હતું.
એકવાર ત્રણેય દીકરીઓ પોતાની માતા સાથે ખારોડા જતા હતા. રસ્તામાં મકરાણીઓએ મોરચો બાંધ્યો હતો.ત્રણેય યુવાન દીકરીઓને જોઈને મકરાણીઓની દાનત બગડી હતી. જેવા મકરાણીઓએ આ ત્રણેય દીકરીઓ અને માતા દેવલબાઈ પર હુમલો બોલ્યો.તે ત્રણેય દીકરીઓ સહિત માતા દેવલબાઈ “સિંહણ” ની જેમ મકરાણીઓ પર હુમલો કર્યો હતો.
દેવલબાઈ તથા ત્રણેય દીકરીઓએ મકરાણીઓને એવા માર્યા કે અડધાએ ત્યાં જ પ્રાણ ત્યાગ કર્યા તો અડધા ડરીને ભાગી ગયા હતા.બીજા જે ઘાયલ પડયા હતા તેઓએ પગે પડીને માફી માંગી અને સોગન લીધા કે આજ પછી અમે કોઈ પણ ચારણની દીકરી પર દાનત નહી બગાડીએ…આ કથા કયારેક ગઢવીઓના ( ચારણો ) સ્વરમાં સાંભળજો. તમારા રૂંવાટા ઉભા થઈ જશે.
આ બાજુ બાપલદેથા કાઠિયાવાડમાં એકલા રહીને તેમનું ગુજરાન ચલાવતા હતા. પત્ની દેવલબાઈની સદગતિ થતા તેમણે ત્રણેય દીકરીઓને બાપલકા બોલાવી લેવા તેમના કેટલાક માણસોને મોકલ્યા હતા. તે માણસો કાઠિયાવાડથી ઉજળા ( આજનું ધોળકા ) આવ્યા હતા.
શ્રી બાપલ ચારણના માણસો તેમની દીકરીઓ “બુટ,બલાડ અને બહુચર”ને સાથે લઈને ઘોડેસવાર થઈને “બાપલકા” ગામ જવા નીકળ્યા હતા.ત્યાં રસ્તામાં ચુંવાળ પ્રદેશ આવ્યો.આ ચુંવાળ પંથકમાં ચુંવાળિયા કોળીનો ખૂબ ત્રાસ હતો.તેઓ ધોળે દિવસે પણ રસ્તે જનાર માણસોને લૂંટી લેતા હતા. તેમાંય ચુંવાળના મુખ્ય લૂંટારુંઓ બાપૈયા અને મેખાથી આખુ ગામ ડરે તેવો તેમનો ત્રાસ હતો.
બાપૈયા અને મેખા ચુંવાળમાંથી નીકળેલી આ ત્રણેય દીકરીઓ પાસે આવ્યા હતા. મોટી દીકરી બુટ બોલી કે અમે શ્રી બહુચર માતાના પરમ ભક્ત બાપલ દેથા ચારણની દીકરીઓ છે.તમે અમારો રસ્તો રોકશો નહી. અમને પજવશો નહી.
આ બંને લૂંટારા ત્રણેય દીકરીઓની મશ્કરી કરવા લાગ્યા હતા તેથી સૌથી નાની ચારણ દીકરી બહુચર બોલી કે “અમારી માતા બહુચરાજી યુગો પહેલા અહીં ચુંવાળ પંથકમાં બિરાજમાન છે જે વરખડી નીચે બેઠી છે તમે તેનાથી ડરો”.
આ બધી વાત સાંભળતા પણ પાપીઓ એમની મતિ છોડે નહી તેથી લૂંટારો મેપો એમ બોલ્યો કે ” મને તારા ………. ( એક માતા પોતાના તાજા જન્મેલા બાળકને દૂધ પીવડાવે તે ભાગ ) નો ભાગ ગમી ગયો છે તે મને આપી દે.
ચારણની સૌથી નાની દીકરી બહુચર આ સાંભળતા જ ક્રોધે ભરાઈ હતી.તેણે ત્રાગું કર્યુ હતું. ( એ ભાગ જ કાપી નાખ્યો અને મેપા લૂંટારા સામે ધરી દીધો ) નાની દીકરી બહુચરે ત્રાગુ કર્યુ જોઈને બુટ અને બલાડ એમ બંને મોટી દીકરીઓએ પણ ત્રાગું કર્યુ હતું.
ત્રણેય દીકરીઓએ ત્રાગુ કર્યુ જોઈને બાપૈયો લૂંટારો ત્રણેય દીકરીઓના ચરણમાં પડી ગયો અને માફી માંગવા લાગ્યો.હજી મેપો લૂંટારો એના અહંકારમાં મદમસ્ત જ હતો તેથી નાની ચારણ દીકરી બહુચરે મેપાને શ્રાપ આપ્યો કે “તું પાવૈયો ( નપુંસક ) થા”.
મેપો હવે ડરીને થર થર ધ્રૂજવા લાગ્યો હતો.તેણે ચારણની દીકરી બહુચરને માફી માંગવા લાગ્યો હતો. તેથી ચારણની દીકરી બહુચર બોલી કે ” અહીંયા ચુંવાળ પંથકમાં જગદંબા આદિ પરાશક્તિનું બાળા સ્વરૂપ બહુચર વરખડીના ઝાડ નીચે સ્વયંભૂ પ્રગટ થયા હતા.
ભંડાસૂરનો પુત્ર દંઢાસૂર દૈત્ય અહીં પાણી પાણી કરતો તરસ્યો આવ્યો ત્યારે બાળા બહુચરે પગની ટચલી આંગળી જમીન પર અડાવીને સજીવન માનસરોવર પેદા કર્યુ હતું. તે દંઢાસૂર રાક્ષસની દાનત બગડતા તેને દેત્રોજ પાસેના કુકવાઈ ગામે તેનો વધ કર્યો હતો.
આ જ સજીવન માનસરોવરમાં સ્નાન કરવાથી સંવત્ ૭૮૭ માં કાલરી રાજાના પુત્ર તેજપાલ સોલંકી નારીમાંથી નર બન્યો હતો. તેથી આ સજીવન માનસરોવરને પૂરાવીને તેજપાલ સોલંકી જે બહુચરાજીનું દેરું બનાવ્યું છે ત્યાં તું બેસીને માતાની ઉપાસના કર. તારો ઉદ્ધાર થશે.તેમ કહી ચારણની સૌથી નાની દીકરી બહુચરનો આત્મા બહુચર માતાના ચરણોમાં વિલીન થયો.અર્થાત્ ચારણ દીકરી બહુચરે ત્યાં જ દેહત્યાગ કર્યો. મોટી બેન બુટે અરણેજમાં દેહત્યાગ કર્યો હતો અને બલાડે બાપલકા ગામે પહોંચીને દેહત્યાગ કર્યો હતો
દેથા ચારણોમાં આજે પણ લગ્ન પ્રસંગે મોડિયો અને ચૂંદડી બહુચરાજી મોકલવાનો રિવાજ છે.શ્રી બાલા બહુચર માતાના વ્હાલા બાપલ દેથા ચારણ અને તેમની ત્રણ દીકરીઓ બુટ,બલાડ અને બહુચરની શ્રી બાલા બહુચર માતા પ્રત્યેની આ શ્રદ્ધા અને ભક્તિ આજે પણ ભૂલાય તેમ નથી.
કવિ શ્રી દેવીદાનભાઈ બારોટ ( જૂનાગઢ ) તેમની લખેલી પુસ્તકમાં બાપલ દેથાની ચોથી પુત્રી બાલ્વી માતાનો ઉલ્લેખ કરે છે જે અંગે મને મારા વાંચક બેને ધ્યાન દોર્યું હતું.જો બાલ્વી માતા પણ બાપલ દેથાના પુત્રી હોય તો તો મારે મન બુટ,બલાડ,બહુચર,બાલ્વી આ તમામ પૂજનીય છે.
જય બહુચર માં.