સત્ય ઘટના પર આધારિત…
આશરે સાડા ત્રણસો વર્ષ પહેલા મૂળ રાજસ્થાનના વતની વિલોચનજી વેપાર અર્થે પોતાના પરિવાર સાથે ગુજરાતના રાજનગર (અમદાવાદ ) આવીને વસ્યા હતા. તેઓ બાળા ત્રિપુરા સુંદરી બહુચર માતાના પરમ ભક્ત હતા. તેઓ રોજ સવારે બહુચર માતાના દર્શન કરવા જતા હતા.
એકવાર ધર્મથી વિમુખ થયેલા કેટલાક નીચ પ્રકૃતિના લોકોએ વિલોચનના ફૂલો પર થૂંકીને તેમના ફૂલોને અભડાવ્યા હતા. તેઓ દુ:ખી થઈને બહુચર માતાના મંદિરના ઓટલે બેઠા હતા.તેવામાં તેમનો ભેટો પરમ તેજસ્વી બ્રાહ્મણ શ્રી વલ્લભ ભટ્ટજી સાથે થયો હતો. શ્રી વલ્લભ ભટ્ટજીએ વિલોચનને પૂછયું કે તમે દુ:ખી કેમ છો ?
વિલોચનજીએ ભટ્ટજીને સમગ્ર વ્યથા વર્ણવતા કહ્યૂં કે હું રાજસ્થાનથી ગુજરાત અહીં વેપાર અર્થે મારા પરિવાર સાથે આવ્યો છું. અનેક પ્રકારના વેપાર કરી ચૂકયો છું પણ મારે દરેક વેપારમાં નુકસાન વેઠવું પડે છે. હું મારા નિત્ય કર્મ મુજબ રોજ બહુચર માતાના મંદિરે ફૂલો લઈને માતાજીના દર્શન કરવા આવું છું પણ આજે કેટલાક વિધર્મીઓએ મારા ફૂલો પર થૂંકીને તે ફૂલોને અભડાવ્યા તેથી આજે તે ફૂલોને હું માતાજીને ચડાવી શક્યો નહી તેથી ઘણો દુ:ખી થઈ ગયો છું.
શ્રી વલ્લભ ભટ્ટજીએ વિલોચનની વ્યથા સાંભળીને કહ્યું કે આપ અહીંથી સો કિલોમીટર દૂર ચુંવાળ પંથકમાં વરખડીના ઝાડ નીચે બિરાજમાન આદિ પરાશક્તિ જગદંબાના બાળ સ્વરૂપના બહુચર માતાના એકવાર દર્શન કરી આવો. ત્યાં બેસીને માતાજીનું ધ્યાન ધરો.આનંદના ગરબા કરો. આપની વ્યથા બહુચર માતા ચોકક્સ દૂર કરશે.
શ્રી વલ્લભ ભટ્ટજીના માર્ગદર્શન મુજબ વિલોચનજીએ ચુંવાળ બહુચરાજીમાં વરખડીના ઝાડ નીચે બહુચરાજી માતાના ગોખ પાસે કેટલાય દિવસો સુધી આનંદના ગરબાના અનુષ્ઠાન કર્યા. માં બહુચરે વિલોચનજીને સાક્ષાત્કાર કરાવ્યો. વિલોચનજીને ખૂબ જ આનંદ થયો.
ત્યારબાદ વિલોચનજી અમદાવાદ આવ્યા હતા. તેમણે તેમના મિત્ર વલ્લભ ભટ્ટજીને સમગ્ર વાત જણાવી હતી. વિલોચનજીએ બહુચર માતાનું નામ દઈને ફરીથી તેમનો વેપાર શરૂ કર્યો હતો.
એક દિવસ વિલોચનજીને પીઠ પર મોટું ગૂમડું થયું હતું. તેમણે ઘણા બધા વૈધ અને હકીમોને બતાવ્યું પણ ઘણી દવા કરવા છતાં ગૂમડું મટતું નહોતું. તેઓ કંટાળીને શ્રી વલ્લભ ભટ્ટજીને મળવા ગયા હતા.
ભટ્ટજીએ વિલોચનને ઉપાય બતાવતા કહ્યું કે નગર બહાર એક ઝાડ છે તેના મૂળિયા ઉખાડીને તેનો લેપ લગાવીશ તો આ ગૂમડું મટી જશે. તેઓ બંને મિત્રો તે ઝાડને ઉખાડવા ગયા. વિલોચને કોદાળી મારીને ઝાડને મૂળિયામાંથી ઉખાડી કાઢયું. ઝાડ જમીન પર પડયું.
વિલોચનને ત્યાં નીચે કંઈક દેખાયું. તેણે ત્યાં થોડી માટી ખેડી તો જમીનની નીચેથી તેને ધનનું ચરું મળ્યું. વિલોચનજી આ ધનનું ચરું જોઈને ખુશખુશાલ થઈ ગયા હતા. તેમણે હાથમાં ધનનું ચરું લઈને વલ્લભ ભટ્ટજી આગળ ધરીને કહ્યું કે આ ચરુંને આપ સ્વીકારો. આ ચરું આપના કહેવાથી ને અહીં આવવાથી મળ્યું છે.
શ્રી વલ્લભ ભટ્ટજીએ કહ્યું કે આ ધનનું ચરું આપના નસીબનું છે જેને તમારે જ રાખવાનું છે. આમ શ્રી બહુચર માતાની કૃપાથી વિલોચનજીને અખૂટ ધન સંપત્તિ પ્રાપ્ત થયા અને તેઓ સમૃદ્ધ બન્યા હતા. તેમને ઝાડના મૂળિયાનો લેપ લગાવવાથી થોડા દિવસમાં ગૂમડું પણ.મટી ગયું હતું.
આ આખો ચમત્કારીક પ્રસંગ ઈતિહાસના પાનાઓમાંથી શોધીને સરળ રીતે લખ્યો છે. સ્વ શ્રી બિંદુ ભગતજીએ લખેલ શ્રી બહુચર બાવનીમાં આ ચમત્કારિક ઘટનાને તેમણે બે લીટીમાં વર્ણવી છે કે
વિલોચનનું દુ:ખ હર્યું,જયાં માજીનું ધ્યાન ધર્યું.
ધન-સંપત્તિ પ્રેમે દીધી,મન વાંછના ત્યાં પૂરી કીધી.
જય બહુચર માં.