28 C
Ahmedabad
Friday, September 20, 2024

“દીકરીની ગર્ભમાં જ હત્યા કરવી તે સૌથી મોટું પાપ છે”

મારી પાસે જયારે ઘણી મહિલાઓ જન્મકુંડળી બતાવવા આવતી હોય છે ત્યારે પૂછતી હોય છે કે અમારે સંતાનમાં દીકરી આવશે કે દીકરો ? આમ પૂછે એટલે સૌથી પહેલા હું મંતવ્ય જાણતો હોઉં છું. હું પૂછું છું કે દીકરી આવશે તો ? તો શું તમે તેને સ્વીકારશો નહી ?

ઘણી મહિલાઓને સંતાન દીકરી આવે કે દીકરો આવે તેઓ સહજતાથી સ્વીકારે છે પણ ઘણી મહિલાઓ,તેમની સાસુ અને તેમના પરિવારજનો દીકરી કરતા દીકરો આવે તેમ વધારે ઈચ્છતા હોય છે તેથી જો ગર્ભમાં દીકરી હોય તો તેને પડાવી નાંખતા હોય છે. આવી મહિલાઓને હું તેમનું મંતવ્ય જાણ્યા પછી કયારેય પણ જણાવતો નથી કે દીકરી આવશે કે દીકરો ? કુંડળી જોવાની ફી પણ લીધી હોય તો પાછી આપીને રવાના કરી દઉં છું.

હકીકતમાં ગર્ભપરીક્ષણ કરવું તે કાયદેસરનો ગુનો બને છે તેમ ભારત સરકારે જાહેર કર્યુ હોવા છતાં અમુક નાના શહેરોમાં કે ગામડાઓમાં હજીય કેટલાક ડૉકટરો પૈસા કમાવવાની લાલચમાં ગર્ભપરીક્ષણ કરીને દીકરી છે કે દીકરો છે તેમ કહી આપતા હોય છે અને જો ગર્ભમાં દીકરી હોય તો તેની ભ્રૂણહત્યા પણ કરતા હોય છે. આવા ડૉકટરો અને દીકરીઓની ભ્રૂણહત્યા કરનારા લોકો સૌથી મોટું પાપ કરી રહ્યા છે જેની સજા ગરુડ પુરાણમાં વર્ણવેલી છે.

દીકરીઓની ભ્રૂણહત્યા કરવા બાબતે ગરુડ પુરાણમાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે જે લોકો દીકરીઓની ભ્રૂણહત્યા કરે છે તે લોકોને નર્કમાં લોખંડના સળિયા પર બાંધીને આગના કૂવામાં ફેંકવામાં આવે છે ત્યારબાદ આ લોકોને પૃથ્વી પર અનેક યોનિઓમાં જન્મ લેવો પડે છે. આ લોકો પૃથ્વી પર આ સંસારના સુખદુ:ખના ચકરડામાં ફર્યા જ કરે છે તેમનો કયારેક મોક્ષ થતો નથી.

અશ્વત્થામાએ ઉત્તરાના ગર્ભ પર બ્રહ્માસ્ત્ર ચલાવ્યું હતું ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને અશ્વત્થામાને શ્રાપ આપ્યો હતો કે તું આ પૃથ્વી પર ભટકયા જ કરીશ અને આજે પણ ચિરંજીવી થઈને અશ્વત્થામા આ પૃથ્વી પર ભટકયા કરે છે.

આવા ડૉકટરો અને દીકરીઓને પડાવી નાંખતી મહિલાઓ પૃથ્વી પર અનેક યોનિઓમાં જન્મ લઈને દુ:ખ અને માત્ર દુ:ખ જ ભોગવવું પડે છે.

ભારતમાં દીકરીઓની ઘટતી જતી સંખ્યામાં માતા-પિતા/પરિવારની રૂઢીચુસ્ત વિચારધારા અને સૌથી વધુ સમજુ અને ભણેલા ગણેલા ડૉકટરોની પૈસા કમાવવાની લાલચ જવાબદાર છે. ડૉકટરો દીકરીઓનું અબોર્શન કરવા માટેના અધધધ રૂપિયા લેતા હોય છે અને પાછા આ ડૉકટરોએ આ કામ માટે ખાસ એજન્ટોએ રાખેલા હોય છે.

કોઈ દીકરીઓની ભ્રૂણહત્યા કરીને તમે ગમે તેટલા દેવદેવીઓ પૂજે કે માતાજીના મંદિરોમાં દર્શન કરવા જાવ કે પછી ઘરે માતાજીના ગોખ બનાવીને યંત્રો લાવીને પૂજન કરે એ બધુય વ્યર્થ છે.

કોઈનું ભાગ્ય સારું હોય તો તેને ઘરે સંતાનમાં દીકરો આવે છે પણ જેના સો વખત ભાગ્ય સારા હોય તેને ત્યાં સંતાનમાં દીકરી આવે છે તેથી તમે જોજો લગ્ન વખતે દીકરીના કાનમાં કહેતા હોય છે કે “સૌભાગ્ય વતી ભવ”: ।

દીકરી વ્હાલનો દરિયો, દીકરી મારી લાડકવાયી, દીકરી કાળજાનો કટકો, દીકરી બચાવો અભિયાન વગેરે જેવા સોશીયલ મીડીયામાં અભિયાન ચલાવીને સામાજિક સેવા કરનારા ભાઈબંધુઓને મારા નતમસ્તક નમસ્કાર છે.

હું આ લેખ દ્વારા સમાજને બે હાથ જોડીને એટલું કહેવા માંગું છું કે મહેરબાની કરીને દીકરીઓની ભ્રૂણહત્યા ના કરશો. આજે દરેક સમાજમાં ૧૦૦૦ દીકરા સામે ૫૦૦ દીકરીઓ છે. દીકરીઓની અછત ના કારણે બીજા ૫૦૦ દીકરાઓ વાંઢા રહી જતા હોય છે.

ઈશ્વરે મનુ નામનો પુરુષ અને ષ્ય નામની પ્રકૃતિનું જોડાણ કરીને “મનુષ્ય” બનાવ્યો છે તો ઈશ્વરના આ નિર્માણકાર્યની ચેનને રોકશો નહી. ઈશ્વરના કાર્યમાં વિઘ્ન નાંખશો નહી તેવી મારી આ સમાજને વિનંતી છે કારણકે પુરુષ વગર પ્રકૃતિ અધૂરી છે ને પ્રકૃતિ વગર પુરુષ અધૂરો છે.

જય બહુચર માઁ.

Related Articles

Stay Connected

1,566FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page