29 C
Ahmedabad
Thursday, September 19, 2024

ભગવાન પુરુષોત્તમની પ્રેરણા…

આપ સર્વેજનોએ પુરુષોત્તમ મહિનાની ઘણી કથાઓ – વાર્તાઓ વાંચી હશે. પુરાણો અનુસર આપ સૌ જાણો છે કે બાર મહિના ઉપર એક અધિક મહિનો આવે તેને મળ માસ ગણવામાં આવ્યો છે. મળ માસને કોઈએ ના સ્વીકાર્યો ત્યારે શ્રી હરિ વિષ્ણુ પુરુષોત્તમ ભગવાને તેમને સ્વીકારીને આશીર્વાદ આપ્યા તથા એવું પણ વચન આપ્યું કે જે આ મહિનામાં દાન, જપ, તપ, વ્રત કરશે તેને અધિક ગણું ફળ મળશે. આ વર્ષો પુરાણી ગ્રંથો આધારિત વાત ઘણા ન્યૂઝપેપરોમાં, મેગેઝિનોમાં તથા સોશીયલ મીડીયામાં કોપી પેસ્ટ કરતા ટ્રેન્ડરોના બ્લોગ પર આપ સૌએ વાંચી જ હશે.

ભગવાન શ્રી પુરુષોત્તમને મારે વર્ણવવા છે તો કંઈક આમ રીતે વર્ણવી શકું કે જે પુરુષ “ઉત્તમ” છે તે હકીકતમાં પુરુષોત્તમ છે. તેમના જેવો કોઈ નથી. જેનામાં સર્વને સ્વીકારવાની ક્ષમતા છે તે પુરુષોત્તમ છે.જે સૌને માફ કરી શકે છે તે પુરુષોત્તમ છે. જે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને “ભગવદ ગીતા” કહીને આવનારી પેઢીઓને સુંદર જીવન જીવવાની ચાવીઓનો ઝૂમખો આપી જાય છે તે ભગવાન પુરુષોત્તમ છે.

મારે મન પુરુષોત્તમ પ્રેરણા આપનાર એવું વ્યકિતત્વ છે કે જો તમે એમના જીવન ચરિત્રને એક વાર વાંચી પણ લો ને તો તમારે બીજું કોઈ જ પ્રેરણાદાયક પુસ્તક વાંચવાની જરૂર નથી કે કોઈ જ મોટિવેશનલ સ્પીકરને સાંભળવાની જરૂર નથી.

ભગવાન પુરુષોત્તમ શ્રી કૃષ્ણ કહે છે કે “તમારું દરેક કર્મ એક પ્રાર્થના છે” અર્થાત્ તમે જેમ પ્રાર્થના કરતી વખતે આંખો બંધ કરીને ઈશ્વરના આકારને જુવો છો પછી ભાવવિભોર થઈને જે ખુશી મહેસૂસ કરો છો તેમ દરેક કર્મમાં પ્રાર્થનાની જેમ આનંદ લેતા શીખો તો તમારું કર્મ તમને કઠીન નહી પરંતુ હળવું લાગશે. શ્રી કૃષ્ણ કહે છે કે “મનથી જોડાવાનું છે” જે કર્મ કરો છો તેમાં તમારું પૂર્ણ આપી દો.તમારું કર્મ સર્વશ્રેષ્ઠ સાબિત થશે.તમને તમારા કર્મનો ભારોભાર સંતોષ થવો જોઈએ.

ભગવાન પુરષોત્તમ આગળ કહે છે કે તમને તમારા કર્મનો પૂર્ણ સંતોષ થયા પછી કોઈના અભિપ્રાયની પરવાહ ના કરશો કારણકે કોઈને તમારું કર્મ ગમશે તો કોઈને અણગમો થશે. બધા પોત-પોતાના મંતવ્યો તેમના દષ્ટિકોણથી રજૂ કરશે. કોઈ તમારા કાર્યની પ્રશંસા કરશે તો કોઈ ટીકા કરશે અથવા તો ખામી કાઢશે પણ તમારે સર્વપ્રથમ તમારું જે કાર્ય ખૂબ મહેનતથી, ચોકસાઈથી અને હરખથી કર્યુ છે તેનો આનંદ અનુભવવાનો છે.

ભગવાન પુરુષોત્તમ કહે છે કે તમારે મન ઉદભવતા દરેક પ્રશ્નોના જવાબ મારી પાસે છે. મારી પાસે એક વાર આવો તો ખરી. મારા જીવન ચરિત્રને તમે ઉંડાણપૂર્વક વાંચો તો ખરી.વિષ્ણુ પુરાણ, શ્રીમદ્ ભાગવત પુરાણ અને જગતકલ્યાણ માટે મેં કહેલી “શ્રીમદ્ ભગવદ્ ગીતા” ને જીવનમાં ઉતારો તો ખરી !

ભગવાન પુરુષોત્તમે આપેલી પ્રેરણાનો રસ્તો સરળ છે.તમે એક વાર તે રસ્તા પર ચાલી જુઓ તો ખરી !

બોલો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની જય.

જય બહુચર માં.

Related Articles

Stay Connected

1,566FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page