શિવપુરાણ સહિત અનેક પુરાણોમાં શિવલિંગની અર્ધપરિક્રમા જ કરવી તેમ ઉલ્લેખ છે પણ આવું કેમ ? આખી પરિક્રમા કેમ ના કરી શકાય ? આવા તમામ પ્રશ્નોના ઉત્તર નીચે મુજબ છે.
પહેલા તો પરિક્રમા એટલે શું ? એ સમજીએ…પરિક્રમા એટલે ઈશ્વર કે ઈશ્વરના મંદિરની ચારે તરફ ડાબીથી જમણી બાજુ પગપાળા ફરવું. પરિક્રમાને પ્રદક્ષિણા પણ કહેવામાં આવે છે. ઈશ્વરની કે ઈશ્વરના મંદિરની પ્રદક્ષિણા કે પરિક્રમા ફરવાથી જન્મ મરણના બંધનના પાપોમાંથી મુક્તિ મળે છે.
હવે જાણીએ શિવની અર્ધપરિક્રમા વિશે…
શિવલિંગ જે શિવનું પ્રતિક છે અને જેની વચ્ચે બરોબર શિવલિંગ હોય તેને સોમસૂત્ર અથવા વેદી કહેવાય છે તે શક્તિનું પ્રતિક છે
જયાંથી આપણે શિવલિંગ પર જળાભિષેક કરીએ છે તે જળ બહારની તરફ નીકળે છે. જો શિવલિંગની આખી પ્રદક્ષિણા ફરવામાં આવે તો આ જળમાં જે ઉર્જા હોય છે તે ઉર્જા મનુષ્યના શરીરમાં તેના બે પગની વચ્ચેથી પ્રવેશે છે અને આ ઉર્જા એટલી શક્તિશાળી હોય છે કે તે પુરૂષ હોય તો વીર્ય સંબંધિત અને સ્ત્રી હોય તો રજ સંબંધિત બહુ મોટી સમસ્યા થઈ શકે છે તેથી શાસ્ત્ર મુજબ વેદીને ઓળંગવી ના જોઈએ અને શિવલિંગની અર્ધપરિક્રમા કરવી જોઈએ.
વૈજ્ઞાનિક સંશોધન મુજબ શિવલિંગની અંદર ન્યૂકિલર ઉર્જા રહેલી છે અને શિવલિંગની આસપાસ રેડિયોએક્ટિવ કિરણો હોય છે જે આપણને દેખાતા નથી પણ હોય છે જરૂર ! તેથી જો શિવલિંગમાં આટલી ઉર્જા હોય તો શિવલિંગ પર અભિષેક કરાયેલા જળમાં કેટલી બધી ઉર્જા હોય ! તેથી શિવલિંગની વેદી અથવા સોમસૂત્ર ઓળંગવી નહી.
શિવલિંગની પરિક્રમા ડાબી બાજુથી શિવનો અભિષેકનો પ્રવાહ હોય ત્યાં સુધી કરવી પછી ત્યાંથી પાછા ફરી જવું. આ પરિક્રમાને અર્ધચંદ્રાકાર પરિક્રમા કહેવાય છે.
શાસ્ત્ર એમ પણ કહે છે કે જો વેદી ને પાંદડા, પથ્થર, ઈંટો, લાકડા વગેરેથી ઢાંકવામાં આવે તો પ્રદક્ષિણા કરી શકાય છે પરંતુ એમ કરવામાં પણ કોઈ ભૂલ થઈ જાય તો પાપમાં પડવાનું થાય છે તેથી શિવલિંગની અર્ધપરિક્રમા જ કરવી જોઈએ.
કેટલાક મહાનુભાવો શિવલિંગને પુરુષના લિંગ સાથે અને વેદીને સ્ત્રીના લિંગ સાથે જોડી દે છે પણ હકીકતમાં તેવું બિલકુલ નથી.
સ્કંદ પુરાણમાં વર્ણન છે કે લિંગ એટલે પદાર્થ અને વેદી એટલે ઉર્જાનો સ્ત્રોત.જયારે પદાર્થ અને ઉર્જાના સ્ત્રોતનું મિલન થાય છે ત્યારે અનંત કોટિ બ્રહ્માંડનું સર્જન થાય છે.
જેમ મનુષ્યનું શરીર પદાર્થ (માટી) થી બનેલું છે પણ તેમાં શક્તિ (ઉર્જા) રહેલી છે તેથી હલનચલન થઈ શકે છે. આમ જે શિવલિંગ છે તે શિવનું પ્રતિક છે અને વેદી છે તે શિવા ( પાર્વતી ) નું પ્રતિક છે.
શિવપુરાણ કહે છે આદિ, અનંત, નિરાકાર, જે જન્મ મૃત્યુથી પર છે (અર્થાત્ જેમના જન્મ મૃત્યુનો કયાંય ઉલ્લેખ નથી) તેવા અખિલ વિશ્વના આધાર શિવ લિંગ (પ્રતિક) સ્વરૂપે સમગ્ર લોકના ઉદ્ધાર માટે સમગ્ર લોકમાં સ્થિત છે.
હર હર મહાદેવ.
જય બહુચર માઁ.