24 C
Ahmedabad
Monday, December 23, 2024

જાણો ભગવાન શિવના પ્રિય વાહન નંદી વિશે.

શિવ મહાપુરાણમાં નંદીશ્વર અવતારની સંપૂર્ણ કથા છે. આ કથામાં નંદી શિવનો જ અવતાર છે તેમ વર્ણવવામાં આવ્યું છે.

કથા એમ છે કે શિલાદ નામના ઋષિ બ્રહ્મચારી હોય છે.તે હંમેશા તપમાં લીન રહેતા હોય છે.હંમેશા ઈશ્વરમય રહેવું તે તેમનો ધર્મ હોય છે. એકવાર શિલાદ મુનિના પિતા શિલાદને વંશવેલો આગળ વધારવા માટે પુત્ર પ્રાપ્તિ માટે જણાવ્યું.

શિલાદ મુનિ તો બ્રહ્મચારી હતા પણ તેમણે પુત્ર પ્રાપ્તિ માટે ઈન્દ્રની તપસ્યા કરવાનું નક્કી કર્યું.શિલાદ મુનિએ ઈન્દ્રને પ્રસન્ન કર્યા પણ ઈન્દ્રે જણાવ્યું કે આપ બ્રહ્મચારી હોવા છતાં આમ પુત્ર પ્રાપ્તિ કરાવવી તેમ મારાથી શક્ય નથી.આપ ભગવાન શિવની તપશ્ચર્યા કરો.

શિલાદ મુનિએ શિવની ઘોર તપસ્યા કરી.શિવ પ્રસન્ન થયા અને શિલાદ મુનિને કહ્યું કે આપને મારા સમાન જ પુત્ર થશે અર્થાત્ તે મારો અવતાર થશે. શિવના આશીર્વાદ મેળવ્યા બાદ શિલાદ મુનિએ યજ્ઞ કરવાનું નક્કી કર્યું. તે સમયે યજ્ઞ માટેની જમીન ખેડતા શિલાદ મુનિને એક બાળકની પ્રાપ્તિ થઈ તે પરમ શિવના અવતાર નંદી.

શિલાદમુનિએ તે બાળકના ગર્ભ સંસ્કાર કર્યા.વેદો અને શાસ્ત્રોનું જ્ઞાન આપ્યું. એક વખત મિત્ર અને વરૂણ નામના બે મહર્ષિઓ શિલાદ મુનિના આશ્રમે આવ્યા. તેમણે તે બાળકને આશીર્વાદ આપ્યા પણ જતા જતા શિલાદ મુનિને એમ કહ્યું કે આ બાળક અલ્પઆયુ છે અર્થાત્ બાળકનું આયુષ્ય ખૂબ ઓછું છે. શિલાદ મુનિ આમ સાંભળતા તેઓ ગમગીન અને દુ:ખી થઈ ગયા. તેમને તે બાળક એટલે કે નંદીએ પૂછયું કે હે પિતા શ્રી ! આપ કેમ દુ:ખી છો ? આપના દુ:ખનું કારણ જણાવો. શિલાદ મુનિએ નંદીને મહર્ષિઓએ કહેલી તમામ વાત જણાવી.

નંદી બોલ્યા હે પિતા ! આપ દુ:ખી ના થાઓ.હું હમણા જ પરમ પિતા શિવની તપશ્ચર્યા કરવા જઈશ ને એવી તપસ્યા કરીશ કે અજર અમર થવાનું વરદાન પ્રાપ્ત કરીશ.નંદીએ શિવજીની કઠોર તપશ્ચર્યા કરી જેનાથી સમગ્ર લોક બળવા લાગ્યા.

નંદીની કઠોર તપસ્યાથી શિવ પ્રસન્ન થયા અને નંદીને અજર અમર થવાનું વરદાન આપ્યું અને શિવ નંદીની ભક્તિથી એટલા પ્રસન્ન થયા કે નંદીને તેમના મુખ્ય ગણ બનાવી દીધા.શિવજીએ તેમના તમામ ગણોને જણાવ્યું કે હું નંદીની ભક્તિથી એટલો પ્રસન્ન થયો છું કે આજ પછી નંદી કાયમ મારી સાથે રહેશે અને આપ તમામ ગણોનો તે મુખ્યા થશે.

નંદીનો અર્થ થાય આનંદનું પ્રતિક. નંદી નિત્ય નિજાનંદમાં રહે છે. નંદી શિવ સમીપ હંમેશા ધ્યાન મુદ્રામાં રહે છે. તે શિવ પાસે કોઈ ઈચ્છા કે અપેક્ષાથી નથી જતા. તેમનો શિવ પ્રત્યે દાસત્વ ભાવ છે. તે શિવના ધ્યાનમાં શાંત ચૂપચાપ ધ્યાન અવસ્થામાં રહે છે. તે શિવ પાસે જઈ કશુંય બોલતો નથી. કંઈ માંગતો નથી પરંતુ પરમાત્માના દર્શન કરીને તેમને સાંભળે છે.

આપણે બધા શું કરીએ છે ખબર છે મંદિરમાં જઈને દુનિયા ભરનું બોલ બોલ કરીએ છે, માંગ માંગ કરીએ છે, આપણું ધાર્યુ કંઈ ના થયું હોય તો ઈશ્વરને કેટ કેટલુંય સંભળાવી દઈએ છે પણ ઈશ્વર મૂર્તિમાં બેઠેલો મૌન અવસ્થામાં બધુય સાંભળે જ રાખે છે.

હકીકતમાં આપણે ઈશ્વરને કશું જ બોલવા દેતા નથી.જો આપણા બધામાં નંદી જેવો ભાવ આવી જાય કે આપણે મંદિરમાં ઈશ્વરની પાસે જઈને કંઈ જ બોલ્યા વગર ધ્યાનમાં સમર્પિત થઈ જઈએ તો એક વખત મૂર્તિમાં બિરાજમાન ઈશ્વર પણ બોલશે.

નંદીને વૃષભ કહે છે. નંદી પર બિરાજમાન શિવને વૃષભધ્વજ કહે છે. નંદી જેટલો શિવને પ્રિય છે તેટલો ભગવતી ઉમા ( પાર્વતી ) ને પણ પ્રિય છે. ભગવતી ઉમા જયારે નંદી પર બિરાજમાન થાય છે ત્યારે તેને વૃષભવાહિની કહે છે તેને આપણે ઉમિયા પણ કહીએ છે.

નંદીએ ધર્મનું પ્રતિક છે.નંદીના ચાર પગો ચાર પુરુષાર્થ છે જેમ કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ.આ ચતુર્વિદ પુરુષાર્થના ચાર ચરણ ધર્મના પ્રતિક સમા નંદી ઉપર ભગવાન દેવાધિદેવ મહાદેવ આરૂઢ થાય છે.

શૈવ સંપ્રદાયમાં નંદીને નંદીનાથ સંપ્રદાયના મુખ્ય ગુરુ ગણ્યા છે જેમના આઠ શિષ્ય છે સનક ,સનાતન, સનન્દન, સનતકુમાર, તિરુમૂલર, વ્યાઘપ્રાદ, પતંજલિ અને શિવયોગી મુનિ.નંદીના આઠ શિષ્યો આઠેય દિશાઓમાં શિવના મહિમાનો પ્રચાર પ્રસાર કરે છે.

શાસ્ત્રો કહે છે કે શિવ હંમેશા ધ્યાન મગ્ન હોવાથી કોઈ પણ વાત નંદીના કાનમાં કહેવામાં આવે તો તે શિવ સુધી આપણી વાત પહોંચાડે છે. ભક્તો પોતાની મનોકામના સિદ્ધ કરવા આમ કરતા હોય છે.

એકવાર શિવજીએ નંદીને આદેશ કર્યો કે પૃથ્વી પર જઈને એવો સંદેશો આપો કે “ત્રણ વાર ન્હાવાનું અને એક વાર જમવાનું”. નંદી પોતાના ભોળા સ્વભાવે આમ બોલતા બોલતા ગયા પણ વાત ભૂલાઈ ગઈને કહેવાઈ ગયું ઉંધુ કે “એક વાર ન્હાવાનું અને ત્રણ વાર જમવાનું”.

નંદી જયારે કૈલાસ પર્વત ફર્યા ત્યારે શિવજીએ નંદીને મૂળ વાતનું ભાન કરાવ્યું. નંદીએ શિવજીની ક્ષમાયાચના માંગીને કહ્યું કે પૃથ્વીવાસીઓને આટલું બધું અનાજ પૂરું પાડવા હું જમીન ખેડીશ તેથી ખેતરોમાં નંદી (બળદ) ખેતી કરતા જોવા મળે છે.

કહેવાય છે કે સમુદ્રમંથન સમયે શિવજીએ સમગ્ર લોકની રક્ષા માટે વિષ પાન કર્યુ ત્યારે પૃથ્વી પર અમુક ટીપા પડયા હતા તે ટીપા નંદીએ પોતાની જિહવા ( જીભ ) થી ચાટી લીધા હતા તેથી શિવને નંદી ખૂબ પ્રિય છે.

નંદી સ્વભાવે સૌમ્ય, શાંત, કપટ વગરના અને ભોળા છે.તે પવિત્રતા અને પ્રેમનું પ્રતિક છે.તેમનામાં સમર્પણ અને સહનશીલતાના ગુણો છે તેથી નંદી શિવ અને શક્તિને ખૂબ પ્રિય છે.

પેલું નથી કહેતા કે ભોળાનો ભગવાન હોય બસ નંદી આવા જ છે એકદમ ભોળા !

નંદીનું ચિત્ર અને ચરિત્ર તમારા માનસપટલ પર અસર કરી ગયું હોય તો નંદી જેવા પવિત્ર હ્દય અને મનના બનજો. હું રોજ પ્રયત્ન કરું છું કે આવો બનું તમે પણ પ્રયત્ન કરજો હોં ને.

હર હર મહાદેવ.

જય બહુચર માં.

Related Articles

Stay Connected

1,579FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page