28 C
Ahmedabad
Friday, September 20, 2024

જાણો શિવજીએ ગળામાં ધારણ કરેલ સર્પ (નાગ) વિશે.

પ્રિય વાંચકો,શિવજીએ ગળામાં જે સર્પ ધારણ કર્યો છે તેનું નામ વાસુકિ છે.આ વાસુકિ નાગ શિવજીનો પરમ ભક્ત હતો. વાસુકિ નાગ નાગલોકની પ્રજાતિમાં મુખ્ય હતો. વાસુકિ નાગની શિવ ભક્તિથી પ્રેરાઈને સમગ્ર પાતાળલોક શિવની ઉપાસના કરતું હતું.

પૌરાણિક કથા અનુસાર સમુદ્રમંથન વખતે મેરુ પર્વતની ચારે બાજુ વાસુકિ નાગ લપેટીને સમુદ્રમંથન કરવામાં આવ્યું હતું.

સમુદ્રમંથન માટે એક બાજુથી દેવો અને બીજી બાજુથી દાનવો વાસુકિ નાગને દોરડું હોય તેમ ખેંચતા હતા.સમુદ્રમંથન વખતે જે વિષ નીકળ્યું ત્યારે વિષને ભોળાનાથે ગ્રહણ કર્યુ.

સમુદ્રમંથનના અંતે લોહીલુહાણ થઈ ગયેલા વાસુકિ નાગે શિવજીને પ્રાર્થના કરી કે શિવજી તેને સ્વીકારે.શિવજીએ પ્રસન્ન થઈને તેમના આભૂષણ તરીકે ગળામાં વાસુકિ નાગને સ્થાન આપ્યું.

આ એ જ વાસુકિ નાગ છે જેણે કૃષ્ણની રક્ષા કરી હતી. જયારે બાળ કૃષ્ણનો મથુરાની જેલમાં જન્મ થયો ત્યારે વાસુદેવજી કૃષ્ણ ભગવાનને ટોપલામાં મૂકીને ગોકુળ લઈ જતા હતા.ત્યારે ધોધમાર વરસાદ પડતો હતો.વાસુકિ નાગે ટોપલાની ઉપર આવીને ફેણ ફેલાવીને બાળ કૃષ્ણની રક્ષા કરી હતી.

શાસ્ત્ર કહે છે કે વાસુકિ નાગ અને તેમની પ્રજાતિ એ જ સર્વપ્રથમ શિવલિંગની પૂજા કરવાનો આરંભ કર્યો હતો. શિવ જેટલો નંદીને પ્રેમ કરે છે તેટલો જ શિવ વાસુકિ સર્પને પ્રેમ કરે છે.

“નાગમણિ” વાસુકિ નાગ પાસે છે અને બીજા જેટલા પણ નાગ પર મણિ છે તેની ઉપર વાસુકિ નાગનો અધિકાર છે. વાસુકિ નાગ અત્યંત લાંબા શરીરવાળા અને વિશાળ છે.વાસુકિ નાગનો ક્ષેત્ર કૈલાસ પર્વતની આસપાસ છે.

વાસુકિ નાગના મોટા ભાઈ શેષનાગ છે જે વિષ્ણુ ભગવાનના સેવક છે. શેષનાગનું બીજુ નામ “અનંત” છે. કહેવાય છે કે પૃથ્વી શેષનાગની ફેણ પર ટકેલી છે. શેષનાગે સંસારનો ત્યાગ કરીને તેમના નાના ભાઈ વાસુકિને પાતાળલોક (નાગલોક) ના રાજા બનાવી દીધા હતા.

મહાન ઋષિમુનિ કશ્યપ અને તેમની પત્ની કદ્રુથી હજારો પુત્રો થયા જેમાં નાગ (સર્પ) મુખ્ય હતા જેમકે શેષ (અનંત), વાસુકિ, તક્ષક, કર્કોટક, પદ્ય, મહાપદ્ય, શંખ, પિંગલા અને કુલિક વગેરે થયા. આમાં શેષનાગ (અનંત નાગ) સૌથી મુખ્ય હતા.

અથર્વવેદમાં નાગ (સર્પ) વિશે ઉલ્લેખ છે જેમ કે શ્વિત્ર, સ્વજ, પૃદાક, શ્લામાષ, ગ્રીવ અને તિરિચરાજી નાગમાં ચિત કોબ્રા, કાલા ફણિયર, ઉપતૃણ્ય, બ્રમ, અલિક, દાસી, દુહિત, અસતિ, તગાત, અમોક અને અવસ્તુ વગેરે નામોનો ઉલ્લેખ છે.

જેની જન્મકુંડળીમાં “કાલસર્પદોષ” હોય અથવા “નાગદોષ” હોય તેણે દરરોજ સવારે શિવલિંગ પર દૂધ અને જળનો અભિષેક કરવો જોઈએ. કાલસર્પદોષ વાળા જાતકે નાગ પંચમીએ અથવા બુધવારે અથવા કોઈ પણ મહિનાની વદ પાંચમે અથવા સોમવતી અમાસે શિવાલયમાં ચાંદીનો નાગ અને નાગણનું જોડું અર્પણ કરવું જોઈએ.

ગુજરાતમાં દ્વારકા પાસે નાગેશ્વર જયોર્તિલિંગ છે ત્યાં શિવ અને પાર્વતીજી નાગ અને નાગણ સ્વરૂપે છે. આ નાગેશ્વર જયોર્તિલિગની સ્થાપના નાગગણોએ કરી હતી.

શિવના પંચાક્ષર સ્તોત્રમાં શિવને “નાગેન્દ્રહારાય” કહેવાયા છે અર્થાત્ સર્પોને (નાગોને) હારમાળા ગળામાં ધારણ કરનાર થાય છે.

હર હર મહાદેવ.

જય બહુચર માં.

Related Articles

Stay Connected

1,566FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page