17 C
Ahmedabad
Saturday, December 21, 2024

શ્રી કૃષ્ણની જન્મતિથી અને જન્મકુંડળીનું ગૂઢ રહસ્ય.

વિષ્ણુ ભગવાનનો આઠમો અવતાર શ્રી કૃષ્ણ શ્રાવણ વદ આઠમના રોજ આ પૃથ્વી પર મનુષ્ય રૂપે અવતરિત થયા. તેઓ દેવકીનું આઠમુ સંતાન હતા.સાત મૂહૂર્ત નીકળી ગયા બાદ આઠમાં મૂહૂર્તમાં તેમનો જન્મ થયો હતો.તેમની આઠ મુખ્ય રાણીઓ હતી. તેમની આઠ મુખ્ય સખીઓ તથા આઠ મુખ્ય પત્નીઓ હતી.આ ઉપરાંત તેમણે ૧૬૧૦૦ રાણી સાથે લગ્ન કર્યા જેનો સરવાળો કરો તો આઠ થાય. ભગવાન ૧૨૫ વર્ષ જીવ્યા તેનો મૂળાંક પણ આઠ થાય. (સઘળા પુરાણોના આધારે કરેલા સંશોધનમાંથી )

શ્રી મદ ભગવદ્ ગીતા દ્વારા આખા જગતને “ધર્મ દ્રારા કર્મનો સિદ્નાંત” સમજાવનાર શ્રી કૃષ્ણનો આઠ અંક (૮) સાથે ઘણો સંબંધ રહ્યો છે.

અંકશાસ્ત્રમાં આઠ અંકને શનિનો અંક કહ્યો છે જે અંકને પરિશ્રમ, સંધર્ષ, નિરાશા, કસોટી, મહેનત, અંધકાર સાથે સરખાવવામાં આવ્યો છે તો અહીં સવાલ એમ થાય છે કે જો શનિનો અંક “આઠ” એટલો જ અંધકારમય હોય તો આઠમના દિવસે જન્મ લેનાર શ્રી કૃષ્ણે જગતમાં અજવાળુ કેવી રીતે કર્યું ?

શનિના હકારાત્મક લક્ષણો કર્મ,આધ્યાત્મિકતા, ન્યાય કરવો, સત્ય બોલવું, તર્કશીલ બુદ્ધિ, ઉંડાણપૂર્વકનું તાર્કિક જ્ઞાન, વિદ્વતા વગેરે છે જે આપણે સૌ એ શ્રી કૃષ્ણમાં નિહાળી જ છે.

આપણે અહીંયા ૮, ૧૭ કે ૨૬ તારીખે જન્મેલા વ્યકિતઓને અશુભ અંક કહીને “શનિ” ના નામે ડરાવાય છે પરંતુ “શનિ સંધર્ષ ઘણો આપે છે પણ એ પછી સફળતા અતિભવ્ય આપે છે”

જીવનના ૩૫ માં વર્ષ પછી ધીમે ધીમે ગાડી પાટે આવે છે, ૪૪ માં વર્ષે સ્પીડ પકડે છે, ૫૩ માં વર્ષે સારી ઝડપે દોડે છે અને ૬૨ માં વર્ષે પૂર ઝપાટે દોડે છે કારણકે શનિ ધીમો અને અતિમંદ ગ્રહ હોવાથી વૃદ્નાવસ્થામાં સારું પરિણામ આપે છે.

હરિવંશ પુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ , શ્રીમદ ભાગવત નો આધાર લઈને તથા સાઉથના જાણીતા જ્યોતિષી શ્રી‌ ડૉ.કે.એન.રાવ સરની થીયરી મુજબ શ્રી કૃષ્ણ ભગવાનની જન્મકુંડળીમાં પાંચ ગ્રહો ઉચ્ચના અને એક ગ્રહ સ્વગૃહી હતો.

શ્રી કૃષ્ણની વૃષભ લગ્નની જન્મકુંડળીમાં વૃષભ રાશિનો ચંદ્ર રોહિણી નક્ષત્રમાં હતો. કર્ક રાશિમાં ત્રીજે ઉચ્ચનો ગુરુ અને મકર રાશિમાં નવમે ઉચ્ચનો મંગળ હતો.ચોથે સિંહનો સૂર્ય અને શુક્ર હતા.પાંચમે કન્યા રાશિનો‌ ઉચ્ચનો બુધ હતો.છઠે તુલાનો ઉચ્ચનો શનિ રાહુ સાથે બિરાજમાન હતો અને બારમે મેષનો કેતુ હતો.જે કુંડળી નીચે દર્શાવેલ છે તેના પાકકા પુરાવા,આધાર હરિવંશ પુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ, શ્રીમદ ભાગવત્ અને‌ ઙૉ.કે.એન.રાવ સરની સ્વલિખિત પુસ્તકમાં પણ છે.

જન્મકુંડળીમાં સૂર્ય સ્વગૃહી હોય અને ચંદ્ર ઉચ્ચનો હોય તેઓ તેજસ્વી, ઉંચા વિચારો ધરાવનાર, પ્રભાવશાળી, શાંત, સૌમ્ય તથા યુદ્ધમાં સિંહ જેવી ગર્જના કરનાર બને છે.તેઓ જીવનમાં અનેકોવાર પડવા છતાં પાછા ઉભા થાય છે.અથાગ પરિશ્રમ અને અનુભવના આધારે ઈતિહાસ રચે છે.

પાંચમે કન્યાનો ઉચ્ચનો બુધ નિર્ણયશકિતના સ્થાનમાં હોય તો શ્રી કૃષ્ણની ચતુર બુદ્ધિથી લીધેલા નિર્ણયની તો વાત જ ના થાય ને !

પાંચમે પ્રેમના સ્થાનમાં કન્યાનો બુધ હતો માટે તેમનો રાધા અને ગોપીઓ પ્રત્યે માત્ર ને માત્ર નિ:સ્વાર્થ પ્રેમ જ હતો,કામ બિલકુલ નહોંતું કારણકે બુધ બાળક છે.બાળકમાં કામ કયાંથી હોય ? શ્રી મદ ભાગવત અનુસાર શ્રી કૃષ્ણ આઠ વર્ષના હતા ત્યારે‌ જ તેમણે રાધા અને ગોપીઓ સાથે રાસલીલા કરી હતી.હવે‌ તમે મને એમ કહો કે‌ બાળક બાર વર્ષનું ના થાય ત્યાં સુધી તેનામાં કામવાસના કેવી રીતે આવે ? અર્થાત કૃષ્ણનો રાધા અને ગોપીઓ પ્રત્યેનો પ્રેમ કામ વિહોણો હતો.

નવમે ભાગ્યમાં રહેલા ઉચ્ચના મંગળ અને ત્રીજે રહેલા કર્કના ઉચ્ચના ગુરુની પ્રતિયુતિ તેમને ધ્યાન અને સમાધિ યોગના ખરા ઉપદેશક બનાવે છે કારણકે જન્મ કુંડળીમાં સાતમું સ્થાન ધ્યાન અને આઠમું સ્થાન સમાધિનું છે. ત્રીજું સ્થાન ઉપદેશ આપવાનું છે. આ જગતમાં શ્રી કૃષ્ણ થી મોટા ઉપદેશક‌ એટલે કે‌ મોટીવેશનલ સ્પીકર છે કોઈ ?

તુલાનો‌ ઉચ્ચનો શનિ છઠ્ઠા ‌સ્થાનમાં કંસ જેવા દુર્જન મામાનું દુઃખ આપ્યું ‌પણ‌ સાથે બિરાજમાન શત્રુહંતા રાહુએ કંસ મામા અને બીજા અનેક‌ મહા પરાક્રમી રાક્ષસોને હણવાનું બળ આપે છે‌ કારણકે‌ સાઉથના દિગ્ગજ જ્યોતિષી શ્રી ડૉ.બી.વી.રામન સર‌ તેમની પુસ્તકમાં લખે છે કે છઠ્ઠા ભાવનો‌ રાહુ શત્રુહંતા યોગ કરે છે.

મારું આગવું સંશોધન કહે છે કે જેની પણ જન્મ કુંડળી માં શનિ – ગુરુ નો સંબંધ હોય તે જાતક‌ જો ધર્મ ના માર્ગ ‌પર ચાલીને કર્મ કરે છે તે જરુર મહાન બને છે. તમે શ્રી કૃષ્ણની‌ કુંડળીમાં ‌જુઓ શનિની દસમી દ્રષ્ટિ ગુરુ પર છે. થયો‌ ને ગુરુ શનિ નો સંબંધ..

જેનો જીવ ઉદાર હોય, હ્દય વિશાળ હોય, આત્મા ચોખ્ખો હોય, મન શુદ્ધ હોય, બુદ્ધિ ચતુર હોય, પરાક્રમ સિંહ જેવું હોય, કર્મ સારું હોય,પ્રેમમાં સમર્પણ હોય તેવો યુગ પુરુષ “શ્રી કૃષ્ણ” છે તેના સિવાય બીજું કોઈ નથી.

શ્રી કૃષ્ણ એક યુગપુરુષ છે કારણકે તેઓ દરેક યુગે જન્મ લે છે. શ્રી કૃષ્ણ સ્વયં કહે છે અધર્મના નાશ માટે તથા ધર્મની સ્થાપના માટે હું યુગે યુગે જન્મ લઉં છું.

યદા યદા હી ધર્મસ્ય ગ્લાનિઃ ભવતિ ભારત ।

અભ્યુત્થાનમ અધર્મસ્ય તદા આત્માનં સૃજામિ અહમ ।।

પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ ।

ધર્મસંસ્થાપનાર્થાય સમ્ભવામિ યુગે યગે ।।

અર્થાત્ જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે અને અધર્મનો ફેલાવો થાય છે. ત્યારે હું સ્વયં જ્ન્મ ધારણ કરું છું.સજ્જનોની રક્ષા, દુષ્ટોના વિનાશ અને ધર્મની પુનઃસ્થાપના માટે હું દરેક યુગમાં અવતરિત થતો રહું છું.

શ્રી કૃષ્ણ જન્મદિનની આપ સૌને શુભકામનાઓ.

જય બહુચર માં.

Related Articles

Stay Connected

1,578FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page