⦿ આ આખો પ્રસંગ મહાભારતમાં વર્ણવાયેલો છે.કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ ચાલી રહ્યું છે.અર્જુનના પુત્ર અભિમન્યુને ચક્રવ્યુહમાં ફસાવનાર જયદ્રથ હતો તેમ જાણીને અર્જુન જયદ્રથને મારવાની પ્રતિજ્ઞા લે છે.જયદ્રથને શિવનું એવું વરદાન હતું કે તેને પાંડવોમાં અર્જુન સિવાય કોઈ નહી મારી શકે.
⦿ અર્જુન જયારે પોતાના પુત્ર અભિમન્યુની મોતના સમાચાર સાંભળે છે તો દુ:ખદ અવસ્થામાં એવી પ્રતિજ્ઞા લે છે કે કાલે સૂર્યાસ્ત પહેલા જો તે અભિમન્યુને ચક્વ્યૂહમાં ફસાવનાર જયદ્રથનો વધ નહી કરે તો આત્મદાહ કરશે.
⦿ જયારે અર્જુન પ્રતિજ્ઞા લઈ લે છે ત્યારે શ્રી કૃષ્ણ વિચારે છે કે જયદ્રથને બચાવવા માટે કર્ણ અને દ્રોણ બંને બળવાન છે પણ યુદ્ધમાં શસ્ત્ર નહી ઉઠાવું એવી પ્રતિજ્ઞા મેં લીધી છે તેથી હું અર્જુનને સાથ નહી આપી શકું અને જો અર્જુન જયદ્રથનો વધ નહી કરી શકે તો તે પ્રાણત્યાગ કરશે અને તેવું મને ગમશે નહી કારણકે અર્જુન મને ખૂબ પ્રિય છે.
⦿ શ્રી કૃષ્ણ એટલે તાત્કાલિક આવી પડેલા સંકટનું નિરાકરણ કરનાર સૌથી મોટા તત્વજ્ઞાની !
⦿ શ્રી કૃષ્ણે અર્જુનને યુદ્ધ વિરામ પછી સંધ્યા સમયે આરામ કરવાનું કહ્યું. યુદ્ધથી થાકેલો અર્જુન શ્રી કૃષ્ણની માયાથી ઘોર નિંદ્રામાં સૂઈ ગયો.
⦿ શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનના સ્વપ્નમાં ગરૂડ પર સવાર થઈને આવ્યા અને અર્જુનને પોતાની સાથે કૈલાસ લઈ ગયા જયાં શિવનું નિવાસ સ્થાન છે.
⦿ શિવ કૈલાસમાં શ્રી કૃષ્ણ અને અર્જુનને દર્શન આપે છે અને તેમને કૈલાસ આગમનનું કારણ પૂછે છે ત્યારે શ્રી કૃષ્ણ અને અર્જુન શિવની સ્તુતિ કરે છે કે
વાસુદેવસ્તુ તં દષ્ટવા જગામ શિરસા ક્ષિતિમ્ ।
પાર્થેન સહ ધર્માત્મા ગૃણન બ્રહ્મ સનાતનામ્ ।।
અર્થાત્ અર્જુન સાથે ધર્માત્મા વાસુદેવ શ્રી કૃષ્ણે ભગવાન શિવને જોઈને જમીન પર માથુ નમાવી પ્રણામ કર્યા અને ભગવાન શિવની સ્તુતિ કરવા લાગ્યા.
(મહાભારતમાં દ્રોણ પર્વના ૮૦ માં અધ્યાયમાં આખી સ્તુતિનો ઉલ્લેખ છે )
⦿ શ્રી કૃષ્ણ અને અર્જુન ભગવાન શિવની ભાવભીની સ્તુતિ કરે છે.ભગવાન શિવ સ્તુતિથી પ્રસન્ન થઈને વરદાન માંગવાનું કહે છે ત્યારે અર્જુન પશુપાત શસ્ત્રને શિવ પાસે વાસ્તવમાં માંગે છે.
⦿ વાસ્તવમાં શબ્દ એટલે લખ્યો કે મહાભારતના વન ખંડમાં એમ ઉલ્લેખ છે કે જયારે અર્જુન પશુપાત શસ્ત્ર માટે શિવનું ધ્યાન ધરે છે ત્યારે ભગવાન શિવ એક ભીલનું સ્વરૂપ લઈને અર્જુનની પરીક્ષા કરવા આવે છે. અર્જુન અને ભીલનું ભયંકર યુદ્ધ થાય છે. થોડા સમય પછી અર્જુનનું પરાક્રમ જોઈને શિવ પોતાના મૂળ સ્વરૂપમાં આવીને અર્જુનને વરદાન માંગવાનું કહે છે.અર્જુન તે સમયે શિવ પાસે પશુપાત શસ્ત્રની માંગણી કરે છે. શિવ અર્જુનને વચન આપે છે કે તેઓ યોગ્ય સમયે તેને પશુપાત શસ્ત્ર આપશે.
⦿ આમ અર્જુન આ વખતે વાસ્તવમાં શિવજી પાસે પશુપાત શસ્ત્ર માંગે છે. શિવજી પોતાના આપેલ વચન પ્રમાણે અર્જુનને પશુપાત શસ્ત્ર આપે છે. શ્રી કૃષ્ણ અને અર્જુન બંને શિવના આશીર્વાદ પ્રાપ્ત કરીને શ્રી કૃષ્ણ સ્વપ્નમાં જ અર્જુનને પરત લઈને કુરુક્ષેત્રમાં આવી જાય છે. યુદ્ધના બીજા દિવસે અર્જુને પોતે લીધેલી પ્રતિજ્ઞા અનુસાર સંધ્યા પહેલા તે જયદ્રથનો વધ કરે છે.
વાંચકો, શિવ સમાન કોઈ દાતાર નહી.
બોલો હર હર મહાદેવ.
જય બહુચર માઁ.