શિવપુરાણ અનુસાર એકવાર પાર્વતીજી સ્નાન કરતા હોય છે તે સમયે મહાદેવજી અનાયાસે ઘરમાં પહોંચી જાય છે. મહાદેવજીને આવેલા જોઈને પાર્વતીજી લજ્જા અનુભવે છે. સ્ત્રી સ્વભાવે પાર્વતીજીની દાસીઓ જયા અને વિજયા પાર્વતીને કહે છે કે પતિદેવ આવી રીતે આવી જાય એનાથી આપણને કેટલી બધી શરમ અનુભવાય ?
પાર્વતીજીને આ વાત મનમાં ઘર કરી જાય છે. બીજા દિવસે એટલે કે ભાદરવા સુદ ચોથના દિવસે પાર્વતી પોતાના શરીરના મેલમાંથી એક તેજસ્વી પુત્ર ઉત્પન્ન કરે છે અને કહે છે હે પુત્ર ! અમે સ્નાન કરતા હોઈએ ત્યારે તમે કોઈને અંદર આવવા દેશો નહી. તમે દ્વાર પર દ્વારપાળ બનીને રક્ષા કરજો એ બાળકનું નામ “ગણેશજી”.
શિવજી રોજની જેમ આજે ત્યાં આવ્યા. દ્વારપાળ ગણેશજીએ કહ્યું કે હે પ્રભુ ! મારી માતા અંદર સ્નાન કરે છે તેથી આપ અંદર જઈ શકશો નહી. મહાદેવજીએ કહ્યું કે તે નારી પાર્વતી મારી અર્ધાંગિની છે તેથી હું અંદર તો જઈશ જ. ગણેશજી અને મહાદેવજી વચ્ચે ઘણો વાદ વિવાદ થયો.
મહાદેવજી ત્યાંથી પાછા આવ્યા. એમના ગણોને કહ્યું કે “પાર્વતીના કક્ષની બહાર જે બાળક દ્વારપાળ બનીને ઉભો છે તે બાળકને સમજાવો અને ના સમજે તો એને પકડીને બાંધી લાવો”.
મહાદેવજીના ગણો તથા પુત્ર કાર્તિકેય, વીરભદ્ર, નંદી તથા સર્વદેવો ગણેશજીને સમજાવવા ગયા પણ તોય ગણેશજી એક ના બે ના થયા. ત્યારબાદ તમામે એક પછી એક આવીને ગણેશજી સાથે યુદ્ધ કર્યું પણ પાર્વતીજીના મહાપરાક્રમી પુત્ર ગણેશજી સામે કોઈ ટકી શકયું નહી.
શિવ અત્યંત ક્રોધે ભરાઈને ત્યાં આવ્યા અને પોતાના ત્રિશૂળથી ગણેશજીનું મસ્તક ધડથી અલગ કરી દીધું. ત્યાં હાહાકાર થઈ ગયો.
પાર્વતીજીને આ વાત ખબર પડતા તેઓએ અત્યંત સંતાપ કર્યો અને મહાદેવજી સામે જીદ કરી કે “કંઈ પણ થાય આપ મારા પુત્રને સજીવન કરો” મહાદેવજીએ દેવોને આજ્ઞા કરી કે જંગલમાં જે પહેલું મળે એનું મસ્તક કાપીને લઈ આવો. દેવો હાથીનું મસ્તક કાપીને લાવ્યા અને એ લગાવીને ગણેશજીને સજીવન કર્યા.
મહાદેવજીએ પુત્ર ગણેશજીને ગળે લગાવીને વ્હાલ કરીને તમામ ગણોમાં સર્વપ્રથમ પૂજનીય થાય એમ આશીર્વાદ આપ્યા. માતા પાર્વતીએ પુત્રને ખોળામાં બેસાડયો. કાર્તિકેય નાના ભાઈ ગણેશ પર ખૂબ જ સ્નેહ વરસાવ્યો. બધા દેવોએ પાર્વતીજીની માફી માંગી અને ગણેશજીને વિવિધ આશીર્વાદ આપ્યા.
ગણેશજીએ પોતાની બુદ્ધિમતા અનુસાર માતા-પિતાની પ્રદક્ષિણા કરી જે પૃથ્વીની પ્રદક્ષિણા સમાન થઈ ગઈ જયાં કાર્તિકેય મોર પર બિરાજમાન થઈને પૃથ્વીની પ્રદક્ષિણા ફરવા ગયા.
શરત અનુસાર શિવ-પાર્વતીજીએ ગણેશજીના લગ્ન રિદ્ધિ-સિદ્ધિ સાથે કરાવ્યા જેઓ વિશ્વકર્માની પુત્રીઓ છે. લગ્ન પછી ગણેશજીના બે પુત્રો થયા જેમ કે રિદ્ધિથી “ક્ષેમ” અને સિદ્ધિ થી ‘લાભ” એમ બે પુત્રો થયા. ઘણી પૌરાણિક માન્યતાઓ અનુસાર “સંતોષી”ને ગણેશજીની પુત્રી કહ્યા છે.
શિવજીના પરિવારમાં માતા પાર્વતી, પુત્ર કાર્તિકેય, પુત્ર ગણેશજી અને તેમનો પરિવાર, શિવનો પ્રિય નંદી, શિવનો ભૈરવ વીરભદ્ર, માતા પાર્વતીનું વાહન સિંહ, કાર્તિકેયનું વાહન મોર તથા ગણેશજીનું વાહન મૂષક વગેરનો સમાવેશ થાય છે.
ગણેશજીની આ કથા અનુસાર આપણે સૌએ અહીં એમ સમજવાનું છે કે પિતા ગમે તેટલા ગુસ્સે થઈને પુત્રને દંડ આપે પણ માતાનું હ્દય અત્યંત કોમળ હોય છે. માતા પોતાના પુત્ર માટે તેના પતિ સાથે ઝઘડી શકે છે, લડી શકે છે પણ તે પોતાના પુત્રની હંમેશા કાળજી રાખે છે.
જય ગણેશ. હર હર મહાદેવ.
જય બહુચર માં.