આમ તો માતાજીને પૃથ્વી પરના તમામ ફળો ખૂબ પ્રિય છે પણ છતાં જો માતાજીને ખૂબ જ પ્રિય બે ફળો હોય તો તે છે દાડમ અને સીતાફળ. આ બંને ફળો ખૂબ પ્રિય છે તેની પાછળનું તર્ક આપું તો આ બંને ફળોમાંથી નીકળતા દાણા ગણી શકાતા નથી. આપણે અનુમાન લગાવી શક્તા નથી કે અંદર કેટલા દાણા હશે માટે જે અગણિત છે તે માઁ ને પ્રિય છે.
કહેવાનું તાત્પર્ય તેમ છે કે માઁ ના ગુણો અગણિત છે જે ગણીએ તો પણ ગણી શકાય તેમ નથી. માઁ ના ગુણોનો કોઈ પાર પામી શકે તેમ નથી તેથી અગણિત ફળો માઁ ને પ્રિય હોઈ શકે છે.
બીજો તર્ક એમ પણ નીકળી શકે છે દરેક મનુષ્ય દાડમ અને સીતાફળ જેવો છે. જયાં સુધી તે ઈશ્વરની સમીપ નથી જતો ત્યાં સુધી તેની અંદર રહેલા ગુણોને ઓળખી નથી શકતો.
દરેક મનુષ્યની અંદર દાડમના અને સીતાફળના દાણા સારા દાણા હોય તેવા સદગુણો હોય છે અને ખરાબ દાણા જેવા દુર્ગુણો હોય છે. આપણે દાડમ કે સીતાફળને ફોલીએ ત્યારે તેમાં રહેલા ખરાબ દાણાને કાઢી નાખીએ છે તેમ આપણે પણ આપણા ખરાબ દુર્ગુણોને દૂર કરી સદગુણોની પ્રાપ્તિ માટે ઈશ્વરના ચરણે દાડમ અને સીતાફળ બનીને રહેવું પડશે.
શાસ્ત્રોકત તર્ક આપું તો દુર્ગાસપ્તશતી ચંડીપાઠના અગિયારમાં અધ્યાય નારાયણી સૂકતમાં માઁ આદિ પરાશક્તિ દેવોને કહે છે કે પૃથ્વી પર હું જયારે અત્યંત ભયંકર રૂપમાં અવતાર ધારણ કરીશ ત્યારે વૈપ્રચિત દાનવોનો વધ કરીશ તે સમયે તે મહાભયંકર રાક્ષસોનું ભક્ષણ કરતી વખતે મારા દાંત દાડમના ફૂલ જેવા લાલ થઈ જશે તેવે સમયે પૃથ્વી પરના મનુષ્યો અને સ્વર્ગના દેવતાઓ મારી “રક્તદંતિકા” તરીકે ઓળખશે.માઁ અહીં દાડમનો ઉલ્લેખ કરે છે તેથી બની શકે તેમને “દાડમ” પ્રિય હોય.
વાલ્મીકી રામાયણ અનુસાર ભગવાન રામ સીતા માતા ને ભાઈ લક્ષ્મણ સાથે વનવાસ દરમ્યાન જંગલમાં ફળો આરોગતા હતા.તે સમયે રામ ભગવાન જે ફળો તોડીને લાવ્યા હતા તેમાં સીતા માતાને એક ફળ ખૂબ જ ભાવ્યું જેમાં અગણિત દાણા હતા ત્યારબાદ તે ફળ સીતાફળ કહેવાયું.
પ્રિય વાંચકો, તમે ગુગલ કરીને જોજો દુનિયાના વૈજ્ઞાનિકોએ તથા ડોકટરોએ દાડમ અને સીતાફળને ગુણકારી કહ્યું છે. તેમાં અગણિત ગુણો છે જેમ કે તે ઈમ્યુનિટી પાવર વધારે છે.વિટામીન સી અને બી કોમ્પલેક્ષ ભરપૂર માત્રામાં હોય છે.લોહીનો સ્ત્રોત વધારે છે. શીતળતા આપે છે. દાઢો અને પેઢાને મજબૂત કરે છે. શરીરનું વજન માત્રામાં રાખે છે. માનસિક તનાવ અને ડિપ્રેશન ઓછું કરી શકે છે.ગર્ભવતી મહિલાઓએ સારી તંદુરસ્તી માટે આ બંને ફળો આરોગવા જોઈએ.હાઈબ્લડપ્રેશરની બીમારીને કંટ્રોલમાં લાવે છે.શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
આ આર્ટિકલ માઁ એ આપેલી બાળક બુદ્વિથી લખ્યો છે. આમાં મારી લખેલી જ વાતો સાચી છે તેવો મારો કોઈ વ્યક્તિગત અભિગમ નથી.ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. મારો અભિગમ હંમેશા સર્વનું સારું થાય તેમ જ રહ્યો છે.
બોલો જય બહુચર માં.