આપણે સૌએ વાકબારસે દેવી સરસ્વતીને યાદ કર્યા, ધનતેરસે દેવી મહાલક્ષ્મીની પૂજા કરી અને આજે કાળી ચૌદશે દેવી કાલીના દર્શન માત્રથી વ્યકિત પોતાનું, પરિવારનું તથા સમાજનું રક્ષણ કરી શકે એવો નિડર બને છે.
દુર્ગા સપ્તશતી ચંડીપાઠમાં ઋષિ મારંકડેય મુનિએ સાતમાં અને આઠમાં અધ્યાયમાં “કાળી” નું વર્ણન કર્યું છે તે રૂવાંટા ઉભા કરી દેનારું છે તમારે એક વાર તો વાંચવું જ જોઈએ.
કાળી જગદંબાના ક્રોધમાંથી ઉત્પન્ન થયા હતા જે અતિભયંકર, વિશાળ ગર્જના કરનાર, રાક્ષસોનો માત્ર હુંકારથી વધ કરનાર ખૂબ ડરામણા છે પણ એમના બાળકોને ભૂત-પ્રેત, નકારાત્મક શકિતઓ, કાલું મેલું ધેલુ તથા અનેક આસુરી શકિતઓના ભયથી મુકત કરીને નિડર અને અભય બનાવે છે.
દેવી ભાગવત પુરાણમાં કાળીને દસ મહાવિદ્યાની અંતર્ગત રહેલી એક વિદ્યા (શકિત) કહી છે. આજના કાળી ચૌદસના દિવસે કાળીના સાત્વિક તથા તાંત્રિક સાધકો કાળીની ઉપાસના કરે છે.
આપણો કાળીયો ખરીને અરે આપણો શ્યામ શ્રી કૃષ્ણ એણે આજના દિવસે નરકાસુરનો વધ કર્યો હતો તેથી આજે “નરક ચતુદર્શી” પણ કહેવાય છે.
આજે શ્રી રામદૂત જીના દર્શન કરવા જોઈએ તથા હનુમાન ચાલીસા, સુંદરકાંડના પાઠ કરવા જોઈએ.
આજે તાંત્રિકો ભૈરવની ઉપાસના કરે છે તથા ઘણા લોકો મહુડી ઘંટાકર્ણ મહાવીરના દર્શનાર્થે જાય છે.
આપણે મોટી માતા ખરીને ચુંવાળ બહુચરાજી ત્યાં રાત્રિના બાર વાગ્યાના ટકોરે માંની આરતી થાય છે અને માંની અખંડ જયોતનું કાળું કાજળ દરેક માંઈભક્તો આંખે આંજે છે.
હજી લખું !! ચલો એક બે વાત વધારે કહી દઉં. આપણે દર વર્ષે કાળીચૌદસે વડા ચાર રસ્તે મૂકી આવીએ છે છતાં ઘરમાં કજિયો,કંકાશ કે કકળાટ કેમ થાય છે ? એના અનેક કારણો છે જેમ કે એકબીજાના વિચારો નથી મળતા,કોઈ કોઈની વાત માનવા તૈયાર નથી હોતું,કોઈ પોઝિટિવ કે કોઈ નેગેટિવ હોય છે,કોઈ ભણેલું હોય અને કોઈ અભણ હોય અથવા કોઈના વિચારો દસમી સદીના હોય તો કોઈના એકવીસમી સદીના હોય.આ બધી વાતોનું એક જ સમાધાન છે “જે જેવું છે એવું એને સ્વીકારી લો” અને તમે સામેવાળાના નકારાત્મક ગુણોને ભૂલીને એના હકારાત્મક ગુણો પર જ ફોકસ કરો. જો આવું કરશો તો બધા ગમશે અને પછી તમને પણ બધું ગમવા લાગશે !
જય બહુચર માઁ.