એક બહુચર માતાનું મંદિર હતું. બધા માણસો પગાર પર હતા જેમકે પૂજારી,મંદિર સાફ સફાઈ કરનાર, મંદિરમાં આરતી સમયે ઘંટ વગાડનાર એમ દરેક વ્યકિતનું ગુજરાન મંદિરમાંથી મહેનતાણા રૂપે મળતી રકમમાંથી થતું હતું.
આરતી વખતે ઘંટ વગાડનાર વ્યકિત ઘંટ વગાડતી વખતે એવો મશગૂલ થઈ જતો કે એ આંખો બંધ કરીને જાણે ભાન જ ભૂલી જતો અને માતાની આરતીમાં પોતાના અંતર મનની ભાવનાથી ધંટનાદમાં ડૂબી જતો. આરતીમાં આવતા દરેક લોકો તેના આ કાર્યને બિરદાવતા હતા.
એક વખત મંદિરનું ટ્રસ્ટી મંડળ બદલાયું અને નવા ટ્રસ્ટીઓએ એવું નકકી કર્યુ કે મંદિરમાં કામ કરનાર દરેક વ્યકિત ભણેલો ગણેલો હોવો જોઈએ. તેથી જૂના અભણ કર્મચારીઓને છૂટા કરો.
બધાને છૂટા કર્યા બાદ પેલો ઘંટ વગાડનારો વ્યકિત નવા ટ્રસ્ટીઓને મળીને આજીજી કરવા લાગ્યો કે સાહેબ, ભલે હું અભણ છું પણ મારો ભાવ તો જુઓ. મને ઘંટ વગાડવાના પૈસા ના આપતા પણ આવું ના કરો મને કાઢશો નહી પરંતુ પેલા ટ્રસ્ટીઓએ સત્તાના અને પૈસાના રૂઆબમાં એકની બે ના સાંભળી.
બીજા દિવસે આરતીમાં બધા નવા હતા જેમકે પૂજારી અને ધંટ વગાડવાવાળા નવા ભાઈ વગેરે. માતાજીની આરતીમાં બધાને પહેલા જેવી મજા આવતી નહી અને પેલા ઘંટ વગાડવાવાળા ભાઈની કમી મહેસૂસ થવા લાગી.
આરતીમાં આવનાર આ બધા શ્રદ્ધાળુઓ ભેગા થઈને એમના ઘરે ગયા અને કહ્યું કે “તમે મંદિરમાં ઘંટ વગાડવા આવો” એટલે પેલા ભાઈએ કહ્યું કે ” હું આવીશ તો મને ત્યાં ઘંટ વગાડવા દેશે નહી અને નોકરી માટે આવું છું એમ કરીને મને અપમાનિત કરશે.
થોડા સમય પછી બધા શ્રદ્ધાળુઓએ નકકી કર્યુ કે પેલા ભાઈને મંદિરની સામે નાનકડી દુકાન ખોલી આપીએ. તેઓ ત્યાં બેસીને ધંટ વગાડશે, આરતીમાં આનંદ થશે અને ઘંટ વેચીને એમનું ગુજરાન પણ ચાલશે.
બીજા દિવસે આરતીની તૈયારી થઈ. પેલો ઘંટ વગાડનાર માણસ મંદિરની બરોબર સામે ધંટ વગાડવા માટે પેલા શ્રદ્ધાળુઓએ જે નાની દુકાન ખોલી આપી હતી ત્યાં તૈયાર થઈ ગયો અને આરતીનો આરંભ થયો
“જય આદ્યશકિત માઁ જય આદ્યશકિત” આરતીનો આરંભ થતા મંદિરની સામે પેલો વ્યકિત મનના શુદ્ધ ભાવથી ઘંટ વગાડવા લાગ્યો. આજે એ ફરીથી લીન થઈ ગયો. આનંદમાં આવીને જાણે ગાંડો ઘેલો બની ગયો. થોડા સમય પછી બહુચર માતાએ તેની સામું એવું જોયું કે તેણે આખા બજારમાં એકની સાત દુકાન કરી અને ઘંટ બનાવવાની ફેકટરી નાખી.
હવે એ મંદિરે ઘંટ વગાડવા પોતાની મર્સિડિઝ લઈને આવતો.સમય વીત્યો. પાંચ વર્ષ પછી મંદિરનું નવું ટ્રસ્ટી મંડળ બન્યું. નવા ટ્રસ્ટી મંડળે મંદિરનો જીણોદ્રાર કરવાનું વિચાર્યુ અને મંદિરના નવીનીકરણ માટે સૌથી પહેલા મંદિરની સામે દુકાન ધરાવતા પેલા વ્યકિત પાસે જવાનું વિચાર્યુ.આ નવા ટ્રસ્ટી મંડળને એની ભૂતકાળની કોઈ જ વાત ખબર નહોતી એટલે એ લોકોની નજરમાં આ ત્યાંનો સૌથી ધનવાન વ્યકિત આ ભાઈ જ હતો.
ટ્રસ્ટીઓ દાન લેવા ગયા ત્યારે આ ભાઈએ એકપણ શબ્દ ઉચ્ચાર્યા વગર કોરો ચેક આપી દીધો અને કહ્યું કે તમારે જે રકમ લખવી હોય એ લખી નાખજો. ટ્રસ્ટીઓએ કહ્યું કે સાહેબ આમાં તમારી સહી તો બાકી છે. તો પેલા વ્યકિતએ કહ્યું કે મને સહી કરતા નથી આવડતી. લાવો અંગૂઠો મારી આપું. પેલા ટ્રસ્ટીએ કહ્યું કે સાહેબ તમે અભણ છો તો આટલા આગળ છો, ભણેલા હોત તો કેટલા આગળ હોત.
પેલા ભાઈએ કહ્યું કે “ભણેલો હોતને તો મંદિરમાં ઘંટ જ વગાડતો હોત”
આ વાર્તા પરથી સાર સમજજો કે તમારી ભાવના સારી હોય ને તો તમે ભણેલા હોવ કે અભણ હોય, પૈસાવાળા હોવ કે ના હોવ, સત્તાધીશ હોવ કે ના હોવ માતાજી તમારી સામું જોવે જ છે.
તમારી પાસેથી કદાચ માતા કયાંકથી કોઈ જગ્યાએથી તક છીનવી લે છે તો માઁ તમને એના કાર્ય માટે કંઈક મોટી તક આપવા માંગે છે.
અંતે હું એટલું કહીશ કે મારી, તમારી અને આપણા સર્વની લાયકાત આપણી ભક્તિથી નકકી થાય છે કારણકે શક્તિને ભક્તિ અને ભક્તનો ભાવ જોઈએ છે બીજુ કંઈ નહી.
બોલો શ્રી બહુચર માત કી જય.
જય બહુચર માઁ.