કળિયુગમાં મામડિયા ચારણના પત્ની દેવલબાઈની કૂખે શિવની કૃપાથી સાત દીકરીઓ અને એક દીકરાનો જન્મ થયો. આવડ જોગડ તોગડ બીજબાઈ હોલબાઈ સાંસાઈ જાનબાઈ એમ સાત દીકરીઓ અને એક મેરખિયો નામનો દીકરો થયો હતો.
જાનબાઈનો જન્મ મહાસુદ નોરતાની આઠમના દિવસે થયો એટલે આ દિવસને ખોડીયાર જન્મ જયંતી તરીકે ઉજવવામાં આવે છે.
એકવાર મામડિયા ચારણનો દીકરો ગામના પાદરે રમતો હતો.તે સમયે અચાનક તેને સાપ કરડ્યો.
ચારણની દીકરીઓમાં શું હિંમત હોય છે તે હવે જોજો. જાનબાઈ પોતાના ભાઈને કરડેલા સાપનું ઝેર ઉતારવા માટે પાતાળલોકમાં અમૃતનો કુંભ લેવા એકલા ગયા હતા. જાનબાઇ અમૃતનો કુંભ લઈને પાછા આવતા હતા ત્યારે એક પથ્થર એમના પગમાં વાગ્યો તેથી તે ખોડાતા ચાલવા માંડ્યા પણ મગર તેમની મદદે આવ્યો અને મગર ઉપર સવાર થઈને તેઓ પોતાના ભાઈને બહાર લાવ્યા હતા.
જાનબાઈએ અમૃતથી સાપનું બધું જ ઝેર ઉતારીને ભાઈને બચાવી લીધો હતો. જાનબાઈને પથ્થર વાગ્યો હોવાથી તે ખોડાતા ચાલતા હતા.તેમના મોટા બહેન આવળ બોલ્યા કે જાનબાઇ તમને ખોડ લાગી છતાં તમે ભાઈની ખોડ મટાડી એટલે તું સર્વ લોકોના ખોડ હરનારી ખોડલ ખોડીયાર કહેવાઈશ.
ખોડીયાર પ્રેમ,સ્નેહ અને વાત્સલ્યની દેવી છે.જ્યારે પણ તમે ખોડીયાર માના દર્શન કરવા જાવ ત્યારે માં કેટલુ પ્રેમ અને લાગણીથી હસતા હસતા આપણી સામું જોતા હોય છે કે હમણાં સર્વ દુઃખોને હરીને આપણને સુખી કરી નાખશે.
માં ખોડિયાર જયારે ભક્તનું હિત કરે તો કેવી રીતે કરે તે જાણવા જેવું છે તે ધ્યાનથી વાંચજો.
જ્યારે તું કોઈ જંગલમાં, દરિયામાં, આકાશમાં,સૂની શેરીઓ કે મોહલ્લામાં અમસ્તા અટવાઈ જાય ત્યારે એક ચારણ કન્યા મળશે અને તને રસ્તો બતાવશે આ બીજું કોઈ નહિ પણ યાદ રાખજો મા ખોડીયાર સ્વયં હશે.
તું થાકી જાય તો હારતો નહીં, તું ક્યાંક અટવાઈ જાય તો મૂંઝાતો નહીં તું માત્ર એને યાદ કરજે.એની મૂર્તિમાં જેમ એનું છલકાતું હાસ્ય અને મલકાતું મુખડું તને દેખાય છે એમ તારા નિરાશાથી ભરેલા ચહેરા પર આશાનું કિરણ લાવી દે તો તું એને ખોડીયાર સમજજે.
તું હજી ધ્યાનથી સાંભળ તારું ખોટું થવા નહી દે અને જે ખોટા હશે ને તારી નજીક આવવા નહી દે. તે કન્યા બનીને પણ આવશે,સ્વરૂપવાન સ્ત્રી થઈને પણ આવશે કે ઘરડી ડોસીનું રૂપ લઈને પણ આવશે પણ તું તેને ઓળખજે તેણે કાળી કામળી ઓઢી હશે અને હા તે જ ખોડીયાર હશે.
તારે જોઈએ એટલું તારા ખપનું પણ આપશે અને તારે એથી પણ વધારે જોઈતુ હશે તો ખપ્પર ભરીને પણ આપશે પણ તું હતાશ ના થતો એને તારી ઘણી ફિકર છે જેમ એક માં ને પોતાના જન્મેલા બાળકની કેમ હોય ?
તું “માં” ની ઈચ્છાને માથે ચડાવજે અને તારું કાર્ય તું કરે રાખજે પછી જોજે તારા એક હોંકાટે તારી ભેળી ઊભી રહી જાય તે કોઈ નહી પણ તારી ને તારી જ માં ખોડીયાર હશે.
માં ખોડીયારને બે હાથ જોડીને માથું નમાવીને લાખ લાખ વંદન.
જય ખોડિયાર માં.
જય બહુચર માં.