દુર્ગા સપ્તશતી ચંડીપાઠના ચતુર્થ અધ્યાયમાં દેવીએ મહિષાસુરનો વધ કર્યો ત્યારબાદ દેવોએ પ્રસન્ન ભાવે માતાજીની સ્તુતિ કરી હતી. આ સ્તુતિને શક્રાદય સ્તુતિ કહે છે.
શક્રાદય સ્તુતિના ચતુર્થ અધ્યાયના સાતમાં શ્લોકમાં શક્ર (ઈન્દ્ર) આદિ દેવતાઓ દેવીને કહે છે કે
યસ્યા: સમસ્તસુરતા સમુદીરણેન
તૃપ્તિં પ્રયાતિ સકલેષુ મખેષુ દેવિ ।
સ્વાહાસિ વૈ પિતૃગણસ્ય ચ તૃપ્તિહેતુ
રુચ્ચાર્યસે ત્વમત એવ જનૈ: સ્વધા ચ ।।
અર્થાત્ હે દેવી ! સમસ્ત યજ્ઞોમાં જેના ઉચ્ચારણથી બધા દેવતાઓ તૃપ્તિ સંપન્ન કરે છે તે સ્વાહા તમે છો. આ ઉપરાંત તમે પિતૃઓની તૃપ્તિનું પણ કારણ છો તેથી સૌ તમને સ્વધા પણ કહે છે.
શિવપુરાણ અનુસાર દક્ષ પ્રજાપતિની અનેક પુત્રીઓ હતી. તેમાંથી “સ્વાહા” નામની પુત્રીના વિવાહ તેમણે અગ્નિ દેવતા સાથે કરાવ્યા હતા. અગ્નિ હંમેશા તેમની પત્ની સ્વાહા દ્વારા જ ભોજન ગ્રહણ કરે છે.
જયારે બ્રાહ્મણ દ્વારા યજ્ઞાદિ કર્મ કરવામાં આવે છે ત્યારે દેવતાઓને આહૂતિ આપવા અર્થાત્ દેવતાઓ ભોજન ગ્રહણ કરે તે માટે “સ્વાહા” શબ્દનો ઉલ્લેખ કરાય છે અર્થાત્ સમગ્ર દેવતાઓ અગ્નિ અને સ્વાહા દ્વારા (અગ્નિમાં આપવામાં આહૂતિ) દ્વારા ભોજન ગ્રહણ કરે છે.
દક્ષ રાજાએ તેમની અન્ય પુત્રી “સ્વધા” ના વિવાહ પિતૃ સાથે કરાવ્યા હતા તેથી પિતૃ હંમેશા તેમની પત્ની સ્વધા દ્વારા જ ભોજન ગ્રહણ કરે છે.
કર્મકાંડી બ્રાહ્મણ પિતૃઓને આહૂતિ આપે છે ત્યારે સ્વાહાની બદલે “સ્વધા” શબ્દનો ઉચ્ચારણ કરે છે.
સ્વાહા અને સ્વધા વચ્ચે અંતર એમ છે કે અગ્નિમાં આહૂતિ અપાય ત્યારે સ્વાહાનું ઉચ્ચારણ થાય છે અને અગ્નિની બહાર જયારે આહૂતિ અપાય ત્યારે સ્વધાનું ઉચ્ચારણ કરાય છે.
બ્રહ્મવર્વેતપુરાણના પ્રકૃતિખંડમાં “સ્વધાસ્તોત્રમ” છે જેનો પાઠ કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે.
બ્રહ્માજી આ સ્તોત્રના બીજા શ્લોકમાં કહે છે કે “સ્વધા, સ્વધા, સ્વધા” એમ ત્રણ વખત ઉચ્ચારણ કરવામાં આવે તો શ્રાદ્ધ, કાળ અને તર્પણનું ફળ પ્રાપ્ત થાય છે.
શ્રીમદ્ ભાગવત અનુસાર બ્રાહ્મણો અને ક્ષત્રિયોના યજ્ઞની આહૂતિ દેવતાઓ સુધી પહોંચતી નહોતી તેથી સૌ બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી સૌને સાથે લઈને શ્રી કૃષ્ણના શરણમાં ગયા. શ્રી કૃષ્ણે સૌને પ્રકૃતિની આરાધના કરવાનું કહ્યું. પ્રકૃતિ સૌની આરાધનાથી પ્રસન્ન થયા. પ્રકૃતિએ સ્વાહા અને સ્વધા નામની શક્તિઓ પ્રગટ કરીને સૌને સંતુષ્ટ કર્યા.
મૂળ વાત પર આવીએ કે દુર્ગા સપ્તશતી ચંડીપાઠમાં ઈન્દ્રાદિ દેવોએ જગદંબાને સ્વાહા અને સ્વાધા કેમ કહ્યા ?
આદિ પરાશક્તિ જગદંબા શૂન્યાંનાં શૂન્યસાક્ષિણી છે.જે અનંતા છે. આ બ્રહ્માંડની તમામ સ્ત્રી શક્તિઓ દેવીના જ સ્વરૂપ છે તેથી ઈન્દ્રાદિ દેવો અહીં દેવી જગદંબાને સંબોધે છે કે સ્વાહા અને સ્વધાએ તમારા જ શક્તિ સ્વરૂપો છે જે સ્વરૂપોની આરાધના કરવાથી યેનકેન પ્રકારે આપ સંતુષ્ટ થાઓ છો અને આપના સંતુષ્ટ થવાથી દેવતાઓ અને પિતૃઓ પણ આપોઆપ સંતુષ્ટ થાય છે.
જય બહુચર માઁ.