“વિત્તમેવ કલો તૃણાં જન્માચાર ગુણોધ્યો”
“ધર્મારણ્ય માહાત્મય” નામક ગ્રંથમાં અધ્યાય ૬૯માં ઉપર લખેલો શ્લોક વર્ણવેલો છે જે કળિયુગની ભયાનક પરિસ્થતિનો ખ્યાલ આપે છે. આ શ્લોકનું અર્થઘટન એમ થાય છે કે મનુષ્યનો જન્મ, આચરણ, ગુણ વગેરે નાણામાં સમાપ્ત થઈ જશે.ચોરી, જૂઠ,હિંસા, અદેખાઈ, ઈર્ષ્યા, ન જોયેલી હિંસા વગેરે જોવા મળશે. દરેક વર્ણ સમાન લાગવા માંડશે,ચાર આશ્રમોમાં માત્ર ગૃહસ્થાશ્રમ રહેશે, ઔષધિઓનું કઈ વર્ચસ્વ નહી રહે,આ સંપૂર્ણ ઘટિત થશે ત્યારે કળીયુગના અંતનો સમય આવશે, વિષ્ણુ ભગવાનનો “કલ્કિ” અવતાર થશે, સર્વ અનિષ્ટોનો નાશ થશે અને ધર્મારણ્ય ફરી ઉત્પન્ન થશે. આ ધર્મારણ્યમાં શ્રી મોઢેશ્વરી ( માતંગી ) માતાના પ્રિય મોઢ બ્રાહ્મણો ફરીથી આવીને વસશે અને તેમની સેવામાં વણિકો પણ પરત આવશે.
ધર્મરાજાએ એક હજાર વર્ષો સુધી તપ કરીને શિવને પ્રસન્ન કર્યા હતા જે વનમાં તપ કર્યું હતું તે વન ધર્મારણ્ય એટલે ધર્મનું વન કહેવાય છે. આ ધર્મના વનમાં ચુંવાળ પ્રદેશ આવેલો છે જયાં ચુંવાળમાં જગદંબા બાળ સ્વરૂપે પ્રગટ થઈ બહુચરાજી કહેવાયા. શ્રી બહુચરાજી શક્તિપીઠથી પંદર કિલોમીટરના અંતરે મોઢેરા ગામ આવેલું છે જે સમસ્ત મોઢ બ્રાહ્મણોનું મૂળસ્થાન ગણાય.એક પ્રાચીન દંતકથા અનુસાર શ્રી રામસીતાના લગ્નપ્રસંગે મોઢ બ્રાહ્મણોને આ ગામ દક્ષિણા સ્વરૂપે મળેલું.આ ગામ મોઢ બ્રાહ્મણો સિવાય સમસ્ત મોઢ જ્ઞાતિનું વતન પણ છે જેમાં વૈશ્યો, ક્ષત્રિયોનું મૂળ વતન કહેવાય.જેમાં મોઢ ધાંચીની વસ્તી વધારે પ્રમાણમાં હતી..
રાવણનો વધ કર્યા પછી શ્રી રામચંદ્ર ભગવાનને “બ્રહ્મહત્યા” નું પાપ લાગ્યું હતું. ભગવાને ગુરુજી વશિષ્ઠને પૂછયું કે આ “બ્રહ્મહત્યા” ના લાગેલા પાપના નિવારણ અર્થે શું કરવું ? ત્યારે ગુરુજીએ કહ્યું કે ધર્મારણ્યમાં આવેલા મોહરકપુર સ્થળે “શ્રી મોઢેશ્વરી ( માતંગી ) માતાનો યજ્ઞ કરવાથી આ પાપમાંથી મુકિત મળી શકે છે. અહિંયા સૂર્યપુત્ર ધર્મરાજ ( યમરાજ ) અને સૂર્યપત્ની છાયાએ પણ તપ કર્યા હતા.
શ્રી રામચંદ્ર ભગવાન પોતાના પરિવાર સાથે રથોમાં, વિમાનોમાં, હાથી-ઘોડા પર બિરાજમાન થઈને ધર્મારણ્યમાં આવ્યા પરંતુ અચાનક જ આ સર્વ રથો, વિમાનો,હાથી ઘોડા ત્યાં જ થંભી ગયા. શ્રી રામચંદ્રજીએ ગુરુ વશિષ્ઠને પૂછયું કે આ થવાનું કારણ શું છે ? ગુરુદેવે કહ્યું કે “ધર્મારણ્યમાં જગદંબા સ્વયં વિદ્યમાન હોઈ અહીં પગપાળા જવું ઉત્તમ છે” શ્રી રામચંદ્ર ભગવાને તથા સમગ્ર પરિવારે સુવર્ણા નદીના કિનારે તમામ સવારીનો ત્યાગ કર્યો અને પગે ચાલીને “માતંગી” માતાના દર્શને આવ્યા, ત્રિદેવોનું આહવાન કરીને યજ્ઞ કર્યો, બ્રાહ્મણોને આજુબાજુના પંચાવન કે તેથી વધુ ગામો દક્ષિણામાં આપ્યા.ભગવાને વૈશ્યો, ક્ષત્રિયો તથા શૂદ્રોને આશીર્વાદ આપ્યા.
શ્રી રામચંદ્ર ભગવાને બકુલના વૃક્ષ પાસે જયાં સૂર્ય પત્ની છાયાએ તપ કર્યું હતું ત્યાં પોતાના કુલદેવ બકુલાર્ક સૂર્યનું ભવ્ય મંદિર બનાવ્યું.ભગવાને સ્વહસ્તે મંદિરમાં સૂર્યદેવની પધરામણી કરી. આજે પણ મોઢેરાના સૂર્યમંદિરના શિલ્પ અને કોતરણીકામ વિશ્વભરમાં પ્રખ્યાત છે.શ્રી રામચંદ્ર ભગવાન પરિવાર સાથે પરત ફરતા હતા ત્યારે બહુચરાજી પાસે એક સુંદર સ્થળ હતું જયાં માં સીતાને રોકાવાની ઈચ્છા થઈ એ સ્થળ આજે સીતાપુર ગામના નામે ઓળખાય છે જે ભગવાન રામચંદ્રે વસાવ્યાનો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથોમાં મળી આવે છે.
એક સમયે કર્ણાટ નામના દૈત્યનો સંહાર કરવા મોઢ બ્રાહ્મણોની પ્રાર્થનાથી દેવી માતંગી પ્રગટ થયા હોવાનું જાણવા મળે છે. કળિયુગમાં મુગલો ગુજરાતમાં આવીને અનેક મંદિરોને ધ્વસ કરવા માંડયા હતા તે સમયે મુગલોએ જયારે મોઢેરા પર આક્રમણ કર્યું ત્યારે ત્યાંના મોઢ બ્રાહ્મણોની સામે લડતમાં હાંફી ગયા હતા કારણકે મોઢ બ્રાહ્મણો એકલા વેદપાઠી નહોતા પરંતુ લડવૈયા પણ હતા.છ મહિના સુધી જયારે બ્રાહ્મણોને હરાવી ના શકયા ત્યારે મુગલોએ એક ષડયંત્ર રચ્યું……..
ભાગ-૨ વાંચો…
જય માતંગી માં. જય બહુચર માં.