પરમાત્માની રાત્રી એટલે મહાશિવરાત્રી
વર્ષમાં દરેક કૃષ્ણ પક્ષની ચૌદસે આવતી રાત્રિને શિવરાત્રી કહેવાય છે પણ મહા મહિનાની ચૌદસે આવતી રાત્રીને મહાશિવરાત્રી કહેવાય છે.
શિવ પુરાણ અને લિંગ પુરાણ અનુસાર મહા વદ ચૌદશે પરમાત્મા શિવ લિંગ સ્વરૂપે બ્રહ્મા અને વિષ્ણુની વચ્ચે પ્રગટ થયા હતા.આ દિવસ અને આખી રાત્રી એટલે મહા મહાશિવરાત્રી.તમે જોજો મહાશિવરાત્રીએ ચાર પ્રહરની પૂજા થાય છે.
બીજી અન્ય એક માન્યતા અનુસાર મહાશિવરાત્રી એટલે એ રાત્રિ કે જયારે શિવજીના પાર્વતી માતા સાથે વિવાહ થયા હતા. જયોતિષશાસ્ત્ર મુજબ આજે ચંદ્ર (માતા) મકર રાશિમાં તથા સૂર્ય (પિતા) કુંભ રાશિમાં એકબીજાની સૌથી નજીક હોય છે જેથી માતા-પિતાના મિલનની રાત્રી એ મહા વદ ચૌદશની રાત્રિ એટલે મહાશિવરાત્રી એમ પણ કહી શકાય છે.
શિવ પાર્વતીના વિવાહના પ્રસંગ જેવો કોઈ શ્રેષ્ઠ પ્રસંગ નથી એકવાર શિવમહાપુરાણમાં આપ સૌએ આ પ્રસંગ વાંચવા જેવો છે.
એકવાર પાર્વતીજીએ શિવજીને પૂછયું કે આપને કઈ રાત્રિ વધુ પ્રિય છે ? ત્યારે શિવજી સ્વયં બોલ્યા કે “મહાશિવરાત્રી”. આગળ પાર્વતીજી અન્ય એક પ્રશ્ન પૂછે છે કે તમને સૌથી વધારે કયું સ્થળ પ્રિય છે ? ત્યારે શિવજી બોલ્યા કે “કાશી મને અતિપ્રિય છે”. જયારે હું પૃથ્વીનો પ્રલય કરીશ ત્યારે “કાશી”ને હું મારા ત્રિશૂળ પર ટેકવીને સુરક્ષિત રાખીશ.હવે પૂછો “કાશી” કેમ ? તો શિવજી અને પાર્વતીજીએ લગ્ન પછીના કેટલાક વર્ષો “કાશી”માં વિતાવ્યા હતા.
ગુણનિધિ નામના બ્રાહ્મણે મહાશિવરાત્રીના દિવસે આખો દિવસ અનાયાસે ભૂખ્યા રહીને શિવાલયમાં અમસ્તા જ રાત્રે બાર વાગે માત્ર “દીવો” પ્રગટાવ્યો હતો. આ બ્રાહ્મણ બીજા જન્મમાં ધનના અધિપતિ “કુબેર ભંડારી” તરીકે પૂજાયા.
દેવો, દાનવો, સૂરઅસૂરો, ગંધર્વો, યક્ષો , નવગ્રહો, ઋષિઓ, મનુષ્યો વગેરે તમામ શિવશકિતની કૃપા વગર શૂન્ય છે.પંચમહાભૂતો જેમ કે આકાશ,વાયુ, જળ, ભૂમિ, અગ્નિનું સર્જન કરનાર શિવશકિત છે.
શિવશકિતની ઈચ્છા અનુસાર સૂર્ય-ચંદ્ર ઉગે છે અને આથમે છે.આ પૃથ્વી પરના તમામ લોકોના માતા શકિત અને પિતા શિવ છે.શિવશકિતના જન્મ મૃત્યુનો કોઈ જ ગ્રંથ કે શાસ્ત્રમાં ઉલ્લેખ નથી.શિવશકિત આદિ અનાદિ છે.શિવશકિત જ ખરા ઈશ્વર અને પરમાત્મા છે.
જે પોતાના જીવનકાળ દરમ્યાન કયાંય પણ ભટક્યા વગર “શિવશકિત” નામક “મૂળ તત્વ”ને પકડી રાખે છે તેને સંસારના તમામ સુખો પ્રાપ્ત થાય છે, અનેક આધિ વ્યાધિ ઉપાધિ ટળે છે, મૃત્યુ પણ એનાથી ડરે છે. શિવશકિતને ભજવાથી “મોક્ષ”નો સરળ રીતે દ્વાર પણ ખૂલે છે.
ભગવદ્ ગીતાના તેરમાં અધ્યાયના ત્રેવીસમાં શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન ! જે વ્યકિત પુરુષ (શિવ) અને પ્રકૃતિ (શકિત) ને ગુણોથી ઓળખી લે છે એને ફરી જન્મ લેવો પડતો નથી અને એને કોઈ કર્મબંધન નડતું નથી તે જ સાચો જ્ઞાની પુરુષ છે.
શ્રી શિવાનંદ સ્વામી કહે છે કે
“શિવશકિત”ની આરતી જે કોઈ ગાશે, માં જે ભાવે ગાશે.
ભણે શિવાનંદ સ્વામી, “કૈલાસે” જાશે.
ૐ જય ૐ જય ૐ માં જગદંબે..
આવો આપણે મહાશિવરાત્રીના દિવ્ય પ્રસંગને ભવ્ય આનંદ સાથે ઉજવીએ.શિવાલયમાં જઈને શિવલિંગ પર દૂધ, જળ, પંચામૃત, ભાંગનો અભિષેક કરીએ, બિલિપત્ર તથા ધતૂરાના ફૂલ ચડાવીએ,શિવપૂજા સાથે માતા પાર્વતીને વંદન કરીને કહીએ કે “શિવા (પાર્વતી) સહિત શિવને નમસ્કારમ સમર્પયામિ”. આજે હર હર મહાદેવ તથા ૐ નમ:શિવાયનો નાદ આખા ભારતવર્ષમાં ગૂંજવો જોઈએ.
શિવે ભકિત શિવે ભકિત શિવે ભકિત ભવે ભવે ।
ભવે ભકિત ભવે ભકિત ભવે ભકિત સદાશિવે ।।
હર હર મહાદેવ
જય બહુચર માં.