જન્મનાં એક વર્ષમાં જ સંસ્કૃત મુળાક્ષરો શીખી લીધા,બીજા વર્ષે માતૃભાષામાં વાચનશક્તિ કેળવી,ત્રીજા વર્ષે કાવ્ય અને પુરાણોનો અભ્યાસ કર્યો,આઠ વર્ષે ચાર વેદ,બાર વર્ષે સંપૂર્ણ શાસ્ત્ર, સોળમાં વર્ષે ભાષ્ય લખનાર આદિગુરુ શંકરાચાર્યજીએ ૪૦૦ ગ્રંથોની રચના કરી બત્રીસમાં વષઁ શિવશક્તિના ચરણમાં દેહવિલિન કર્યો.
જગદ્દગુરુ શંકરાચાર્યજીના ગુરુ પરમ તંત્રવાદી અને શકિત ઉપાસક હતા.શંકરાચાર્યજી પણ ગુરુજીના માર્ગે શકિતવાદના હિમાયતી હતા.
કેટલાક શક્તિ ઉપાસકો દૈવી શક્તિનાં બદલે રુધિર તરસી દેવીની ઉપાસના કરતાં હતાં.તંત્રનો દુરુપયોગ પ્રચુર માત્રામાં થતો જેના કારણે અંધશ્રદ્ધા ચારે બાજુ ફેલાયેલી હતી.શંકરાચાર્યજીએ તંત્રનો સદ્ઉપયોગ કરવા માટેનો સર્વને સાચો માર્ગ દર્શાવ્યો અને ઘણા શકિતસૂત્રો રચ્યા.
વેદાંત સિદ્ધાંત સ્થાપિત કરનાર શંકરાચાર્યજીએ ઉત્તરમાં હિમાલય-બદરી કેદારમાં જ્યોતિર્મઠ, પશ્ચિમમાં દ્વારકામાં શારદામઠ, પૂર્વમાં જગન્નાથપુરીમાં ગોવર્ધનમઠ, દક્ષિણમાં રામેશ્વરમમાં શૃંગેરીમઠ ની સ્થાપના કરી.
શંકરાચાર્યજીએ ૧૧ ભાષ્યો, ૮ સ્તોત્રો, ૫ પ્રકરણગ્રંથો એમ કુલ ૨૪ ગ્રંથો પોતે સ્વતંત્ર લખ્યાં અને શેષ ૩૧ ભાષ્યો, ૨૧૫ સ્તોત્રો, ૧૧૨ પ્રકરણગ્રંથો એમ કુલ ૩૫૮ ગ્રંથો શિષ્યો સાથે મળીને રચ્યાં હતાં.
તંત્ર વિદ્યા, સૌંદર્ય શાસ્ત્ર અને આધ્યાત્મિક પાસાંઓ ઉમેરીને તૈયાર થયેલા અમૂલ્ય “સૌંદર્ય લહેરી” ગ્રંથ જે આદિગુરુ શંકરાચાર્યજી રચિત છે તેમાં તેમણે કહ્યું છે કે ગુજરાતનું પ્રાચીન શક્તિપીઠ ચુંવાળ પંથકમાં આવેલ બહુચરાજીનું મંદિર અદભુત છે.
આદિગુરુ શંકરાચાર્ય “સૌંદર્ય લહેરી” ગ્રંથમાં શ્રી વિદ્યાના ચાર ક્રમ દર્શાવ્યા છે. તેમણે કહ્યું છે કે શક્તિનો સાધક ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ ચાર પુરુષાર્થની પ્રાપ્તિ ક્રમ અનુસાર કરે છે ત્યારે તેને શ્રી વિદ્યા પ્રાપ્ત થાય છે.
ધર્મ – બાલ સ્વરૂપ – માઁ બાલા
અર્થ – તરૂણ સ્વરૂપ – માઁ ત્રિપુરા સુંદરી
કામ – પ્રૌઢ સ્વરૂપ – રાજરાજેશ્વરી
મોક્ષ – વૃદ્ધા સ્વરૂપ – લલિતાઅંબા.
આ ચાર મહાવિદ્યાના સમૂહને શ્રી વિદ્યા કહેવાય છે.
આદિગુરુ શંકરાચાર્ય “સૌંદર્ય લહેરી ગ્રંથ” માં વર્ણવે છે કે બાલા એટલે સર્વ શક્તિસંપન્ન – આદિ માતા. બાલાનું કાર્ય વૃદ્ધિ કરવાનું છે. બાલા આ પૃથ્વી પરના મનુષ્ય જીવ તથા પ્રાણી માત્રને બળ પ્રદાન કરનારી છે અને આ હમણાનું નથી.આ આદિ યુગથી જગતમાતા આ સંસારની વૃદ્ધિ કરતી આવી છે.
બાલા એ બળ-વર્ધિની છે. તે અદ્ધુત શક્તિનો સ્ત્રોત છે. જેણે આ શક્તિ સમજી લીધી તેનો જન્મ સફળ થઈ જશે.તેના માટે આ ત્રિભુવનની સંપત્તિ તુચ્છ થઈ જશે કારણકે જે પુત્ર પર માતા-પિતાનો હાથ ફરી જાય તે પુત્ર ધન્ય થઈ જાય છે. બાલાનો ઉપાસક કયારેય નિર્બળ ના હોઈ શકે.
જગદગુરુ શંકરાચાર્યજી આગળ વર્ણવે છે કે બાલા, બાલા ત્રિપુરા, બાલા ત્રિપુરા સુંદરી વગેરે નામોથી એક જ મહાવિદ્યાને સંબોધી શકાય છે. કોઈ પણ નામથી ઉપાસના થાય ઉપાસના તો જગતમાતાની જ થવાની છે પણ બાલા સર્વશક્તિઓનું મૂળ છે. બાલાના ક્રમને પાર કર્યા વિના સાધક મહાશક્તિ ભુવનેશ્વરી લલિતા પરાઅમ્બિકાને પામી શક્તો નથી.
નારદ સંહિતા અનુસાર વેદ, ધર્મશાસ્ત્ર, ઉપનિષદો, પુરાણો વગેરે શાસ્ત્રોમાં એક “પરમેશ્વરી” નું વર્ણન છે તે અલગ અલગ નામોથી પૂજાય છે પણ “મહાશક્તિ” એક જ છે.
દક્ષિણ ભારતના કેરળમાં ઈસ ૭૮૮ માં નામ્બુદ્રી બ્રાહ્મણ કુળમાં જન્મેલા વિદ્વાન જગદ્દગુરુ શંકરાચાર્યજીએ આપણા ઉત્તર ગુજરાતમાં આવેલા ચુંવાળ પંથકમાં બહુચરાજી મંદિરનું અને માઁ બાલાનું સાતત્ય કંઈક તો અનુભવ્યું હશે ને ?
બોલો જય બહુચર માં.