29 C
Ahmedabad
Friday, September 20, 2024

વક્રી ગ્રહો કી કહાની-મેરી જુબાની.

મારા રોજબરોજના અભ્યાસમાં જોવાતી જન્મકુંડળીઓમાં દર બે કુંડળીમાં શનિ, ગુરુ, મંગળ અને શુક્ર વક્રી જોવા મળતા હોય છે. કેટલાય જયોતિષ જિજ્ઞાસુઓ અમારી પાસે વક્રી ગ્રહોની દુ:ખ ભરી કહાની લઈને આવતા હોય છે. તેઓ કહેતા હોય છે કે સાહેબ મારી કુંડળીમાં એકથી વધુ ગ્રહો વક્રી છે તો હવે મારું શું થશે ?

જૂની પ્રણાલિઓને અને પ્રાચીન સિદ્ધાંતોને તોડી ફોડી નાંખેલું નવું સંશોધન કરેલું જયોતિષ હવે નવી ઉંચાઈએ પહોંચી રહ્યું છે. પ્રિય વાંચકો વક્રી ગ્રહોના નામે ડરાવતા બાબાઓને હવે અલવિદા કહેવાનો સમય આવી ગયો છે.

આપણે વક્રી ગ્રહો વિશે વાત કરીએ તે પહેલા વક્રી એટલે શું ? વક્રી એટલે ઉલટું. તેને અંગ્રેજીમાં Retrograde કહેવાય છે. જયારે કોઈ ગ્રહ બ્રહ્માંડમાં સીધી દિશામાં ચાલતો હોય તેને માર્ગી કહેવાય છે પણ જો ઉલટી દિશામાં જતો હોય તો તેને વક્રી કહેવાય છે તેનાથી ઉલટું તર્ક આપીએ તો જયારે ગ્રહ માર્ગી હોય ત્યારે પૃથ્વીથી દૂર હોય છે પણ જયારે ગ્રહ વક્રી હોય ત્યારે તે પૃથ્વીથી સૌથી વધુ નજીક હોય છે એટલે વક્રી ગ્રહો બળવાન થઈ જતા હોય છે.

સરળ શબ્દોમાં સમજાવું તો જે ગ્રહ વક્રી થાય તેને બળવાન ગણવો. ધારો કે કોઈ જાતકની કુંડળીમાં મંગળ વક્રી થતો હોય તે જાતક અત્યંત ક્રોધી, કામાતુર અને વધુ પડતો સાહસી જોવા મળે છે. અર્થાત્ જે માર્ગી ગ્રહની તાકાત હોય છે તે તાકાતને બેવડાવે તે વક્રી ગ્રહ.

જન્મકુંડળીમાં જે ગ્રહ જે સ્થાનમાં વક્રી થતો હોય તે ભાવને લગતું અને જે ભાવનો સ્વામી થતો હોય તેને લગતું બેવડુ ફળ આપે છે.

ઉદાહરણ તરીકે મકર લગ્નની કુંડળીમાં તુલાનો ઉચ્ચનો શનિ દસમે વક્રી થતો હોય તો આ જાતક અત્યંત મહેનતુ, કર્મપ્રધાન, પ્રતિષ્ઠિત, ન્યાયપ્રિય, જનતા સાથે જોડાયેલો હશે. આ સાથે તે ધનવાન પણ હશે કારણકે મકર લગ્નની કુંડળીમાં ધનેશ પણ શનિ થયો.

વાંચકો જેની કુંડળીમાં ઉચ્ચનો બુધ હોય તે જાતકો હોંશિયાર જોવા મળે છે પણ વક્રી બુધ હોય તેવા જાતકો ચતુર જોવા મળે છે. જેની કુંડળીમાં શુક્ર વક્રી થતો હોય તે વધુ પડતો ભોગવિલાસમાં રાચનારો અને ઐયાશી કરનારો હોય છે.

અહીં જાણવા જેવી એક બાબત એ છે કે સૂર્ય-ચંદ્ર કયારેય વક્રી થતા નથી અને રાહુ કેતુ હંમેશા વક્રી હોય છે. જયાં રાહુ કેતુના પરિણામો હંમેશા વિપરીત જોવા મળે છે.

જેમ માર્ગી ગ્રહોના હકારાત્મક અને નકારાત્મક પરિણામો હોય છે તેમ વક્રી ગ્રહોના પણ હકારાત્મક અને નકારાત્મક બંને પરિણામો હોય છે.

મેં મારા સંશોધનમાં અનુભવ્યું છે કે પુરુષની કુંડળીમાં શુક્ર વક્રી હોય તો તે પુરુષને દાંપત્યજીવનનું સુખ મળતું નથી અને જો કોઈ સ્ત્રીની કુંડળીમાં ગુરુ વક્રી હોય તો તેનું દાંપત્યજીવનનું સુખ હણાઈ જાય છે.

હવે તમે કહેશો કે તમે લેખની શરૂઆતમાં તો કહ્યું કે વક્રી ગ્રહો બળવાન થતા હોય છે. તો હા મેં સાચું કહ્યું હતું. આ બાબતનું તર્ક બહુ ધ્યાનથી સમજવા જેવું છે.

જયારે ગુરુ જેવો શુભ ગ્રહ વક્રી થઈને બળવાન થાય ત્યારે તે પોતાના ગુણધર્મોથી વિપરીત થઈને પરિણામ આપતો જોવા મળે છે તેથી તે લગ્નજીવનના સુખ બાબતે અસમર્થ થઈ જાય છે તેથી વક્રી ગુરુ સ્ત્રીને દાંપત્યજીવનના સુખમાં અને સંતાનસુખમાં શુભ ફળ આપી શકતો નથી.

જયાં શુક્રની વાત કરીએ તો પુરુષની કુંડળીમાં શુક્ર બળવાન થઈ જાય તો જાતક ભોગવિલાસ અને ઐયાશીમાં હંમેશા મદહોશ જ રહે છે તેથી તે પરસ્ત્રીઓના ચક્કરમાં પોતાની સ્ત્રીને સુખ આપી શકતો નથી તેથી વક્રી શુક્ર પુરુષને દાંપત્યજીવનનું સુખ આપી શક્તો નથી.

જયારે ગુરુ અને શુક્ર જેવા શુભ ગ્રહો વક્રી થાય ત્યારે તે ગ્રહની શુભતામાં ધટાડો જોવા મળે છે અને જયારે પાપ ગ્રહો જેમ કે શનિ અને મંગળ વક્રી થાય ત્યારે તેની અશુભતામાં ઘટાડો જોવા મળે છે.

કુંડળીમાં વક્રી ગ્રહો ત્યારે આવે છે જયારે તમારા જે તે ગ્રહને લગતા કાર્યો પૂર્વજન્મમાં અધૂરા રહી ગયા હોય તેને આ જન્મમાં તમારે પૂર્ણ કરવાના હોય છે.

જાતકો વક્રી ગ્રહો કી કહાની હજી બહુ લાંબી છે.સમય મળતા અન્ય અંકમાં આગળ જણાવીશ.

જય બહુચર માં.

Related Articles

Stay Connected

1,566FansLike
309FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

You cannot copy content of this page