સમગ્ર સચરાચર જગતમાં વ્યાપ્ત આદિ પરાશક્તિના ત્રણ મુખ્ય ચરિત્રો મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી એમ મુખ્ય ત્રણ દેવીમાં મહાકાલી “શક્તિનો સ્ત્રોત” છે. તે ખૂબ જવાળાઓ ઉત્પન્ન કરે છે.
આ શક્તિ સૌથી પહેલા મનુષ્યની અંદર રહેલા નકારાત્મક તત્વોનો નાશ કરીને આપણને સાત્વિક રીતે શક્તિશાળી બનાવે છે.
આ બ્રહ્માંડ નહોતું,સૃષ્ટિ નહોતી,માત્ર ને માત્ર અંઘકાર હતું તે અંધકાર જ સ્વયં “મહાકાલી” છે. તે તમોગુણી છે.તે સંહારિણીશક્તિ છે. તેમનું સ્વરૂપ અતિભયંકર અને રૌદ્ર છે પણ તેના ભક્તો ભાટે સદૈવ મંગલકારિણી છે. તેની ચાર ભુજાઓ ચાર દિશાને દૈદિપ્યમાન કરે છે.
માઁ કાલીના પાંપણ ફરકવા માત્રથી કેટલાય બ્રહ્માંડોનું સર્જન થાય છે અને કેટલાય બ્રહ્માંડોનું વિસર્જન થાય છે.
માં જગદંબા ના ક્રોધથી ઉત્પન્ન થયેલી શકિત “કાલી” છે જે અસૂરોને હણવા અને ભક્તોના ભય દૂર કરવા અતિ વિકરાળ સ્વરૂપ ધારણ કરીને અટ્ટહાસ્ય કરે છે તેથી તે શ્રી મહાકાલી કહેવાય છે.
દસ મહાવિદ્યાઓમાં પ્રથમ “કાલી” ને સ્થાન આપવામાં આવ્યું છે. તંત્રમાર્ગની અને તંત્રસાધનાની મુખ્ય અધિષ્ઠાત્રી દેવી “કાલી” છે.
દુર્ગા સપ્તશતી ચંડીપાઠના સાતમાં અધ્યાયમાં કાલિકાનું પ્રાગટય ઋષિ માંરકડેય મુનિએ કંઈક આમ વર્ણવ્યું છે કે
અંબિકાએ શત્રુઓ પ્રત્યે ભારે ક્રોધ કર્યો ત્યારે કોપથી એમનું વદન મેંશ જેવું થઈ ગયું. એમની ભમ્મર વાંકી થઈ ગઈ અને એમાંથી ભયંકર મુખવાળા કાલિકા પ્રગટ થયાં. તેમણે તલવાર અને પાશ ધારણ કર્યા હતા.
તેમણે વિચિત્ર ખટ્વાંગ,નરમાલાનું આભૂષણ,ચિત્તાની ચામડીનું અંબર કે જેનું માંસ સુકાઈ ગયું હતું તે પહેર્યું હતું.શ્રી કાલી અત્યંત ભયંકર લાગતા હતા. તેમનું મુખ અત્યંત પહોળું,આંખ લાલ અને ઉંડી હતી. તેમણે ભયંકર નાદથી દિશાઓને ગજવી દીધી હતી અને વેગથી છલાંગ મારીને અસુરો ને હણવા લાગ્યા હતા.તેઓ અસુરોનું ભક્ષણ કરવા લાગ્યા હતા.
જગતમાં શ્રી મહાકાલી ત્યારે જ ઉત્પન્ન થાય છે જ્યારે અંબિકા અત્યંત ક્રોધે ભરાય છે અને માં અંબિકા અતિ ભયંકર ક્રોધે ત્યારે જ ભરાય જ્યારે માં ના બાળકો પર કોઈ આંચ આવી જાય,દુષ્ટ પ્રકૃતિ ના લોકો જ્યારે માં ના સજજન માણસોનો ભોગ લે અથવા તો તેમને હેરાન કરે, જ્યારે કોઈ દુષ્ટ વ્યકિત પોતાની દીકરી સમાન દીકરી પર દાનત બગાડે અને તેનો ભોગ લે,જ્યારે કોઈ દુષ્ટ કોઈ સ્ત્રી ની આબરૂ પર હાથ મૂકે, જ્યારે કોઈ દુષ્ટ વ્યક્તિ માં કાલી ના નામે મૂંગા જીવો એટલે કે પશુ-પક્ષીઓની બલિ ચઢાવે, જ્યારે કોઈ દુષ્ટ માનવી કાલી (શિવા) ના નામે કે શિવ ના નામે મદિરા, ગાંજો, ચરસ અથવા અન્ય કોઈ નશીલા પદાર્થનું સેવન કરે ત્યારે ત્યારે જગદંબા અતિભયંકર ક્રોધે ભરાય છે,તેમના ક્રોધમાંથી અતિવિકરાળ “મહાકાલી” ઉત્પન્ન થાય છે અને આવા દુષ્ટોનું ભક્ષણ કરીને તે અટ્ટહાસ્ય કરે છે.
કોઈનો આત્મવિશ્વાસ ડગમગતો હોય,કોઈ બાબતથી ડર કે બીક લાગતી હોય,અંધકાર કે કોઈ છાયા પડછાયાનો ભય હોય તો તેણે “મહાકાલી” ના શરણે જતું રહેવું જોઈએ.”મહાકાલી” તેના આ તમામ ભય,ડરને દૂર કરીને તેને “નિડર” અને “અભય” બનાવે છે.
મહાભારતના યુદ્ધમાં શ્રી કૃષ્ણના કહેવાથી અર્જુન દુર્ગા સ્તોત્રનો પાઠ કરે છે અને કાલી પ્રસન્ન થઈને અર્જુનને યુદ્ધમાં વિજયી થાય એવા આશીર્વાદ આપે છે.
“ભદ્ર”નો અર્થ “કલ્યાણકારી” થાય અને “મહા”નો અર્થ “વિશાળ” થાય એટલે કાલી જે કલ્યાણકારી છે તે “ભદ્રકાલી” વિશાળ સ્વરૂપ ધારણ કરીને “મહાકાલી”નું સ્વરૂપ ધારણ કરે છે.બંનેમાં કોઈ ભેદ નથી.તે ભદ્રકાલી પોતાના બાળકોનું કલ્યાણ કરે છે તથા તે મહાકાલી પોતાના બાળકોના વિશાળ દુ:ખો જેને અતિમહાકાય કહી શકાય એવા દુ:ખોનું નિવારણ પણ કરે છે.
ચૈત્રી, આસો, મહા અને અષાઢ આ ચાર નવરાત્રી માં શ્રી મહાકાલીનું પૂજન કરવાથી અત્યંત બળવાન શત્રુ હોય તેનો પણ નાશ થાય છે. કોઈને અત્યંત મોટો રોગ થયો હોય તો તે મટી જાય છે. કોઈને પણ ભૂત, પ્રેત કે કોઈ પણ નકારાત્મક શકિતનો ભય લાગતો હોય તે ભયમુકત થઈને અભય બને છે.
શ્રી મહાકાલીનો મૂળ બીજ મંત્ર “કલીં” છે જેને કામબીજ કહેવાય છે.
શ્રીમદ્ દેવી ભાગવત પુરાણમાં મહાકાલીનો મંત્ર નીચે પ્રમાણે છે.
ૐ કલીં કાલિકાયૈ નમ : ।।
જય મહાકાલી માં.
જય બહુચર માં.