દર પૂનમે ચુંવાળ બહુચર માતાજીના મંદિરે રાત્રિના ૯.૩૦ વાગે માતાજીની ભવ્ય પાલખી યાત્રા નીકળે છે.અશ્વારી નથી નીકળતી કારણકે અશ્વારી એને કહેવાય કે જેમાં માતાજી અશ્વ ( ઘોડા ) થી બાંધેલા રથમાં બેઠા હોય પરંતુ માં બહુચર રાજરાજેશ્વરી મહારાણી મહારાજ્ઞી હોઈ પાલખીમાં બિરાજમાન થાય છે જે પાલખી માતાજીના ભક્તો પોતાના ખભે ઉંચકે છે.
“અશ્વારી” નો અર્થ ઘોડેસવારી થાય છે અને સવારી નો અર્થ કોઈ પશુ કે પ્રાણી પર સવાર કરનાર એમ થાય છે.જેમકે કૂકડે સવારી બહુચર માં,નંદી સવારી ઉમિયા માં,સિંહે સવારી અંબામાં એમ રીતે.
આરાસુરી અંબાજી મંદિરમાં અને ચુંવાળ બહુચરાજી મંદિરમાં માતાજીની સાત સાત દિવસની ચાંદીની સવારી છે.જેમ કે કૂકડો,સિંહ,વાઘ,હાથી,મોર,નંદી,હંસ વગેરે.
આ સિવાય પણ દેવી ભાગવત પુરાણમાં માતાજી વિવિધ જાતના વાહનો પર સવાર થાય છે તેનો ઉલ્લેખ છે.
શશિ સૂર્ય ગજરુઢા શનિભૌમૈ તુરંગમે
ગુરૌશુક્રેચ દોલાયાં બુધે નૌકાપ્રકીર્તિતા ||
અર્થાત્ શનિવારે અને રવિવારે દેવી હાથી પર સવાર થાય છે.મંગળ અને શનિવારે ઘોડા પર સવાર થાય છે.ગુરુવારે અને શુક્રવારે ( ડોલા ) પાલખી પર અને બુધવારે નૌકા પર સવાર થાય છે.
પાલખી કોને કહેવાય ? તો પાલખી એને કહેવાય કે જેમાં એક સ્ત્રી સોળે શણગાર સજીને ઠાઠમાઠથી બિરાજમાન થાય અને તે પાલખી ને તેના ભાઈ-ભાંડુઓ તથા સેવકો ખભા પર ઉંચકીને આખું ગામ ફરે છે.
રાજા-મહારાજાઓના જમાનામાં સ્ત્રીઓનું આ રીતે સન્માન કરવામાં આવતું.મહેલની કુમારિકાઓ અને મહારાણીઓ પાલખીમાં બિરાજમાન થઈને નગરયાત્રા કરતી હતી.
ચુંવાળ બહુચરાજી મંદિર ખૂબ પ્રાચીન છે અને જ્યારે વડોદરાના રાજવી માનાજીરાવ ગાયકવાડને આ મંદિરે દર્શન કરવાથી પાઠાનું દર્દ મટી ગયું તે પછી તેમના જમાનાથી આ પાલખી યાત્રા નીકળવાની પરંપરા શરુ થઈ હોવાનું મારું માનવું છે કારણકે સૌથી પહેલાં બહુચરાજી મંદિર તેમણે જ બનાવ્યું હતું.
તો ફરીથી લખું છું કે
માં બહુચર મહારાણી મહારાજ્ઞી રાજરાજેશ્વરી હોઇ ઠાઠમાઠથી દર પૂનમે ચુંવાળ પંથકમાં રહેતા અને ચુંવાળ પંથકમાં દર્શને આવેલા પૂનમિયા ( પૂનમ ભરવા આવતા ભક્તોને ) ને દર્શન અને આશીર્વાદ આપવા પાલખીમાં બિરાજમાન થાય છે.
પૂનમે માં બહુચર ની ભવ્ય પાલખી યાત્રા નીકળે છે,અશ્વારી નહીં.
( માતાજીની સવારી આગળ શાહી સવારી એવું પણ ના લખવું જોઈએ કારણકે “શાહી” શબ્દ ઉર્દૂ છે.ફારસી ભાષામાંથી ઉત્પન્ન થયો છે. )
જય બહુચર માં.