જાણો પ્રાચીન ગ્રંથોના આધારે.
શ્રી બહુચરાજી શક્તિપીઠ ચુંવાળ પંથકમાં આવેલું છે. આ ચુંવાળ શબ્દ ચુંવાળીસ ગામો પરથી પડયો. ચુંવાળ પ્રદેશનું મુખ્ય કેન્દ્ર દેત્રોજ ગામ હતું.પુરાતત્વમાં આ દેત્રોજ ગામ દૈત્ય-રાજપુર તરીકે ઓળખાતું હતું. આ ચુંવાળ પ્રદેશમાં ઘણા બધા દૈત્યો વસતા હોવાથી તેમનો વિનાશ કરવા જગદંબા અહીં બાળા સ્વરૂપે પ્રગટ થઈને બહુચરાજી કહેવાયા. બાળા દૈત્યોને મારવા માટે બહુ ચરી બહુ ચરી ( ફરી ) એટલે બહુચરી કહેવાઈ.
પ્રાચીનકાળમાં આ ચુંવાળ પ્રદેશ “ધર્મારણ્ય” તરીકે ઓળખાતું હતું. “ધર્મારણ્યય” એટલે ધર્મનું વન. ધર્મ + અરણ્ય ( વન ). ધર્મારણ્યનું કેન્દ્રસ્થ નગર મોહોકરપુર ( હાલનું મોઢેરા ) તરીકે ઓળખાતું હતું. મોઢેરાના મોઢ બ્રાહ્મણો તથા વૈશ્યોની ઉત્પત્તિની કથા “ધર્મારણ્યની કથા” માં વિસ્તૃતમાં વર્ણવેલ છે જે પદ્યપુરાણ તથા સ્કંદપુરાણમાં સમાવિષ્ટ છે.
પદ્યપુરાણમાં “પાતાળ ખંડ” માં અધ્યાય ૨૯ થી અધ્યાય ૬૩ સુધી ધર્મારણ્યની કથાનો સમાવેશ થાય છે તેમાં ધૌમ્યમુનિ કહે છે કે
સ્થાનં ચ પશ્વિમ ભાગે પંચકોશ પ્રમાણ : ।
સ્થિતા બહુચરી શક્તિનૈરાણાં વીર્યદાયિની ।।
અર્થ – મોઢેરાથી પશ્વિમ દિશામાં પાંચ કોષ દૂર પુરુષાતન આપનારા આદિ પરાશક્તિનું બાળ સ્વરૂપ “બહુચરા” નો વાસ છે.
“ભગવતી ભાગવત્” સ્કંદ સાતના ત્રીસમાં અધ્યાયમાં દેવીના ૧૦૮ સિદ્ધપીઠોનું વર્ણન છે તેમાં ૭૧ મું શક્તિપીઠ સરસ્વતીક્ષેત્ર ( ધર્મારણ્ય ) “દેવમાતા” નામથી પ્રખ્યાત થયું તેમ સ્પષ્ટ ઉલ્લેખ છે.
“કાલિકા પુરાણ” ના ૬૪ મા અધ્યાયમાં સરસ્વતીક્ષેત્ર ( ધર્મારણ્ય ) માં શ્રી બાલા બહુચરાજીનું મૂળ સ્થાન છે તેવો ઉલ્લેખ છે.
“અદભુત રામાયણ” માં આદિ પરાક્તિ શ્રી રામચંદ્ર ભગવાનને પોતાના સિદ્ધ સ્થાનનો નિર્દેશ કરે છે જેમાં સિદ્ધક્ષેત્ર ( હાલનું સિદ્ધપુર ) સમીપના બહુચરાજી શક્તિપીઠનો ઉલ્લેખ કરેલ છે.
શ્રી બહુચરાજી પિંજર સ્તોત્ર કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાને સિદ્ધપુર સમીપના સિદ્ધ શક્તિપીઠ ચુંવાળ પ્રદેશમાં આવેલ બહુચરાજી શક્તિપીઠમાં પધારીને માતાજીને સ્તુતિ કરેલ છે.
“દેવનામભયં દદાદિ વરદાં શ્રી બહુચરી ત્રાહિમામ”.
સિદ્ધપુરના વિદ્વાન બ્રાહ્મણ શ્રી સાંકરલાલ યજ્ઞેશ્વર દવે “શ્રી બાલા તંત્ર ચંદ્રિકા” અને “બહુચર ચિંતામણિ” નામનો ગ્રંથ તૈયાર કર્યો હતો જે વડોદરાના રાજવી માનાજીરાવ ગાયકવાડે તૈયાર કરાવ્યો હતો જેની નકલો ઈ.સ ૧૯૬૪ ની સાલમાં શોધખોળ કરતા પણ ના મળી તેથી આ ગ્રંથોના આધારે ઈ.સ ૧૯૬૫ ની સાલથી શ્રી બહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટ બહુચરાજી મંદિરની ઐતિહાસિકતા વર્ણવતું એક પુસ્તક ( શ્રી બાલાત્રિપુરાસુંદરી બહુચરઅંબા ) બહાર પાડતું હતું તેની ક્રમશ:પાંચ આવૃત્તિ બહાર પાડી છે તેની બીજી આવૃત્તિ મારી પાસે છે જેમાં આ સમગ્ર બાબતોનો ઉલ્લેખ છે.આ પુસ્તક અમદાવાદના શ્રી રતિલાલચંદ સાંકળચંદ નાયકે લખ્યું છે. શાસ્ત્રમાં વર્ણવેલ બહુચરાજી શકિતપીઠની આ તમામ બાબતોના પ્રમાણ આ પુસ્તકના આધારે લેવામાં આવ્યા છે.
જય બહુચર માં