તમારા પૂર્વ જન્મના, ભૂતકાળના અને વર્તમાનમાં કરેલા કર્મો નું એક લિસ્ટ બને છે. એમાં તમારા સારા કર્મો હોય તો બાઈજજત બરી કરીને તમને ઈનામ મળે છે અને ખોટા કર્મો હોય તો ગુનો નોંધાય અને સજા મળે છે. આ ન્યાય અન્યાય કરવાનું કાર્ય ગ્રહમંડળમાં શનિ ગ્રહ નહી પણ શનિદેવને સોંપાયેલ છે.
જયોતિષશાસ્ત્રમાં શનિને મંદ ગ્રહ કહ્યો છે જેની ગતિ ઘણી ધીમી છે. મારા અભ્યાસ મુજબ શનિ તમને સંઘર્ષ આપી લોઢા જેવા મજબૂત બનાવે છે જે તમને દુ:ખ આપે છે એવું લાગે, કયારેય એકલતા આપે પણ જયારે તમે લાયક બની જાઓ ત્યારે તમને ઉત્તમ ફળ આપે.હું બધે પોઝિટીવ જ શોધું છું તેથી શનિની સાડા સાતી પણ આવે ને તો એ તમને ઘણું બધુ શીખવીને એવા અનુભવી બનાવી દે કે ના પૂછો વાત !
આપણા ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની તુલા લગ્નની કુંડલીમાં લગ્નેશ શુક્ર સાથે બેઠેલા યોગકારક ગ્રહ શનિએ તેમના સારા કર્મોની નોંધ લીધી તથા જીવનમાં ખૂબ જ સંઘર્ષ આપી અનુભવી બનાવ્યા અને જેવા તેઓ એકદમ સક્ષમ થઈ ગયા તેવા શનિએ દેશની રાજગાદી પર બેસાડી દીધા. હવે તમને કહીશ તો નવાઈ લાગશે કે શનિ અહીં અગિયારમે સિંહ રાશિમાં અશુભ કે નીચનો થાય છે પણ પાંચમે રહેલા ગુરુની સાતમી દ્ષ્ટિથી શુભત્વ પ્રાપ્ત કરે છે.
શનિ જે સ્થાનમાં શુભત્વ પ્રાપ્ત કરતો હોય અથવા કોઈ શુભ ગ્રહની શનિ પર દષ્ટિ હોય તો એ ઉત્તમ ફળ આપે જેમ કે પાંચમે ધનનો શનિ સમ થયો પણ અગિયારમાં ભાવમાં જો ગુરુ હોય તો તે પાંચમે દષ્ટિ કરે તેથી તે જાતક વિદ્વાન બને,આઘ્યાત્મિક બને,બુદ્ધિચાતુર્ય ખૂબ હોય અને અનેક વિષયોમાં નિષ્ણાત થાય.
ઘણા લોકો ગેરસમજ પેદા કરે છે કે શનિ નડે છે કે શનિ ખરાબ ગ્રહ છે એવું કાંઈ નથી પણ એ ડર પેદા કરીને પૈસા ખંખેરવાની સ્કીમ છે. હા શનિ તમારી કુંડલીમાં અશુભ થતો હોય કે નીચનો થતો હોય તો તમે દર શનિવારે હનુમાનજીના ડાબા ચરણે તેલ સિંદૂર ચડાવી આવો તમારો શનિ હકારાત્મક થઈને સકારાત્મક ફળ આપશે કાં તો શનિદેવના મંદિરે જઈને સરસિયાનું તેલ ચડાવો.
એ સિવાય પણ કોઈ ગરીબને દાન કરો,અન્ન જમાડો,ભિખારીને વસ્ત્રો આપો, પગરખા લાવી આપો અથવા તો કોઈ મજૂર હોય કે કોઈ નોકર ચાકર હોય કે કોઈ નિમ્ન કક્ષાનો માણસ કેમ ના હોય આ બધાને ખુશ રાખો,આદર આપો,સન્માન આપો આ બધુ કરો ને એટલે શનિ તમારી પર રાજીના રેડ થઈ જાય.અન્ય એક ખાસ વાત શનિનું શુભ ફળ જોઈતુ હોય ને તો આજથી જ ઈંડા,માંસાહાર અને દારુ છોડી દો પછી જુઓ શનિદેવની મહેર……!
જય બહુચર માં.